અયોધ્યામાં સદીઓ બાદ રામમંદિર પર લહેરાઈ ધ્વજા, વિશ્વભરના રામભક્તો ભાવુક

Ayodhya Flag Hoisting: મંગળવારે(25 નવેમ્બર) ઉત્તરપ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધજા ચડાવવામાં આવી હતી. નવા મંદિરમાં શિખરની કામગીરી પૂર્ણ થતાં આખું મંદિર બનીને તૈયાર થયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના શિખર પર ધજારોહણ કર્યું હતું. ખાસ વાત એ છે કે શિખર પર લગાવવામાં આવેલો ધ્વજ દંડ અને ધજા બંને અમદાવાદમાં બનાવવામાં આવ્યા હતા.
આજે 500 વર્ષના યજ્ઞની પૂર્ણાહુતિ: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'સિયાવર રામચંદ્ર કી જય...'ના ઉદ્ઘોષ સાથે સંબોધનની શરુઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'આજે અયોધ્યા નગરી દેશની સાંસ્કૃતિક ચેતનાના વધુ એક ઉત્કર્ષ બિંદુની સાક્ષી બની છે. આજે સંપૂર્ણ ભારત અને અને સંપૂર્ણ વિશ્વ રામમય છે. દરેક રામભક્તના હૃદયમાં આજે અદ્વિતીય સંતોષ અને અપાર અલૌકિક આનંદ છે. સદીઓના ઘા હવે રુઝાઈ રહ્યા છે. સદીઓની વેદનાને આજે વિરામ મળી રહ્યો છે. સદીઓના સંકલ્પ આજે સિદ્ધ થઈ રહ્યા છે. આજે તે યજ્ઞની પૂર્ણાહુતિ છે જેની અગ્નિ 500 વર્ષ સુધી પ્રજ્વલિત રહી.'
ધર્મ ધજા અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આજે ગર્ભગૃહની અનંત ઊર્જા આ ધર્મ ધજાના રૂપે પ્રતિષ્ઠાપિત થઈ છે. આ ધર્મધજા સામાન્ય ધજા નથી, પરંતુ ભારતીય સભ્યતાના પુનઃજાગરણની ધજા છે. આ ધજા સંઘર્ષથી સર્જનની ગાથા છે. આ ધજા સદીઓ જૂના સપનાઓનું સાકાર સ્વરૂપ છે. આગામી સહસ્ત્ર સદીઓ સુધી પ્રભુ રામના આદર્શોનું ઉદ્ઘોષ કરશે. હું આજે તે તમામ ભક્તો, દાનવીર, શ્રમવીર, યોજનાકાર અને વાસ્તુકારને પ્રણામ અને અભિનંદન કરું છું. અયોધ્યા તે ભૂમિ છે જ્યાં આદર્શ આચરણમાં બદલાય છે. અયોધ્યાએ સંસારને બતાવ્યું કે એક વ્યક્તિ કેવી રીતે સમાજની શક્તિ અને સંસ્કારથી પુરુષોત્તમ બને છે. શ્રીરામ અયોધ્યાથી વનવાસ માટે ગયા ત્યારે તેઓ યુવરાજ હતા પરંતુ પરત આવ્યા ત્યારે મર્યાદા પુરુષોત્તમ બનીને આવ્યા.'
વિકસિત ભારતના નિર્માણ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'છેલ્લા 11 વર્ષમાં મહિલા, દલિત, આદિવાસી, યુવા, ખેડૂતો, શ્રમિક સહિત દરેક વર્ગને વિકાસના કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. દરેક ક્ષેત્ર સશક્ત થશે ત્યારે સંકલ્પની સિદ્ધિમાં સૌ કોઈના પ્રયાસ લાગશે. આપણે 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવું પડશે. આપણે આગામી 1 હજાર વર્ષો માટે ભારતનો પાયો મજબૂત કરવો છે. જે માત્ર વર્તમાનનું વિચારે તે આગામી પેઢી સાથે અન્યાય કરે છે. આપણે નહોતા ત્યારે પણ દેશ હતો અને જ્યારે આપણે નહીં હોઈએ ત્યારે પણ દેશ રહેશે.'
