For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સૈનિકોના કાફલાની નજીક આવનારને આતંકવાદી ગણીને ઠાર કરાશે

- પુલવામા હુમલા પછી લશ્કરી દળોની હેરફેર વખતેના નિયમો બદલાયા

- જવાનોનો કાફલો પસાર થશે તે વખતે હાઈ-વે ઉપર અન્ય વાહનો પસાર થઈ શકશે નહીં, ટ્રાફિક બ્લોક કરાશે

Updated: Feb 21st, 2019

અગાઉ સૈનિકોનો કાફલો પસાર થતો ત્યારે નાગરિકોની અવર-જવર ઉપર પ્રતિબંધ હતો, મહેબૂબાની સરકારે નિયમ બદલ્યો હતો

Article Content Image

પુલવામા, તા.21 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર

પુલવામામાં સીઆરપીએફના જવાનો ઉપર થયેલા આતંકવાદી હુમલા પછી સૈન્ય કાફલો પસાર થતો હોય તે વખતેના નિયમોમાં ફેરફાર કરાયો હતો. હવે સુરક્ષા દળોના જવાનો હાઈવે ઉપરથી પસાર થતા હશે ત્યારે કોઈ નજીક ફરકશે તો પણ આતંકવાદી ગણીને તેને ઠાર કરાશે.

૨૦૧૪ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં એવો કાયદો હતો કે સૈન્યનો કાફલો પસાર થતો હોય ત્યારે નાગરિકોના વાહનો હાઈ-વે ઉપરથી પસાર થઈ શકતા ન હતા. જે સમયે જવાનોનો કાફલો પસાર થતો હોય એ વખતે ટ્રાફિક બ્લોક કરાતો હતો, પરંતુ મહેબૂબા મૂફ્તિની સરકારે નિયમોમાં ફેરફાર કરીને સૈન્ય દળોની હેરફેર વખતે નાગરિકોના પસાર થવાની પરવાનગી આપી હતી.

પુલવામામાં સીઆરપીએફના જવાનો ઉપર આતંકવાદી હુમલો થયો તે પછી હવે ફરીથી નિયમોમાં ફેરફાર કરાયો છે. તે પ્રમાણે હવે સૈન્યનો કાફલો પસાર થતો હતો તે વખતે કાફલાની નજીક આવનારાને આતંકવાદી ગણીને ઠાર કરાશે.

નાગરિકોના વાહનો એ વખતે પસાર થઈ શકશે નહીં અને રસ્તાને અન્ય વાહનો માટે બ્લોક કરાશે. રસ્તા ઉપર અવરજવર બંધ કરવાની જવાબદારી જમ્મુ-કાશ્મીર પોલીસની રહેશે.

નવા નિયમો પ્રમાણે કાફલાના ગાડીઓ ઉપર લાલ ઝંડો ફરકાવવામાં આવશે. લાલ ઝંડો હોવા છતાં તેની લાઈન ક્રોસ કરનારને દુશ્મન માનીને કાર્યવાહી કરાશે. જે સ્થળેથી કાફલો પસાર થશે તેની આસપાસનો ટ્રાફિક ૧૫-૨૦ મિનિટ સુધી બંધ રખાશે.

સીઆરપીએફની એક રોડ ઓપનિંગ પાર્ટી બનાવાશે તે આનું મોનિટરિંગ કરશે. આર્મી હાઈ-વે ડોમિનેશન ટીમ કાફલાને આગળ અને પાછળ સુરક્ષા આપશે. કોઈ ઓવર ટેક કરવાનો પ્રયાસ કરશે તો તુરંત રોકીને કાર્યવાહી થશે.

Gujarat