For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈવીએમ મુદ્દે હોબાળો મચાવતા મતપેટી લૂંટનારાઓને સુપ્રીમની લપડાક : મોદી

Updated: Apr 27th, 2024

ઈવીએમ મુદ્દે હોબાળો મચાવતા મતપેટી લૂંટનારાઓને સુપ્રીમની લપડાક : મોદી

કોંગ્રેસે મત બેન્કના કારણે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવાનું ટાળ્યું

વિપક્ષ મત બેન્કનું રાજકારણ કરવા ઓબીસી, એસસી, એસટીની અનામત આંચકીને મુસ્લિમોને આપવા માગે છે

અરરિયા: ઈવીએમ-વીવીપેટના ૧૦૦ ટકા ક્રોસ વેરિફિકેશન મુદ્દે સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું, આજે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે બેલેટ પેપરવાળો સમય પાછો નહીં આવે.  મોદીએ રાજદ અને કોંગ્રેસ સહિત ઈન્ડી ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે, આજે મતપેટીઓ લૂંટનારાઓને સુપ્રીમ કોર્ટે જોરદાર લપડાક મારી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે આખી દુનિયામાં ભારતની સિસ્ટમની પ્રશંસા થઈ રહી છે ત્યારે આ લોકો અંગત સ્વાર્થના કારણે ઈવીએમને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બિહારના અરરિયામાં શુક્રવારે એક જનસભાને સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજનો દિવસ લોકતંત્ર માટે આનંદનો દિવસ છે. પહેલા અહીં રાજદ અને કોંગ્રેસના શાસનમાં બેલેટ પેપરના નામે લોકોના અધિકારો લૂંટવામાં આવતા હતા. તેથી તેઓ ઈવીએમ હટાવવા માગે છે.

ઈન્ડી ગઠબંધનના દરેક નેતાએ ઈવીએમ અંગે જનતાના મનમાં શંકા પેદા કરવાનું પાપ કર્યું છે. હજુ બે કલાક પહેલાં જ આ લોકોને સુપ્રીમ કોર્ટે લપડાક લગાવી છે. એવો જોરદાર તમાચો માર્યો છે કે તેઓ જોઈ નથી શકતા. વિપક્ષે આ મુદ્દે દેશની માફી માગવી જોઈએ. રાજદ, કોંગ્રેસે ક્યારેય બંધારણ અને દેશની ચિંતા કરી નથી. આજે દેશના લોકતંત્ર અને બાબા સાહેબ આંબેડકરે તેમને બંધારણની તાકાત બતાવી છે. આજે સુપ્રીમ કોર્ટે મતપેટીઓ લૂંટવાનો ઈરાદો ધરાવનારાને એવો ફટકો લગાવ્યો છે કે તેમના બધા જ સપના ચકનાચૂર થઈ ગયા છે.

તેમણે વિપક્ષ પર ઓબીસી, એસસી, એસટી માટેની અનામત આંચકીને મુસ્લિમોને આપી દીધી છે. કર્ણાટકમાં કોંગ્રેસે સત્તા પર આવીને તમારો અનામતનો લાભ મુસ્લિમોને આપી દીધા છે. હવે તેમનો પક્ષ દેશમાં સત્તા પર આવીને આ કાતવરું ઘડવાની યોજના બનાવી રહ્યો છે. બિહારમાં કોંગ્રેસનો સાથી પક્ષ રાજદ આ મુદ્દે કશું બોલી રહ્યો નથી.

દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી અને દિગ્વિજય સિંહ પર અયોધ્યામાં રામલલાનું આમંત્રણ નહીં સ્વીકારવા બદલ ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસે માત્ર વોટ-બેન્કના રાજકારણના કારણે જ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં હાજર રહેવાનું ટાળ્યું હતું.

Gujarat