અયોધ્યાની વાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, 'આજે, અયોધ્યા શહેર ભારતના સાંસ્કૃતિક જાગૃતિના બીજા એક ક્ષણનું સાક્ષી બની રહ્યું છે. આજે આખું ભારત, આખું વિશ્વ રામમય બની ગયું છે. આજે રામ ભક્તોના હૃદયમાં અનંત આનંદ છે. સદીઓ જૂના ઘા રુઝાવાની સાથે, સદીઓ જૂના સંકલ્પો પણ પૂર્ણ થઈ રહ્યા છે. આજે એક યજ્ઞનું અંતિમ અર્પણ છે જેની આગ પાંચસો વર્ષથી સળગી રહી છે. આજે, ભગવાન શ્રી રામના ગર્ભગૃહની અનંત ઊર્જા સ્થાપિત થઈ છે. આ ધર્મધ્વજ ઇતિહાસના સુંદર જાગૃતિનો રંગ છે. તેનો ભગવો રંગ, સૂર્યવંશનો વારસો, રામરાજ્યનો મહિમા ધરાવે છે. આ ધ્વજ એક સંકલ્પ છે, તે સિદ્ધિ માટે સંકલ્પની ભાષા છે, તે સદીઓ જૂના સંઘર્ષની સિદ્ધિ છે. આ ધર્મધ્વજ ઘોષણા કરશે ભગવાન શ્રી રામના આદર્શો, તે સત્યમેવ જયતેની ઘોષણા કરશે.'
આપણે એક એવું ભારત સ્થાપિત કરવું જોઈએ જે શાંતિ અને સમૃદ્ધિ આપે: મોહન ભાગવત
શ્રી રામ મંદિરના શિખર પર ધજારોહણ બાદ આરઅરએસના વડા મોહન ભાગવતે કહ્યું કે, 'ઘણાં રામ ભક્તોએ આ દિવસ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. મંદિર બનાવવામાં પણ સમય લાગે છે. આ ધર્મ ધ્વજ છે. તે કેસરી રંગનો છે. આ ધર્મ ધ્વજ પર કોવિદાર વૃક્ષ છે, જે રઘુકુળનું પ્રતીક છે. કોવિદાર વૃક્ષ બે પવિત્ર વૃક્ષોના ગુણોનું મિશ્રણ છે. આપણે ધર્મ ધ્વજને શિખર સુધી પહોંચાવડો જોઈએ. આજે આપણા સંકલ્પને પુનરાવર્તિત કરવાનો દિવસ છે. આપણે એક એવું ભારત સ્થાપિત કરવું જોઈએ જે શાંતિ અને સમૃદ્ધિ આપે.'
અયોધ્યામાં આજે દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે: યોગી આદિત્યનાથ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિરમાં ધાર્મિક ધ્વજ ફરકાવવાને નવા યુગની શરુઆત ગણાવી અને કહ્યું કે, 'આ ભવ્ય મંદિર 140 કરોડ ભારતીયોની શ્રદ્ધાનું પ્રતીક છે. રામ મંદિરમાં ફરકતો ભગવો ધ્વજ ધર્મ અને ભારતના દૃષ્ટિકોણનું પણ પ્રતીક છે. ભગવાન રામનું પવિત્ર શહેર એક નવા યુગમાં પ્રવેશ્યું છે. અયોધ્યા ધામમાં આજે દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે.'
વડાપ્રધાન મોદીએ રામ મંદિરના શિખર પર ધજારોહણ કર્યું
અયોધ્યામાં રામ મંદિરની ટોચ પર ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો. આ દરમિયાન ભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
રામ મંદિર પર ધજારોહણને લઈને અયોધ્યામાં દિવાળી જેવો માહોલ
શ્રીરામ મંદિરમાં અષ્ટોત્તર પૂજન કર્યું
રામ મંદિર પર ધજારોહણ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીરામ મંદિરમાં અષ્ટોત્તર પૂજન કર્યું હતું. તેમની સાથે RSS વડા મોહન ભાગવત પણ હાજર છે.
વડાપ્રધાન મોદી અને મોહન ભાગવત પહોંચ્યા હતા રામ મંદિર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર પહોંચ્યા હતા. તેમની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત પણ રામ મંદિર ઉપસ્થિત હતા.
