નવા લેબર કોડથી ટેક હોમ સેલેરીમાં નહીં થાય ઘટાડો: સરકારે દૂર કરી ગેરસમજ, સમજો ગણિત

New Labour Codes : કેન્દ્ર સરકારના નવા શ્રમ કાયદાને નોટિફાય કરવાની તૈયારીઓ વચ્ચે પગાર અને ટેક હોમ સેલેરીને લઈને કર્મચારીઓમાં જે મૂંઝવણ હતી, તે હવે શ્રમ મંત્રાલયે દૂર કરી છે. મંત્રાલયે બુધવારે કહ્યું છે કે, જે કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ (PF)ની કપાત રૂ.15,000ની મહત્તમ વેતન મર્યાદાના આધારે થાય છે, તેમના હાથમાં આવતા પગારમાં કોઈ ઘટાડો થશે નહીં.
મંત્રાલયે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, નવા શ્રમ કાયદાઓ લાગુ થયા પછી પણ PF કપાત રૂ.15,000ના આધારે જ થશે અને તેનાથી વધુ રકમનું કોઈપણ યોગદાન સંપૂર્ણપણે કર્મચારીની ઈચ્છા પર નિર્ભર રહેશે, તે ફરજિયાત નહીં હોય.
PF કપાત રૂ.15,000 સુધી ફરજિયાત
જો તમારી બેઝિક સેલરી રૂ.15,000થી ઓછી છે અને નવા કાયદા હેઠળ તમારું સંશોધિત વેતન વધે છે, તો પણ PFની કપાત રૂ.15,000 સુધીની બેઝિક સેલરી પર જ ફરજિયાત કપાશે. આનો અર્થ એ છે કે, જો PF કપાત વેજ સીલિંગ પર થતી હોય, તો નવા શ્રમ કાયદાઓ લાગુ થવા છતાં પણ તમારી ટેક હોમ સેલેરી ઓછી થશે નહીં. જોકે, ઘણી કંપનીઓ પોલિસી મુજબ રૂ.15,000ની મહત્તમ વેતન મર્યાદા વગર પૂરા બેઝિક પગાર પર PF કાપતી હોય છે, તેવા કિસ્સાઓમાં જ ટેક હોમ સેલેરી પ્રભાવિત થશે.
કયા કર્મચારીઓનો પગાર ઘટશે?
મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, માત્ર તે કર્મચારીઓની જ ટેક હોમ સેલેરી ઓછી થશે, જેમના PF ડિડક્શન મિનિમમ મહત્તમ વેતન મર્યાદાના આધારે નથી થતા. એટલે કે, જેમનો બેઝિક પગાર ઊંચો છે અને કંપનીઓ પૂરા બેઝિક પર પીએફ કાપે છે, ત્યાં નવા નિયમ મુજબ બેઝિક પેનો 50 ટકા હિસ્સો PF માટે ગણાવવો ફરજિયાત બનતા, પીએફ કપાત વધી જશે અને પરિણામે હાથમાં આવતો પગાર ઘટી જશે.
રૂ.60,000 ના પગાર પર PFનું ગણિત
મંત્રાલયે ઉદાહરણ આપીને સમજાવ્યું કે, જો કોઈ કર્મચારીનો કુલ માસિક પગાર રૂ.60,000 હોય અને પીએફ કપાત રૂ.15,000ની મહત્તમ વેતન મર્યાદા પર થાય, તો કર્મચારી રૂ.18000નું અને કંપની રૂ.18000નું યોગદાન આપશે. આ કિસ્સામાં કુલ પીએફ કપાત રૂ.3600 થશે અને કર્મચારીના હાથમાં રૂ.56,400 આવશે, જેમાં કોઈ ઘટાડો નહીં થાય.
નવા શ્રમ કાયદાઓમાં 50 ટકા બેઝિક પેનો નિયમ લાગુ થવા છતાં, જો કર્મચારીની પીએફ કપાત મહત્તમ વેતન મર્યાદા (રૂ.15,000) પર થતી હશે, તો ચિંતા કરવાની જરૂર નથી.

