ચીન બૉયકોટની વાતો વચ્ચે આ સેક્ટરમાં ચૂપચાપ હિંદી-ચીની ભાઈ ભાઈ જેવી સ્થિતિ
India-China Business : ચીન વિશ્વની બીજી મોટી ઈકોનોમી છે, તો ભારત વિશ્વમાં ઝડપથી વધી રહેલી ઈકોનોમી છે. ચીન-ભારત વચ્ચે સંબંધોમાં ખટાશ છતાં ચીન ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. બંને દેશો વચ્ચે સારા સંબંધો નથી. ચીને તાજેતરમાં જ ભારત માટેની રેયર અર્થ મેગ્નેટ અને સ્પેશિયાલિટી ફર્ટિલાઇઝરનો જથ્થો અટકાવી દીધો હતો. જોકે એક સેક્ટર એવું છે, જ્યાં બંને દેશોની કંપનીઓ ચૂપચાપ હાથ મિલાવી રહી છે.
ભારત-ચીનની કંપનીઓએ આ સેક્ટરમાં મિલાવ્યો હાથ
મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રોનિક્સ સામાનનું ઉત્પાદન કરતી કંપની ડિક્સન ટેકનોલોજી અને ચીનની લૉન્ગ ચીયર ઈન્ટેલીજન્સ વચ્ચે થયેલા સમજૂતી કરારને મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ સામાન બનાવતી અનેક કંપનીએ હવે ચીનની કંપનીઓ સાથે હાથ મિલાની કામ કરવાની વિચારી રહી છે. ડિક્સન ભારતની સૌથી મોટી ઈલેક્ટ્રોનિકસ સામાન બનાવતી કંપની છે. કંપનીએ ગુરુવારે (24 જુલાઈ) કહ્યું હતું કે, ‘સરકારે અમારા અને ચીન સાથે થયેલા સમજૂતી કરારને મંજૂરી આપી દીધી છે. બંને કંપનીઓના વેન્ચરમાં ડિક્સનની 74 ટકા અને લોંગચીયરની 26 ટકા ભાગીદારી હશે.
ડિક્સન બાદ હવે અન્ય ભારતીય કંપનીઓની ચીન પર નજર
ડિક્સન અને લૉન્ગ ચીયર ઈન્ટેલીજન્સ વચ્ચે સમજૂતી કરાર થયા બાદ દેશની અન્ય કંપનીઓમાં પણ ઉત્સાહ વધ્યો છે. એપેક ડ્યુરેબલ, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, એમ્બર એન્ટરપ્રાઇઝ અને કાર્બન મોબાઇલ કંપનીઓ પણ ચીનની કંપનીઓ સાથે આવો સમજૂતી કરાર કરવાની યોજના બનાવી રહી છે. વાસ્તવમાં ડિક્સનને મંજૂરી મળ્યા બાદ સ્થાનીક ઈલેક્ટ્રોનિક ઈન્ડસ્ટ્રીને લાગી રહ્યું છે કે, કેન્દ્ર સરકારનું ચીન પ્રત્યેનું વલણ થોડું નરમ પડી ગયું છે. અમે ચીનની કંપનીઓ ભારતમાં સરળતાથી ઉત્પાદન બનાવી શકશે. ડિક્સનના સમજૂતી કરાર પર સૌકોઈ નજર રાખીને બેઠું હતું. જો ચીનની કંપનીને ભારતમાં કામ કરવું હોય તો તેણે ભારત સરકાર પાસેથી મંજૂરી લેવી પડે છે.