ટેરિફ વિવાદ વચ્ચે ભારતની ઓઇલ આયાત અંગે ચોંકાવનારો ખુલાસો, સરકારે જાહેર કર્યા આંકડા
India-Russia Crude Oil Trade : અમેરિકા-ભારત વચ્ચે ટેરિફ વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ભારત દ્વારા ક્રૂડ ઓઇલ આયાત-નિકાસના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના ડેટા મુજબ, ફેબ્રુઆરી બાદ ભારત દ્વારા ક્રૂડ ઓઇલની આયાત-નિકાસમાં ઘટાડો થયો છે. આંકડા મુજબ ઓઇલનો વેપાર વાર્ષિક ચાર ટકા ઘટ્યો હોવાનું સામે આવ્યું છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ, ભારત દ્વારા આયાત થતા ક્રૂડ ઓઇલમાં જુલાઈના મહિનાની મહિને દર મહિને લગભગ નવ ટકાનો અને વાર્ષિક આધારે ચાર ટકાનો ઘટાડો થયો હોવાનું જોવા મળી રહ્યું છે.
ભારત-રશિયા વચ્ચે ક્રૂડ વેપાર ઘટ્યો
કેન્દ્ર સરકારે સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, જુલાઈમાં ભારતનું ક્રૂડ ઓઇલ આયાત 8.7 ટકા ઘટીને 18.56 મિલિયન મેટ્રિક ટન નોંધાયું છે અને આ આંકડો ફેબ્રુઆરી-2024 બાદ સૌથી નીચલા સ્તરે છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓઇલ આયાતકાર અને ગ્રાહક છે, જે દર્શાવે છે કે, ભારતનો ક્રૂડ વેપાર વિશ્વભરના અનેક દેશોના અર્થતંત્રમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
જુલાઈમાં વાર્ષિક આધારે ઓઇલની આયાત 4.3 ટકા ઘટી
પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના આંકડા મુજબ, ભારતે જુલાઈ-2024માં 19.40 મિલિયન ટનની, જ્યારે જુલાઈ-2025માં 18.56 મિલિયન ટનનું ક્રૂડ ઓઇલ આયાત કર્યું છે. આમ વાર્ષિક આધારે જોતા તેમાં 4.3 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત, ક્રૂડ ઓઇલ પ્રોડક્ટ્સના આયાતમાં પણ 12.8%નો ઘટાડો જોવા મળ્યો છે.
નિકાસમાં પણ નિરાશા
આ ઉપરાંત ભારતને માત્ર આયાત જ નહીં, નિકાસમાં પણ નિરાશા હાથ લાગી છે. ભારતની પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં પણ 2.1%નો ઘટાડો નોંધાયો છે, જે હવે 5.02 મિલિયન ટન પર પહોંચી ગઈ છે. ઓઇલ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, જુલાઈમાં ભારતનો ઇંધણ વપરાશ માસિક ધોરણે 4.3 ટકા ઘટીને 19.43 મિલિયન ટન થયો છે.
આ પણ વાંચો : PM-CM અને મંત્રીઓની ખુરશી છીનવતાં બિલ મુદ્દે વિપક્ષમાં મતભેદ! ભાજપના બંને હાથમાં લાડુ