'ભારત માટે અસલી ખતરો હિંદુ દક્ષિણપંથી...' પૂર્વ ઉપરાષ્ટ્રપતિનું વિવાદાસ્પદ નિવેદન, ભાજપ-VHP ભડકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hamid Ansari Remarks On Hindu Right Wing: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામિદ અંસારીએ જવાહરલાલ નેહરુના કથિત નિવેદનનો હવાલો આપતા રાજકારણ ગરમાયું છે. અંસારીના હિન્દુ જમણેરી કોમવાદને ભારત માટે મોટો ખતરો બતાવવામાં આવ્યો છે. હામિદ અંસારીના નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામિદ અંસારીએ શનિવારે બંધારણ નિષ્ણાત, વરિષ્ઠ વકીલ અને લેખક એ.જી. નૂરાનીની યાદમાં આયોજિત એક કાર્યક્રમમાં નિવેદન આપતા રાજકીય હોબાળો મચી ગયો છે. અંસારીએ નૂરાનીના પુસ્તક 'The RSS: A Menace to India' નો ઉલ્લેખ કરતા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના એ કથિત નિવેદનનો હવાલો આપ્યો, જેમાં તેમણે કહ્યું હતું કે, ભારત માટે અસલી ખતરો કમ્યુનિઝમ નથી, પરંતુ હિન્દુ જમણેરી કોમવાદ છે.
અંસારીના આ નિવેદન બાદ હવે ભાજપની તીખી પ્રતિક્રિયા
ખરેખર, નવી દિલ્હીના ઇન્ડિયા ઇસ્લામિક કલ્ચરલ સેન્ટરમાં આયોજિત 'Remembering a Polymath: The Life and Times of Abdul Ghafoor Noorani' કાર્યક્રમમાં બોલતા હામિદ અંસારીએ એ.જી. નૂરાનીના વિચારો અને લખાણોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, નૂરાનીના 2019માં પ્રકાશિત પુસ્તક 'The RSS: A Menace to India' ની પ્રસ્તાવનામાં એવા વિચારો નોંધાયેલા છે, જે તેમના મતે આજે ભારતના ઘણા મુસ્લિમોની લાગણી દર્શાવે છે.
અંસારીએ કહ્યું કે, આ પ્રસ્તાવનામાં નૂરાનીએ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની એ ટિપ્પણીઓનો ઉલ્લેખ કર્યો હતો, જેને પૂર્વ વિદેશ સચિવ જગત સિંહ ગુંડેવિયાએ વિદેશ મંત્રાલયના અધિકારીઓની એક બેઠકના સંદર્ભમાં નોંધી હતી. અંસારીના જણાવ્યા અનુસાર, નેહરુએ તે બેઠકમાં કહ્યું હતું કે ભારત માટે વાસ્તવિક ખતરો કમ્યુનિઝમ નથી, પરંતુ હિન્દુ જમણેરી કોમવાદ છે.
હામિદ અંસારીએ બીજું શું કહ્યું?
હામિદ અંસારીએ રાષ્ટ્રવાદ, ઓળખ અને ભારતની રાજકીય દિશા સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે તાજેતરના વર્ષોમાં એવા વલણો અને પ્રથાઓ સામે આવ્યા છે, જે નાગરિક રાષ્ટ્રવાદ (Civic Nationalism) ના સ્થાપિત સિદ્ધાંતને પડકારે છે, અને તેની જગ્યાએ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિભાવનાને આગળ વધારે છે.
અંસારીએ કહ્યું કે આ વિચારસરણી ચૂંટણીલક્ષી બહુમતીને ધાર્મિક બહુમતી તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરે છે, અને રાજકીય સત્તા પર એકાધિકાર સ્થાપિત કરવા માંગે છે. તેમના મતે, આ પ્રકારની પ્રવૃત્તિઓ નાગરિકો વચ્ચે ધર્મના આધારે ભેદભાવ ઊભો કરે છે, અસહિષ્ણુતાને પ્રોત્સાહન આપે છે અને સમાજમાં અસુરક્ષા તથા બેચેનીનો માહોલ બનાવે છે.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, આ વલણોના કેટલાક તાજેતરના ઉદાહરણો ચિંતાજનક છે, અને તે કાયદાના શાસન (Rule of Law) ના દાવાને નબળો પાડે છે. તેમણે કહ્યું કે આવા સવાલોના જવાબ આપવા જોઈએ અને આ વલણોનો કાનૂની તથા રાજકીય બંને સ્તરે સામનો કરવો જોઈએ.
અંસારીના નિવેદન પર ભાજપનો પલટવાર
હામિદ અંસારીના આ નિવેદન બાદ ભાજપે પલટવાર કર્યો હતો. ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ નિવેદન કોંગ્રેસની કથિત 'હિન્દુ વિરોધી રાજનીતિ'ને ખુલ્લી પાડે છે. ભાજપે રાહુલ ગાંધીના જૂના નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો અને આરોપ લગાવ્યો કે, આ પ્રકારની ટિપ્પણીઓ કોંગ્રેસની રાજકીય વિચારસરણી અને તેના નેરેટિવનો હિસ્સો રહી છે.
એ.જી.નૂરાનીના વિચારો પર હતો કાર્યક્રમ
એ.જી. નૂરાની દેશના જાણીતા કાયદાકીય નિષ્ણાત, લેખક અને બંધારણીય બાબતોના જાણકાર માનવામાં આવતા હતા. આ કાર્યક્રમનું આયોજન તેમના જીવન, વિચારો અને બૌદ્ધિક યોગદાનને યાદ કરવા માટે કરવામાં આવ્યું હતું. જોકે કાર્યક્રમનો મુખ્ય વિષય નૂરાનીના વ્યક્તિત્વ અને લખાણો પર ચર્ચા કરવાનો હતો, પરંતુ હામિદ અંસારીની ટિપ્પણીઓ રાજકીય ચર્ચાનો વિષય બની ગઈ અને તેના પર ભાજપની પ્રતિક્રિયાએ આ વિવાદને વધુ તેજ બનાવી દીધો છે.




