'દરેક બ્રેકઅપને દુષ્કર્મ ન કહેશો...', સુપ્રીમ કોર્ટે કાયદાના દુરૂપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી

Supreme Court: સુપ્રીમ કોર્ટે દુષ્કર્મના એક કેસમાં કાયદાને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, દરેક અસફળ અથવા ખરાબ સંબંધને દુષ્કર્મનું નામ આપવું ગુનાની ગંભીરતાને ઓછી કરી દે છે. દુષ્કર્મનો આરોપ એ સૌથી ગંભીર પ્રકારનો ગુનો છે. જ્યાં હકીકતમાં યૌન હિંસા અથવા જબરદસ્તી કરવામાં આવી હોય ફક્ત એવા જ કેસમાં આવો આરોપ લગાવેલો હોવો જોઈએ.
શું છે આખી ઘટના?
જસ્ટિસ બી.વી નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે સોમવારે (25 નવેમ્બર) એક કેસની સુનાવણી કરતા આ ટિપ્પણી કરી હતી. મહારાષ્ટ્રના એક વકીલ પર દુષ્કર્મ અને ગુનાઈત ધમકીનો આરોપ લગાવતી FIR અને ચાર્જશીટને કોર્ટે નકારી દીદી છે.
આ પણ વાંચોઃ Photos: અયોધ્યાના શ્રીરામ મંદિરની ધ્વજાના પ્રથમ દર્શન, સોનાથી મઢેલો છે ધ્વજદંડ
શું હતો કેસ?
હકીકતમાં, ફરિયાદી મહિલાએ શરૂઆતમાં ભરણપોષણના એક મામલે કાયદાકીય મદદ માટે વકીલનો સંપર્ક કર્યો હતો અને બાદમાં તે કથિત રૂપે લાંબા સમય સુધી વકીલની સાથે સંબંધોમાં રહી હતી. બાદમાં તેણે વકીલ ઉપર દુષ્કર્મ અને ગુનાઈત ધમકીનો આરોપ લગાવ્યો હતો.
કોર્ટની મહત્ત્વની ટિપ્પણી
કોર્ટે આ કેસમાં કહ્યું કે, દુષ્કર્મનો ગુનો સૌથી ગંભીર પ્રકારનો ગુનો છે. આ ફક્ત એવા જ મામલે લગાવવો જોઈએ, જ્યાં હકીકતમાં યૌન હિંસા, બળજબરી અથવા સ્વતંત્ર સંમતિની કમી હોય. દરેક ખરાબ સંબંધને દુષ્કર્મના ગુનામાં બદલવો ન ફક્ત ગુનાઈત ગંભીરતાને ઓછી કરે છે. પરંતુ, આરોપી પર ક્યારેય દૂર ન થાય એવું કલંક અને ગંભીર અન્યાય પણ થોપે છે. ન્યાયતંત્ર કાયદાના આવા દુરૂપયોગ પર ગંભીર ચિંતા વ્યક્ત કરે છે.
આ પણ વાંચોઃ અયોધ્યામાં સદીઓ બાદ રામમંદિર પર લહેરાઈ ધ્વજા, વિશ્વભરના રામભક્તો ભાવુક
બોમ્બે હાઇકોર્ટના આદેશને રદ કર્યો
આ સાથે જ કોર્ટે બોમ્બે હાઇકોર્ટના એ આદેશને પણ રદ કરી દીધો, જેમાં કાર્યવાહીને રદ કરવાનો ઇનકાર કરી દેવાયો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રેકોર્ડ પર હાજર પુરાવા સ્પષ્ટપણે સંમતિથી બનેલા સંબંધ તરફ ઈશારો કરે છે, જે બાદમાં કડવાશમાં બદલાઈ ગયા હતા. મહિલા (ફરિયાદી) પોતે પુખ્ત વયની છે, શિક્ષિત છે, પોતાની ઈચ્છાથી વકીલના સંપર્કમાં રહી હતી, તે અવાર-નવાર વકીલને મળતી રહી અને ત્રણ વર્ષ સુધી તેની સાથે ગાઢ ભાવનાત્મ રૂપે જોડાયેલી હતી.
લગ્નના વચન પર બાંધેલો સંબંધ દુષ્કર્મ કહેવાશે?
આ નિર્ણયમાં કોર્ટે સ્વીકાર્યું કે, ભારતીય સમાજમાં મહિલાઓ અવાર-નવાર લગ્નના વચન પર સંબંધ માટે સંમતિ આપે છે અને જો તે વચન ફક્ત તેનું શોષણ કરવા કે ખરાબ નિયત સાથે આપવામાં આવ્યું હોય, તો આવી સંમતિ અમાન્ય હોય શકે છે. એવા મામલે કાયદાએ સંવેદનશીલ રહેવું જોઈએ. પરંતુ, આવા આરોપોનું સમર્થન વિશ્વસનીય પુરાવા અને નક્કર તથ્યો પર આધારિત હોવું જોઈએ, ન કે નિરાધાર આરોપ અથવા નૈતિક અનુમાન પર.

