બોલો ઓછું અને કામ વધારે કરો: ચૂંટણી પહેલા અખિલેશ યાદવ પર ટિપ્પણી કરનારા સાંસદને ખડગેની ટકોર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UP Assembly Elections 2027 : ઉત્તર પ્રદેશની 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટી(SP) અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના સાંસદ ઈમરાન મસૂદને કડક સંદેશ આપ્યો છે. ગુરુવારે ખડગેએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, નેતાઓએ બોલવા કરતાં કામ કરવા પર વધુ ધ્યાન આપવું જોઈએ.
સાંસદની કામગીરીની પ્રશંસા સાથે એકતાનો મેસેજ
મલ્લિકાર્જુન ખડગેએ ઈમરાન મસૂદના સંસદમાં પ્રદર્શનની સરાહના કરતા કહ્યું કે, 'ઈમરાન મસૂદ – જેમને હું વારંવાર ટેલિવિઝન પર સાંભળું છું, જ્યાં તેઓ ઘણીવાર ખૂબ જ આવેશપૂર્ણ રીતે બોલે છે. જોકે, આપણે માત્ર શબ્દો પર નહીં પણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ; આપણે જેટલું સાથે મળીને કામ કરીશું, તેટલા આગળ વધીશું. તેઓ સંસદમાં પાર્ટી માટે સતત લડે છે અને અમારો પક્ષ મજબૂતીથી જળવાઈ રહે તે માટે પ્રયત્નશીલ રહે છે.' પાર્ટીના નેતાઓને આંતરિક વિખવાદથી બચવાની ચેતવણી આપતાં ખડગેએ વધુમાં કહ્યું કે, 'જો કોઈ બાબત જીતને મુશ્કેલ બનાવી શકે છે, તો તે આંતરિક વિખવાદ છે. બહાર આપણા વિરોધીઓ કોણ છે તે આપણે જાણીએ છીએ, પરંતુ અંદરનો દુશ્મન કોણ છે તે આપણે જાણતા નથી. તેથી, આપણે સાવધ રહેવું પડશે.'
બેઠકોની વહેંચણી અને SPની પ્રથમ યાદીથી વધ્યો વિવાદ
ઉત્તર પ્રદેશમાં INDIA ગઠબંધનના આ બંને સાથી પક્ષો વચ્ચે હજુ સુધી બેઠકોની વહેંચણી પર સહમતિ સધાઈ નથી. કોંગ્રેસે અંદાજે 130 બેઠકોની માંગણી કરી છે, જેની સામે સમાજવાદી પાર્ટીએ શરૂઆતમાં માત્ર 26 બેઠકોની ઓફર કરી હોવાથી કોંગ્રેસમાં નારાજગી છે. આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે વાટાઘાટો ચાલુ હોવા છતાં અખિલેશ યાદવની પાર્ટીએ મંગળવારે 5 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી. આ યાદીમાં ઈમરાન મસૂદના સહારનપુર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતી બેહટ અને સહારનપુર વિધાનસભા બેઠકો પર પણ SPએ ઉમેદવારો જાહેર કરી દીધા, જેના પર કોંગ્રેસની નજર હતી.
ઈમરાન મસૂદની આકરી પ્રતિક્રિયા
સમાજવાદી પાર્ટીના આ એકતરફી નિર્ણય સામે સાંસદ ઈમરાન મસૂદે જાહેરમાં નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, 'તમારા પોતાના જ સાથી પક્ષો સામે લડીને તમને શું મળે છે? આનાથી ભાજપને ફાયદો થઈ રહ્યો છે.' મસૂદે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ બેઠકો માટે ભીખ નથી માંગી રહી અને ગઠબંધનમાં સમાન ભાગીદારી હોવી જોઈએ. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ પાસે પણ પોતાના મતવિસ્તારોની યાદી તૈયાર છે, પરંતુ ગઠબંધનના હિતમાં પાર્ટીએ હાલ તેને અટકાવી રાખી છે.
વિવાદ શાંત પાડવા અખિલેશ યાદવનો પ્રયાસ
બીજી તરફ, બંને પક્ષો વચ્ચે વધી રહેલી કડવાશને ઓછી કરવા માટે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પહેલ કરી છે. તેમણે કોંગ્રેસને અગાઉ ચર્ચાયેલી 26 બેઠકો ઉપરાંત અન્ય કઈ બેઠકો પર તે ચૂંટણી લડવા માંગે છે તે ઓળખવા જણાવ્યું છે. અખિલેશ યાદવનું માનવું છે કે બેઠકોના આંકડાઓની જડતા રાખવાને બદલે ઉમેદવારોની જીતવાની ક્ષમતા અને પરસ્પર સહમતિના આધારે વાટાઘાટો આગળ વધવી જોઈએ.




