પાકિસ્તાન-અમેરિકાને ઝટકો, તાલિબાની મંત્રી ભારત આવશે, 5 પોઇન્ટમાં જાણો તમામ માહિતી

Taliban Minister Visit To India : અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી 10મી ઑક્ટોબરના રોજ ભારતની મુલાકાતે આવવાના છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)એ તેમના ભારત પ્રવાસને મંજૂરી આપી દીધી છે. મુત્તાકી ભારત આવીને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરશે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર આવ્યા બાદ કોઈ તાલિબાની નેતાની આ પ્રથમ ભારત યાત્રા છે.
પાકિસ્તાન-અમેરિકાને તાલિબાની નેતાની ભારત યાત્રાનો કર્યો હતો વિરોધ
મીડિયા રિપોર્ટ મુજબ, તાલિબાનના વિદેશ મંત્રી મુત્તાકી (Amir Khan Muttaqi) પહેલેથી જ ભારત મુલાકાતે આવી ગયા હતો, પરંતુ પાકિસ્તાન અને અમેરિકાએ તેમની ભારત મુલાકાતનો વિરોધ કર્યો હતો. પાકિસ્તાન યુએનએસીમાં અસ્થાયી સભ્ય દેશ છે, જ્યારે અમેરિકા કાયમી સભ્યપદ ધરાવે છે. જોકે બંને દેશોએ તાલિબાની નેતાની ભારત યાત્રાનો વિરોધ કર્યો હતો, જેના કારણે યુએનએસસી દ્વારા તેની મંજૂરી મળી શકી ન હતી. આવી સ્થિતિમાં એવો સવાલ થઈ રહ્યો છે કે, પાકિસ્તાનને તાલિબાની વિદેશ મંત્રીની ભારત યાત્રાથી વાંધો કેમ થયો છે?
ખુશ થયેલા પાકિસ્તાનના નાપાક ઇરાદા ઉલટા પડ્યા
વાસ્તવમાં વર્ષ 2021માં તાલિબાને અફઘાનિસ્તાનની અશરફ ગની સરકારને ઉથલાવી નાખી હતી, જેનાથી પાકિસ્તાન ખૂબ ખુશ થયું હતું. તે વખતની ગની સરકાર અને ભારત વચ્ચે ગાઢ મિત્રતા હતી. જ્યારે અફઘાનમાં તાલિબાની સરકારે અડ્ડો જમાવ્યો, ત્યારે પાકિસ્તાનને એવું લાગ્યું હતું કે, અફઘાન-ભારતના સંબંધો ખૂબ ખરાબ રીતે બગડી જશે, જોકે પછી તેનાથી ઊલટું થયું. નવી તાલિબાની સરકારના ભારત સાથે નહીં, પરંતુ પાકિસ્તાન સાથે ખરાબ રીતે સંબંધો બગડ્યા...
આ પણ વાંચો : આતંકવાદ રોકો નહીંતર પાકિસ્તાન દુનિયાના નક્શા પર નહીં રહે, આર્મી ચીફ દ્વિવેદીની ચેતવણી
ભારત-તાલિબાનની દોસ્તી વધશે તો પાકિસ્તાનનું વધશે ટેન્શન, જાણો પાંચ પોઇન્ટમાં
1... પાકિસ્તાનને ટેન્શન એ છે કે, જો ભારત-તાલિબાન વચ્ચે સંબંધો મજબૂત થશે તો તેની પ્રાદેશિક સ્થિતિને સીધી અસર થવાની સાથે પડકાર ઊભો થશે. જ્યારે તાલિબાનનું માનવું છે કે, ભારત સાથે ગાઢ મિત્રતા થશે તો તેની પાકિસ્તાન પરની નિર્ભરતા ઘટી જશે.
2... તાલિબાને ઘણી વખત ભારતમાં થયેલા આતંકવાદી હુમલાઓની નિંદા કરી છે, જેમ કે મે 2025માં કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાની. આ હુમલા પછી અફઘાનિસ્તાને નામ લીધા વિના પાકિસ્તાનને નિશાન બનાવ્યું હતું. તાલિબાનના આ વલણે પાકિસ્તાનન ઊંઘ હરામ કરી નાખી હતી.
3... તાલિબાન સરકારે વેપાર માટે ઈરાનના ચાબહાર બંદરગાહનો ઉપયોગ કરવામાં ઊંડો રસ દાખવ્યો છે, જે તેમના માટે વૈકલ્પિક માર્ગ છે. આનાથી પાકિસ્તાન બાજુ પર ધકેલાઈ જશે અને અફઘાનિસ્તાનમાં ઈસ્લામાબાદનું આર્થિક અને વ્યૂહાત્મક મહત્ત્વ ઓછું થઈ જશે.
4... સરહદ પારથી ગોળીબાર અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(TTP)ના આતંકવાદીઓને આશ્રય આપવાના પાકિસ્તાનના તાલિબાન પરના આરોપોને કારણે પાકિસ્તાન અને તાલિબાન નેતૃત્વવાળા અફઘાનિસ્તાન વચ્ચે વિવાદ વધ્યો છે. પાકિસ્તાન દ્વારા અફઘાન શરણાર્થીઓને દેશનિકાલ કરવાથી પણ કાબુલ સાથેના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે.
5... તાલિબાન સંતુલિત વિદેશ નીતિનું પાલન કરી રહ્યું છે અને ભારતને મહત્ત્વ આપી રહ્યું છે, જે પાકિસ્તાનને ગમ્યું નથી. ભારતે અફઘાનિસ્તાનના લોકોને પૂરતા પ્રમાણમાં ખાદ્યાન્ન, દવાઓ અને અન્ય સહાય પૂરી પાડી છે.