India

થાઈલેન્ડ-કમ્બોડિયા ફરી બાખડતા ટ્રમ્પના 'શાંતિ'ના દાવાનો ફિયાસ્કો

By GS TEAM
14 Dec 20252 mins read
થાઈલેન્ડ-કમ્બોડિયા ફરી બાખડતા ટ્રમ્પના 'શાંતિ'ના દાવાનો ફિયાસ્કો

બંને દેશોએ યુદ્ધવિરામ ફગાવીને એકબીજા પર હુમલા કર્યા

ફરી શરૂ થયેલી લડાઈમાં મોટાપાયે જાનહાનિ, થાઈલેન્ડ અને કમ્બોડિયા ફાઈટર વિમાનો અને ડ્રોન દ્વારા એકબીજા પર ભીષણ હુમલા કયા

નવી દિલ્હી: થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે છેલ્લા છ દિવસથી ચાલી રહેલા ઘમાસાણને કારણે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામનો દાવો હવા હવાઈ સાબિત થયો હતો. ટ્રમ્પે દાવો કર્યો હતો કે બંને દેશોએ તેમની અને મલેશિયાના વડા પ્રધાન અનવર ઈબ્રાહિમની મધ્યસ્થતાથી શાંતિપૂર્ણ સમાધાન અને લડાઈ રોકવા પર સહમતિ દર્શાવી છે. પણ આ જાહેરાત થોડા જ કલાકોમાં બિનઅસરકારક સાબિત થઈ અને બંને દેશોએ એકબીજા પર ઘાતક હુમલા કર્યા છે જેમાં મોટાપાયે જાનહાનિ થયાના સમાચાર છે.

ટ્રમ્પ સાથે વાટાઘાટ પછી તુરંત થાઈલેન્ડના વડા પ્રધાન અનુતિન ચર્નવીરાકુલે સ્પષ્ટતા કરી કે  યુદ્ધ ત્યારે જ રોકાશે જ્યારે કમ્બોડિયા પોતાના હુમલા બંધ કરે. થાઈ વિદેશ મંત્રાલયે પણ ટ્રમ્પના યુદ્ધવિરામના દાવાનું ખંડન કર્યું, જ્યારે કમ્બોડિયાના વડા પ્રધાન હુમ માનેતે પણ પોતાના નિવેદનમાં યુદ્ધવિરામનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. પરિણામસ્વરૂપ, લડાઈ વધુ ભીષણ બની છે.

શનિવારે સવારે થાઈલેન્ડના એફ-૧૬ વિમાનોએ કમ્બોડિયાના અનેક ગામો તેમજ તટીય વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા, સાથે જ સમુદ્રી આર્ટિલરી ફાયરિંગ પણ થઈ.  ૭ ડિસેમ્બરે બે થાઈ સૈનિકોના ઘાયલ થયા પછી શરૂ થયેલી આ ઝપાઝપી હવે વ્યાપક યુદ્ધમાં પરિવર્તિત થઈ ચુકી છે. અગાઉ જુલાઈમાં પણ બંને દેશો વચ્ચે સંઘર્ષ થયો હતો, જે ટ્રમ્પ અને મલેશિયાની મધ્યસ્થતાથી અટકાવી દેવાયો હતો.

વર્તમાન સંઘર્ષમાં બંને પક્ષે ભારે જાનહાનિ થઈ છે. થાઈલેન્ડે પોતાના પંદર સૈનિકોના મોતની પુષ્ટી કરી છે જ્યારે કમ્બોડિયાના બસોથી વધુ સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કરાયો છે. કમ્બોડિયાએ જો કે આ દાવાનો ઈન્કાર કરીને ૧૧ નાગરિકોના મોત અને ૭૬ ઈજાગ્રસ્ત થયા હોવાનું સ્વીકાર્યું છે. રવિવારે કમ્બોડિયાની રોકેટ ફાયરિંગમાં ૬૩ વર્ષીય થાઈ નાગરિકના મોત સાથે આ સંઘર્ષ નાગરિકોને પણ પ્રભાવિત કરી રહ્યો છે.સરહદ પર બંને દેશોના અત્યાર સુધી પાંચ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. 

બંને પક્ષે ડ્રોન, રોકેટ લોન્ચર અને ફાઈટર જેટોનો ઉપયોગ થઈ રહ્યો છે. થાઈલેન્ડનો આરોપ છે કે કમ્બોડિયા રોજ હજારો રોકેટ દાગી રહ્યું છે જ્યારે કમ્બોડિયાના જણાવ્યા મુજબ તે માત્ર હુમલાનો પ્રતિસાદ આપી રહ્યું છે. આમ ટ્રમ્પનો યુદ્ધવિરામનો દાવો સદંતર વિફળ માનવામાં આવ્યો છે અને બંને દેશો વચ્ચે ઐતિહાસીક મંદિરવાળા વિસ્તારો માટે થયેલો સંઘર્ષ દક્ષિણ-પૂર્વ એશિયામાં સ્થિરતા સામે મોટો પડકાર બની ગયો છે.