જમ્મુ-કાશ્મીરના કુલગામમાં CRPF પર આતંકી હુમલો: બાઈક સવારોએ 15 સેકન્ડમાં 30 રાઉન્ડ ફાયરિંગ કર્યું, 3 જવાનો ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kulgam Terrorist Attack : જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે બપોરે અંદાજે 2:15 વાગ્યે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના નાકા પર તૈનાત જવાનો પર આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. મીર બજાર નજીક અખરાન કેમ્પ ચોકી પર બાઇક પર આવેલા અજ્ઞાત હુમલાખોરોએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલામાં CRPFની 46મી બટાલિયનના 3 જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને આતંકીઓની શોધખોળ માટે સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
હુમલાનું CCTV ફૂટેજ આવ્યું સામે
આતંકી હુમલાનું સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે, જેમાં હુમલાખોરો માત્ર 15 સેકન્ડની અંદર અંદાજે 30 રાઉન્ડ ગોળીબાર કરતા જોવા મળે છે. વીડિયોમાં શરૂઆતમાં જવાનો પેટ્રોલિંગ કરતા દેખાય છે, ત્યારે જ અચાનક ગોળીઓ છૂટવા લાગે છે અને ચીસાચીસ સંભળાય છે. હુમલા બાદ જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી, પરંતુ હુમલાખોરો ત્યાંથી ફરાર થવામાં સફળ રહ્યા હતા.
ઈજાગ્રસ્ત જવાનો અનંતનાગની હોસ્પિટલમાં દાખલ
આ હુમલામાં ઘાયલ થયેલા જવાનોની ઓળખ હેડ કોન્સ્ટેબલ સોમવીર, કોન્સ્ટેબલ સંતાનો અને રાકેશ દાસ તરીકે થઈ છે. ગોળીબારમાં એક જવાનના પગમાં, બીજાના હાથમાં અને ત્રીજા જવાનની પીઠમાં ગોળી વાગી છે. તમામને તાત્કાલિક સારવાર માટે અનંતનાગની સરકારી મેડિકલ કોલેજ (GMC) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં એક જવાનની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
આતંકી લતીફ ભટની સંડોવણી હોવાની શંકા
જોકે હજી સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર લશ્કર-એ-તૈયબાના હિટ સ્ક્વોડ ગણાતા 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) ના સક્રિય આતંકી લતીફ ભટના મોડ્યુલે આ કાવતરું ઘડ્યું હોવાની આશંકા છે. લતીફ ભટ આ પહેલાં પણ દક્ષિણ કાશ્મીરમાં અનંતનાગના લાલ ચોક અને કુલગામમાં થયેલા હુમલાઓમાં સામેલ રહ્યો છે.
ક્વિક એક્શન ટીમ તૈનાત, સર્ચ ઓપરેશન તેજ
ઘટના બાદ ગૃહ મંત્રાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં CRPFના ડીજીએ સમગ્ર સ્થિતિની માહિતી આપી હતી. સુરક્ષા એજન્સીઓએ સ્થાનિક પોલીસ, CRPF અને આર્મી સાથે મળીને સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દીધી છે. હુમલાખોરોને ઝડપી લેવા ક્વિક એક્શન ટીમ (QAT) તૈનાત કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે હુમલામાં ઉપયોગમાં લેવાયેલી શંકાસ્પદ બાઇકની ઓળખ કરી હુમલાખોરો સુધી પહોંચવાના પ્રયાસો તેજ કરાયા છે.
ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી સેમ્પલ એકઠા કર્યા
ઘટના બાદ જમ્મુ-કાશ્મીર FSL અંતર્ગત ડિસ્ટ્રિક્ટ મોબાઇલ ફોરેન્સિક યુનિટ (DMFU) સહિતની ફોરેન્સિક ટીમ કુલગામના અખરાનમાં સ્થળ પર પહોંચી ગઈ છે. તપાસ અધિકારીઓને ઘટનાક્રમની કડીઓ જોડવામાં મદદ મળે તે હેતુથી ટીમ સ્થળ પરથી જરૂરી સેમ્પલ અને અન્ય મહત્વપૂર્ણ પુરાવા એકત્ર કરી રહી છે.
કાશ્મીર ખીણમાં સુરક્ષા વધારાઈ, હાઇવે પર વાહનોનું ચેકિંગ તેજ
કુલગામ હુમલાને પગલે સમગ્ર કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. સુરક્ષા દળોએ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર તેમજ ખાસ કરીને અવંતીપોરા, પંપોર અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં વાહનોનું સઘન ચેકિંગ શરૂ કરી દીધું છે.




