ગાંધીનગર, ગોવા અથવા દેહરાદૂનમાં કરો સંસદ સત્ર: દિલ્હીના પ્રદૂષણથી કંટાળેલા નેતાજીની માંગ

MP Demands Shifting Parliament Session : દિલ્હીના પ્રદૂષણથી માત્ર ત્યાંના રહેવાસીઓ જ નહીં, નેતાઓ પણ પરેશાન થઈ ગયા છે. રાજધાનીમાં હવામાન સતત ખરાબ થઈ રહ્યું છે, જેના કારણે દિલ્હીવાસીઓ સ્વચ્છ હવા માટે તરસી રહ્યા છે. દિલ્હી દેશની રાજધાની હોવાથી સંસદ ત્યાં છે અને સંસદની કામગીરી પણ ત્યાં જ થાય છે. જોકે રાજધાનીમાં પ્રદૂષણના કારણે એક સાંસદે સંસદનું શિયાળુ સત્ર અને બજેટ સત્ર દિલ્હીના બદલે અન્ય સ્થળે યોજવાની માંગ કરી છે.
શિયાળુ સત્ર અને બજેટ સત્ર દિલ્હી બહાર યોજવા માંગ
બીજૂ જનતા દળ (BJD)ના રાજ્યસભા સભ્ય માનસ રંજન મંગરાજે (Manas Ranjan Mangaraj) રાજધાનીમાં દર વર્ષે વધી રહેલા પ્રદૂષણને ‘માનવસર્જિત આપત્તિ’ ગણાવી છે. તેમણે જ્યાં સુધી દિલ્હીમાં હવામાન ન સુધરે ત્યાં સુધી શિયાળુ સત્ર અને બજેટ સત્ર દિલ્હીની બહાર કોઈ અન્ય સ્થળે યોજવાની અપીલ કરી છે.
દિલ્હીમાં પ્રદૂષણ અટકાવવું જરૂરી : સાંસદ મંગરાજ
ઓડિશાના રહેવાસી સાંસદ મંગરાજે સંસદમાં શૂન્યકાળ દરમિયાન ‘દિલ્હી પ્રદૂષણ’નો મુદ્દો ઉઠાવી દિલ્હી અને ઓડિશાની તુલના કરી છે. તેમણે કહ્યું કે, ‘કુદરતી આફતો સામે લડવા માટે ઓડિશા કુશળ કામગીરી કરતું રહ્યું છે, તેથી દિલ્હીના વાયુ પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે ઓડિશાની જેમ કામ કરવાની જરૂર છે. ઓડિશા ચક્રવાત-પૂર-કુદરતી આપત્તિઓ સામે સતત લડતું રહ્યું છે, હું જાણું છું કે સંકટ કેવું દેખાય છે. પરંતુ જે વસ્તુ મને પરેશાન કરે છે તે છે... રાજધાની દિલ્હી...’
સત્ર યોજવા દિલ્હીના બદલે છ શહેરોનો વિકલ્પ
સાંસદ મંગરાજે ઝેરી હવાના સંપર્કમાં આવતા સંસદના સભ્યોસ સંસદીય અધિકારીઓ, ડ્રાઇવરો, સફાઈ કર્મચારીઓ અને ગૃહને ચાલુ રાખનારા સુરક્ષા કર્મચારીઓની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ‘આપણાથી આ લોકોની સમસ્યાઓને નજરઅંદાજ ન કરાય, આપણાથી બધું જ સામાન્ય ચાલી રહ્યું હોવાનો દેખાડો ન કરાય. જે મહિનામાં દિલ્હીમાં હવાનું પ્રદૂષણ સૌથી વધુ હોય ત્યારે સંસદ સત્રો યોજવાથી જીવન જોખમમાં આવી જાય છે. જો આપણે આ જોખમ ટાળવું હોય તો દિલ્હીના બદલે સ્વચ્છ હવા અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા ગાંધીનગર, ભુવનેશ્વર, હૈદરાબાદ, બેંગલુરુ અને દેહરાદૂન જેવા શહેરોનો વૈકલ્પિક ઉપયોગ કરવો જોઈએ.’
આ પણ વાંચો : સંકટ વચ્ચે ઈન્ડિગોની મુસાફરો માટે વળતરની જાહેરાત, દિલ્હી હાઈકોર્ટની ફિટકાર બાદ નિર્ણય

