Get The App

‘જ્યાં સસ્તું મળશે ત્યાંથી જ ઓઇલ ખરીદીશું’, ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાને ભારતનો સ્પષ્ટ જવાબ

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
‘જ્યાં સસ્તું મળશે ત્યાંથી જ ઓઇલ ખરીદીશું’, ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાને ભારતનો સ્પષ્ટ જવાબ 1 - image


India-Russia Relations : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ ઝીંક્યા બાદ ચોતરફ તેમની ટીકા થઈ રહી છે. ભારત રશિયા પાસેથી બહોળા પ્રમાણમાં ઓઇલ ખરીદતું હોવાથી અને રશિયા ઓઇલથી મળેલા નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં ઉપયોગ કરતું હોવાથી ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ ઝિંક્યો છે. તેમના આ નિર્ણયના કારણે ભારત-અમેરિકા વચ્ચે તણાવની સ્થિતિ ઉભરી આવી છે. આ મુદ્દે ભારતના રાજદૂત, વિદેશ મંત્રી, અને અમેરિકાના નેતાઓના નિવેદનોથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ રહી છે.  રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ભારતીય કંપનીઓને જ્યાંથી સસ્તુ ઓઇલ મળશે, ત્યાંથી જ તે ખરીદશે. રશિયાની સરકારી સમાચાર એજન્સી 'તાસ'ને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભારતની પ્રાથમિકતા દેશની 140 કરોડની વસ્તી માટે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી છે. ભારત હંમેશા એવા પગલાં લેતું રહેશે જે દેશના રાષ્ટ્રીય હિતનું રક્ષણ કરે.

અમેરિકા દ્વારા ટેરિફ અને આર્થિક દબાણ

અમેરિકાના ઉપ પ્રમુખ જે.ડી.વેન્સે ભારત પર ઝીંકાયેલા ટેરિફનો ઉલ્લેખ કરી તાજેતરમાં કહ્યું હતું કે, ટ્રમ્પ પ્રશાસને ભારત પર વધારાના ટેરિફ લગાવીને રશિયા પર આર્થિક દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે, જેથી તે યુક્રેન યુદ્ધ બંધ કરે. ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે, જે 27 ઑગસ્ટથી અમલમાં આવશે. અમેરિકાનો આરોપ છે કે, ભારત રશિયા પાસેથી તેલ અને હથિયારો ખરીદીને યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં પુતિનની મદદ કરી રહ્યું છે.

ભારતના વિદેશ મંત્રી અને રાજદૂતનો આકરો જવાબ

જે. ડી. વેન્સના નિવેદનના જવાબમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે, ‘એ વિચિત્ર છે કે એક બિઝનેસ-ફ્રેન્ડલી અમેરિકન પ્રશાસનના લોકો બીજાને બિઝનેસ કરવા બદલ દોષ આપી રહ્યા છે. જો અમેરિકાને ભારત પાસેથી તેલ કે રિફાઇન્ડ પ્રોડક્ટ ખરીદવામાં મુશ્કેલી હોય તો તેમણે ન ખરીદવું જોઈએ, પરંતુ યુરોપ અને ખુદ અમેરિકા પણ તેલ ખરીદી રહ્યા છે. વિનય કુમારે પણ અમેરિકાના આ નિર્ણયને અનુચિત, અવ્યવહારુ અને બિનજરૂરી ગણાવ્યો છે.

આ પણ વાંચો : 'રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર સેકન્ડરી ટેરિફ લગાવ્યો', અમેરિકાના ઉપ-રાષ્ટ્રપ્રમુખનું નિવેદન

ચૂકવણીની વ્યવસ્થામાં કોઈ સમસ્યા નથી

વિનય કુમારે એમ પણ કહ્યું કે, ભારત-રશિયા વચ્ચે તેલ આયાતની ચૂકવણીમાં કોઈ સમસ્યા નથી, કારણ કે બંને દેશો વચ્ચે સ્થાનિક કરન્સીમાં વેપાર સિસ્ટમ બનાવાયેલી છે. ભારતીય નિકાસ સંગઠન મહાસંઘના મહાનિર્દેશક અજય સાહાએ જણાવ્યું હતું કે, ભારતીય બેંકોમાં રશિયન નિકાસકારોના અબજો રૂપિયા જમા છે અને રશિયા સાથે ભારતીય રૂપિયામાં વેપાર ચાલુ છે.

અમેરિકામાં જ થઈ રહેલો વિરોધ

ચોંકાવનારી વાત એ છે કે, ટ્રમ્પના નિર્ણયનો અમેરિકામાં પણ વિરોધ થઈ રહ્યો છે. રિપબ્લિકન નેતા નિકી હેલીએ 'ન્યૂઝવીક' મેગેઝીનમાં લખ્યું છે કે, અમેરિકાએ સમજવું જોઈએ કે ચીનનો સામનો કરવા માટે તેને ભારત જેવા મિત્રની જરૂર છે. પૂર્વ વિદેશ મંત્રી જ્હોન કેરીએ પણ કહ્યું છે કે, ટ્રમ્પ તેમની નીતિઓથી પોતાના સહયોગી દેશોને દૂર કરી રહ્યા છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે. પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટને તો ત્યાં સુધી કહ્યું કે, ટ્રમ્પે ભારત પર ટેરિફ લગાવ્યો પરંતુ ચીન પર નહિ, જ્યારે ચીન પણ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. તેમણે કહ્યું કે, આનાથી ભારત રશિયા અને ચીનની વધુ નજીક જઈ શકે છે, જે અમેરિકાની પોતાની ભૂલ છે.

આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટોપી કેમ આટલી ચર્ચામાં, આખરે એના પર એવું તો શું લખ્યું છે?

Tags :