Get The App

તમિલનાડુમાં સત્તા માટે સંગ્રામ: વિજયના સમર્થનમાં AIADMKમાં ભંગાણના એંધાણ, 28 ધારાસભ્યો રિસોર્ટમાં શિફ્ટ

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
તમિલનાડુમાં સત્તા માટે સંગ્રામ: વિજયના સમર્થનમાં AIADMKમાં ભંગાણના એંધાણ, 28 ધારાસભ્યો રિસોર્ટમાં શિફ્ટ 1 - image


Tamil Nadu Government Formation 2026: તમિલનાડુમાં ચૂંટણી પરિણામો બાદ સરકાર બનાવવા માટે ભારે ખેંચતાણ ચાલી રહી છે. TVK ચીફ વિજય પાસે હાલ પૂરતું સંખ્યાબળ નથી, ત્યારે AIADMKના ધારાસભ્યોના વલણ અને રિસોર્ટ પોલિટિક્સે રાજ્યના રાજકારણમાં નવો વળાંક લાવી દીધો છે.

પુડુચેરીમાં રિસોર્ટ પોલિટિક્સ EPS મેદાનમાં

AIADMKના 28 જેટલા ધારાસભ્યો હાલ પુડુચેરીના પૂરનકુપ્પમમાં એક લક્ઝરી રિસોર્ટમાં રોકાયા છે. આ ધારાસભ્યો સી. વી. શનમુગમ જૂથના હોવાનું મનાય છે. જેઓ વિજયની પાર્ટી TVKને ટેકો આપવા માટે તૈયાર છે. પરિસ્થિતિને થાળે પાડવા અને પક્ષમાં ભંગાણ રોકવા માટે AIADMK જનરલ સેક્રેટરી એડપ્પાદી પલાનીસ્વામી (EPS) પોતે ધારાસભ્યોને મળવા પુડુચેરી રવાના થયા છે.

સત્તામાં ભાગીદારીની ફોર્મ્યુલા?

સૂત્રોના જણાવ્યા અનુસાર, TVK અને AIADMKના બળવાખોર જૂથ વચ્ચે સત્તાની વહેંચણી અંગે ચર્ચા ચાલી રહી છે. સી.વી. શનમુગમને નાયબ મુખ્યમંત્રી (Deputy CM) પદની ઓફર અપાઈ હોવાની ચર્ચા છે. કે. એ. સેંગોટ્ટયન જેવા વરિષ્ઠ નેતાઓ આ સમજૂતીમાં મધ્યસ્થી કરી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. 

વિજયની નવી વ્યૂહરચના CPIનો સંપર્ક

કોંગ્રેસના 5 ધારાસભ્યોના ટેકા બાદ પણ વિજયને હજુ 6 ધારાસભ્યોની જરૂર છે. આ માટે TVKના નેતા સીટીઆર નિર્મલ કુમારે CPI(ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી)ના રાજ્ય સચિવ એમ. વીરાપાંડિયન સાથે મુલાકાત કરી સમર્થન માંગ્યું છે. TVK અત્યારે ડાબેરી પક્ષો, VCK અને IUMLને પોતાની સાથે લાવવા પ્રયાસ કરી રહી છે.

રાજ્યપાલ અને કાયદાકીય ગૂંચ

રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વિજયને સ્પષ્ટ સૂચના આપી છે કે, તેઓ બહુમતી સાબિત કરવા માટે ધારાસભ્યોની લેખિત યાદી રજૂ કરે. બીજી તરફ, રાજ્યપાલ વિજયને શપથ લેવા માટે આમંત્રણ ન આપતા હોવાથી TVKના કાર્યકરોમાં રોષ છે. આ મુદ્દે એક કાર્યકરે રાષ્ટ્રપતિને પત્ર લખીને રાજ્યપાલની ભૂમિકા સામે વાંધો ઉઠાવ્યો છે.

આગામી શક્યતાઓ

જો રાજ્યપાલ આમંત્રણ ન આપે, તો વિજય હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી શકે છે. જો કોઈ પક્ષ બહુમતી સાબિત ન કરી શકે, તો રાજ્યમાં ફરીથી ચૂંટણી યોજવાની નોબત પણ આવી શકે છે.