અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ ભયાનક પૂર, 1 લાખ લોકો પ્રભાવિત, ઘર-રસ્તા ડૂબ્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Arunachal Pradesh Floods : અરુણાચલ પ્રદેશમાં સતત વરસાદને કારણે કુમેય નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જેના લીધે સરહદી શહેર પારસી-પારલો સર્કલ જળમગ્ન બન્યું છે. ભારે વરસાદના કારણે શાળાઓ, કચેરીઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. વિસ્તારની ઘણી કોલોનીઓ અને ગામડાઓના રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. ભૂસ્ખલન અને ધોવાણને કારણે રસ્તાઓને ભારે નુકસાન થયું છે.
ભારે વરસાદથી અરુણાચલના ઘણા જિલ્લાઓમાં ફરી તબાહી
નવા પૂર અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે, પુલ ધોવાઈ ગયા છે, અને ઘણા વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે(SEOC) સોમવારે માહિતી આપી હતી કે, પૂરમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 29 લોકો ઘાયલ થયા છે. રાજ્યના 26 જિલ્લાના 425 ગામોમાં પૂરના કારણે કુલ 97,182 લોકો પ્રભાવિત થયા છે. આ સાથે જ કૃષિ અને જાહેર સંપત્તિને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.
કુરુંગ કુમેય જિલ્લામાં ભારે તબાહી
કુમેય નદીના ઉપરના વિસ્તારોમાં સોમવારે સવારે ભારે વરસાદથી અચાનક પૂર આવી ગયું. તેનાથી પારસી-પારલો સર્કલ અને દામિન સબડિવિઝન સૌથી વધુ પ્રભાવિત થયા છે. દામિનમાં હુરી-દામિનને જોડતો પુલ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે, જેનાથી માર્ગ સંપર્ક તૂટી ગયો છે. પારસી-પારલોમાં બે મકાનો આંશિક રીતે ક્ષતિગ્રસ્ત થયા છે, અને એક ચર્ચને પણ નુકસાન થયું છે. આ સિવાય પાગમ ગામને જોડતો એક પુલ પણ ધોવાઈ ગયો. વિસ્તારની પ્રખ્યાત સેન્ટ થોમસ સ્કૂલ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ છે. આ સિવાય પક્કે કેસાંગ જિલ્લામાં ભારે ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે-13 પર પાકરો ગામ પાસે રસ્તો બંધ થઈ ગયો છે.
કેટલું નુકસાન થયું?
ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે પ્રભાવિત વિસ્તારોમાં કુલ 541.75 હેક્ટર પાક બરબાદ થયો છે. આશરે 1,010 હેક્ટર જંગલ પણ પ્રભાવિત થયું છે. સેંકડો ઘરોને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત 150 રસ્તાઓ, 19 પુલ, 221 પાણી પુરવઠા વ્યવસ્થા, 58 સરકારી ઇમારતો, 156 વીજળી લાઇનો, 224 વીજળીના થાંભલા, 10 જળવિદ્યુત પરિયોજનાઓ, 2 હૉસ્પિટલ અને 3 શાળાઓ ક્ષતિગ્રસ્ત થઈ છે. જિલ્લા વહીવટી તંત્ર, પેરામિલીટરી ફોર્સ, પોલીસ અને અન્ય વિભાગો સાથે મળીને નુકસાનની સમીક્ષા કરી રહ્યું છે, અને રાહત કામગીરી ચલાવી રહ્યું છે. લોકોને ભારે વરસાદવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી થોડા દિવસો સુધી વરસાદથી રાહત નહીં મળવાની શક્યતા વ્યક્ત કરી છે.









