કંબોડિયા-થાઈલેન્ડ યુદ્ધ: અત્યાર સુધી 32ના મોત, આ મુસ્લિમ દેશ મધ્યસ્થી બનવા તૈયાર
Thailand Cambodia Border Clash : થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે. 24 જુલાઈના રોજ બંને દેશો સરહદ પદ એકબીજાના વિરોધમાં આવી ગયા બાદ સામસામે ભયાનક હુમલાઓ કરી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે. બંને દેશોએ સરહદ પર ટેન્કો અને હથિયારો પણ તહેનાત કરીને રાખ્યા છે. બંને તરફી આક્રમક વલણ બાદ કંબોડિયાએ સંયુક્ત રાષ્ટ્રમાં સિઝફાયરની માંગ કરી છે. બીજીતરફ બંને દેશો આસિયાનના સભ્યો હોવાથી મલેશિયાએ યુદ્ધ અટકાવવા માટેના તમામ પ્રયાસ શરૂ કરી દીધા છે.
UNની ઈમરજન્સી બેઠક, કંબોડિયાની યુદ્ધ અટકાવવા માંગ
યુએન સુરક્ષા પરિષદે શુક્રવારે મોડી રાત્રે ઈમરજન્સી બેઠક યોજી હતી, જેમાં કંબોડિયાએ યુદ્ધ અટકાવવાની માંગ કરી છે. કંબોડિયાના સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત ચિયા કેઓએ કહ્યું કે, ‘કંબોડિયાએ કોઈપણ શરત વગર સીઝફાયરની માંગ કરી છે અને અમે ઈચ્છીએ છીએ કે, વિવાદનું શાંતિપૂર્ણ સમાધાન થાય.
થાઈલેન્ડ મલેશિયાના હસ્તક્ષેપથી વિવાદ ઉકેલવા તૈયાર
બીજીતરફ થાઈલેન્ડે પણ વાતચીત કરવાના સંકેત આપ્યા છે. થાઈલેન્ડના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નિકોર્ન્ડેજ બાલનકુરાએ કહ્યું કે, ‘અમે મલેશિયાની મદદથી વાચતીત કરવા માટે તૈયાર છીએ. જો કંબોડિયા રાજદ્વારી, દ્વિપક્ષી અથવા મલેશિયા દ્વારા વિવાદ ઉકેલવા માંગતા હોય તો અમે તે માટે તૈયાર છીએ. જોકે હજુ કોઈપણ પ્રતિક્રિયા મળી નથી.
આ પણ વાંચો : 2025માં વિશ્વમાં સૌથી વધુ કોણે પૈસા કમાયા, અંબાણી, મસ્ક કે બેઝોસ કોઈનું નામ નહીં
મલેશિયાએ મધ્યસ્થતાની ઓફર કરી
મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ મલેશિયા દક્ષિણ-પૂર્વ એશિયાઈ રાષ્ટ્ર સંઘનું અધ્યક્ષ છે અને તેમાં થાઈલેન્ડ અને કંપોડિયા સભ્ય છે. મલેશિયાએ બંને દેશોને ઘર્ષણ બંધ કરવા આહવાહન કર્યું છે. આ સાથે તેણે હસ્તક્ષેપની પણ ઓફર કરી છે. સરકારી સમાચાર એજન્સી બરનામાના રિપોર્ટ મુજબ, અનવર ઈબ્રાહિમે કહ્યું કે, ‘મેં મારા વિદેશ મંત્રીને થાઈલેન્ડ-કંબોડિયાના વિદેશ મંત્રાલયો સાથે સંપર્કમાં રહેવાનું કહ્યું છે. હું આ ઘર્ષણ અટકાવવા માટે બંને દેશો સાથે વાતચીત ચાલુ રાખીશ. યુદ્ધ અટકાવવા માટે સંભવ તમામ પ્રયાસો કરીશ.’
સરહદ પાસે 58,000થી વધુ લોકો પ્રભાવિત
કહેવાય છે કે કંબોડિયન સેનાએ ભારે હથિયારો, ફિલ્ડ આર્ટિલરી અને BM-21 રોકેટ સિસ્ટમનો ઉપયોગ કરીને સતત બોમ્બમારો કર્યો છે. થાઈલેન્ડના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે સરહદના ચાર પ્રભાવિત પ્રાંતોના ગામડાઓમાંથી 58,000થી વધુ લોકો અસ્થાયી આશ્રયસ્થાનોમાં ખસી ગયા છે, જ્યારે કમ્બોડિયાના અધિકારીઓએ કહ્યું છે કે સરહદ નજીકના વિસ્તારોમાંથી 23,000થી વધુ લોકોએ સ્થળાંતર કર્યું છે.
થાઈલેન્ડના 8 જિલ્લામાં માર્શલ લૉ જાહેર
શુક્રવારે થાઈલેન્ડે કંબોડિયાની બોર્ડર પર આવેલા 8 જિલ્લાઓમાં માર્શલ લો જાહેર કરી દીધું છે. થાઈલેન્ડના એક આર્મી કમાન્ડરે કહ્યું છે કે, કંબોડિયા દ્વારા બળપ્રયોગ કરી થાઈ વિસ્તારમાં ઘુસવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જણાવી દઈએ કે, યુએનના સિક્યોરિટી કાઉન્સિલમાં આ સંઘર્ષ પર એક ઈમરજન્સી મીટિંગ પણ થઈ છે.
કેમ વકરી સ્થિતિ?
24મી જુલાઈ બંને દેશો વચ્ચે ઘર્ષણના એક દિવસ પહેલા થાઈલેન્ડે કંબોડિયાથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. ત્યારબાદ સરહદ પર લેન્ડમાઇન વિસ્ફોટમાં એક થાઈ સૈનિક ઘાયલ થયો હતો, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો અને થાઈલેન્ડે પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં બંને દેશો વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષમાં એક કંબોડિયાના સૈનિકનું મોત થયું હતું અને તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધમાં તણાવ આવી ગયો હતો. ગત મહિને બંને દેશોએ એકબીજા પર કડક પ્રતિબંધો લગાવ્યા અને સરહદ પર સૈનિકોની સ્થિતિ વધારી દીધી.
આ પણ વાંચો : ચીન બૉયકોટની વાતો વચ્ચે આ સેક્ટરમાં ચૂપચાપ હિંદી-ચીની ભાઈ ભાઈ જેવી સ્થિતિ