PM-CM અને મંત્રીઓની ખુરશી છીનવતાં બિલ મુદ્દે વિપક્ષમાં મતભેદ! ભાજપના બંને હાથમાં લાડુ
Political News : વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી કે રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશના મંત્રીઓને ગંભીર ગુનાના કેસોમાં 30 દિવસ સુધી જેલમાં રાખવામાં આવે તો તેઓનું પદ પરત લઈ લેવાની જોગવાઇ કરતા ત્રણ બિલ લોકસભામાં પસાર થયા બાદ ભારે રાજકીય ઘમસાણ ચાલી રહ્યું છે. જ્યારે બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષ એટલે કે ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ સંસદમાં ભારે હોબાળા સાથે બિલનો વિરોધ કર્યો હતો, જેના કારણે સંસદ દ્વારા બિલ પર ચર્ચા કરવા માટે યુક્ત સંસદીય સમિતિ (JPC) રચવાનો નિર્ણય કર્યો છે.
બિલને લઈને વિપક્ષનો એકતરફ વિરોધ, બીજીતરફ પાછીપાની
આ બિલને લઈને ચોંકાવનારી વાત એ છે કે, એકરતફ ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ બિલને લઈને સંસદમાં ભારે વિરોધ કર્યો હતો, તો બીજીતરફ ગઠબંધનના કેટલાક સાથી પક્ષો જ બિલને લઈને પાછીપાની કરી રહ્યા છે. ચર્ચા કરવા માટે જે જેપીસી બનાવવાની છે, તેમાં સામેલ થવા મામલે ઇન્ડિયા ગઠબંધનમાં આંતરિક મતભેદ જોવા મળી રહ્યા છે. સંસદમાં બિલનો વિરોધ કરનારા ગઠબંધનના સાથી પક્ષો JPCમાં સામેલ થવા મામલે આનાકાની કરી રહ્યા છે. આમ બિલ મામલે વિપક્ષના આંતરિક ડખાને કારણે ભાજપના બંને હાથમાં લાડુ આવતા જોવા મળી રહ્યા છે.
જેપીસી મામલે ઇન્ડિયા ગઠબંધનના મતભેદ
જેપીસી સમક્ષ બિલ પર ચર્ચા કરવા માટે વિપક્ષમાં આંતરિક મતભેદ સામે આવ્યા છે. કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓ જેપીસીમાં પોતાની વાત રજૂ કરવા માંગે છે, જ્યારે TMC અને આમ આદમી પાર્ટીએ જેપીસીમાં સામેલ થવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. એટલું જ નહીં સમાજવાદી પાર્ટી અને શિવેસના યુબીટીએ પણ જેપીસી મામલે પાછીપાની કરી હોવાના સંકેત મળી રહ્યા છે.
સાથી પક્ષોને મનાવવા કોંગ્રેસની કવાયત
મીડિયા રિપોર્ટ મુજબ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, ‘અમે જાણીએ છીએ કે, જેપીસીમાં ભાજપના સભ્યોનો હાથ ઊંચો રહેશે, તેમ છતાં અમે તેમાં સામેલ થઈશું. જેપીસી ખૂબ જ મહત્ત્વનું ફોરમ છે, કારણ કે વિપક્ષો બિલ મામલે વિરોધ નોંધાવવાની સાથે પોતાની વાત પણ રજૂ કરી શકશે. બિલ અંગે તૈયાર થનાર જેપીસીના રિપોર્ટમાં વિપક્ષનું શું કહેવું છે, તે પણ સામેલ કરાશે. અગાઉ વિપક્ષો વક્ફ બિલનો વાંધો ઉઠાવ્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે પણ ધ્યાને લીધો હતો. અમે અમારા સાથી પક્ષોને જેપીસીમાં સામેલ કરવા માટે તેમનો સંપર્ક કરીશું.’ રિપોર્ટ મુજબ કોંગ્રેસ ડીએમકે, આરજેડી, જેએમએમ અને એનસીપીએસપી પક્ષોનો સંપર્ક કરી રહી છે.
20મીએ લોકસભામાં રજૂ કરાયું હતું બિલ
વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી કે રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશના મંત્રીઓને ગંભીર ગુનાના કેસોમાં 30 દિવસ સુધી જેલમાં રાખવામાં આવે તો આવી સ્થિતિમાં તેમની પાસેથી વડાપ્રધાન, મંત્રી કે મુખ્યમંત્રીનું પદ પરત લઈ લેવાય એવી જોગવાઈ કરતું બિલ લોકસભામાં રજૂ કરાયું હતું. જેનો વિપક્ષે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો, એટલુ જ નહીં બિલની કોપીઓ પણ ફાડી નાખી હતી.
બિલના વિરોધમાં વિપક્ષ વેલ સુધી ધસી આવ્યો હતો
વિપક્ષના સાંસદો લોકસભાની વેલ સુધી ધસી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા, આ દરમિયાન સાંસદોએ બિલોની કોપી ફાડી હતી અને ગૃહમંત્રી અમિત શાહ તરફ ઉછાળી હતી. જોકે વિવાદ વચ્ચે સરકારે સ્પષ્ટતા કરી હતી કે અમે આ બિલને સંયુક્ત સંસદીય સમિતી જેપીસીને સોંપવાનો પ્રસ્તાવ રજૂ કરે છે. બંધારણના 130મા સંશોધન માટેના આ બિલને લઈને વિપક્ષ દ્વારા એટલો ઉગ્ર વિરોધ કરાયો હતો કે ગૃહમંત્રીનું માઇક તોડવાનો પણ પ્રયાસ થયો હતો. બાદમાં સ્થિતિ બહુ જ તંગદીલ થઈ ગઈ હતી. જ્યારે સત્તાપક્ષ ભાજપના સાંસદો ગૃહમંત્રીનો બચાવ કરવા લાગ્યા હતા.
આ પણ વાંચો : PM મોદીની ડિગ્રી સાથે જોડાયેલી માહિતી નહીં આપીએ, દિલ્હી હાઈકોર્ટે રદ કર્યો CICનો આદેશ