વડાપ્રધાન મોદીએ શેષાવતાર મંદિરમાં પૂજા અર્ચના કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ઐતિહાસિક ધજારોહણ સમારોહ પહેલા શેશાવતાર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીએ સપ્તમંદિરની મુલાકાત લીધી, જેમાં મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, મહર્ષિ વાલ્મીકિ, દેવી અહલ્યા, નિષાદરાજ ગુહા અને માતા શબરીને સમર્પિત મંદિરો આવેલા છે.
વડાપ્રધાન મોદીએ સપ્તમંદિરમાં પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ જન્મભૂમિ પરિસરમાં સપ્તમંદિરમાં પૂજા કરી. તેઓ શ્રી રામ મંદિરના શિખર પર ધજારોહણ કરશે.
અયોધ્યા રામ મંદિરમાં ધજારોહણના મૂહુર્ત અને પૂજાની ટાઇમલાઇન
ધર્મ ધજા રોહણ શુભ દિવસ: માગશર સુદ પાંચમ, મંગળવાર
• 11.31થી 12.13 વાગ્યા સુધી અભિજિત મુહૂર્ત
• 11.31થી 11.41 વાગ્યે ગર્ભગૃહમાં યજમાન પ્રવેશ અને ઉપાસના
• 11.47થી 11.58 વાગ્યે અષ્ટોત્તરપૂજન અને ધ્વજસ્તંભ સ્થિરીકરણ અને ધજારોહણ
• 11.58થી 12.07 વાગ્યે પ્રાથમિક પૂજા, આમલસાર તથા યંત્ર સ્થાપના
• 12.8થી 12.16 વાગ્યે મંત્રોચ્ચાર સહિત શિખરે ધર્મ ધજારોહણ.
ધ્વજની સ્થાપના માટે અનોખી યાંત્રિક વ્યવસ્થા
રામમંદિરના શિખર પર ધ્વજને ફરકાવવા માટે વપરાતું દોરડું અત્યંત મજબૂત અને ભારે છે, તેથી તેને માનવબળ વડે ખેંચવું કઠિન અને જોખમભર્યું છે. આ પડકારના નિરાકરણ માટે વિશેષ રીતે ડિઝાઇન કરાયેલી યાંત્રિક સિસ્ટમ ગોઠવાઈ છે. આ સિસ્ટમમાં દોરડાને બે બાજુ સંતુલિત રાખવા અને સરળતાથી ખેંચવા અને ઢીલ આપવા વિશિષ્ટ મશીનો લગાવાયા છે.
ધજા ચડાવવાનો સંપૂર્ણ કાર્યક્રમ
આજે બપોરે 12 વાગ્યે વડાપ્રધાન મોદી શ્રી રામ મંદિરમાં ભગવા રંગની ધજા ચડાવશે. સાથે સાથે મંદિરમાં ભગવાન શ્રી રામની પૂજા-અર્ચના પણ કરશે. કાર્યક્રમ સવારે 10 વાગ્યે શરુ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા એરપોર્ટથી હેલિકોપ્ટરથી સાકેત વિશ્વવિદ્યાલય પહોંચશે. ત્યાં રોડ શો કરી મંદિર સુધી પહોંચશે. મંદિરમાં આજે સામાન્ય શ્રદ્ધાળુઓને એન્ટ્રી આપવામાં આવશે નહીં. જે તે મહેમાનને QR કોડની મદદથી જ એન્ટ્રી મળશે.
ધર્મ ધ્વજની ખાસિયતો
રામ મંદિરના શિખર પર શોભવા જઈ રહેલા ધ્વજનું નામ ‘ધર્મ ધ્વજ’ છે. તેના ઉપર સૂર્યની આકૃતિ હોવાથી તે 'સૂર્ય ધ્વજ' તરીકે પણ ઓળખાઈ રહ્યો છે. આ ધ્વજ હવામાનના પ્રતિકૂળ પરિબળો જેવા કે તીવ્ર તાપ, ભારે વરસાદ અને 60 કિ.મી. પ્રતિ કલાક જેટલી તીવ્ર ગતિના પવનો સામે ટકી રહે એટલો મજબૂત છે.
- ધર્મ ધ્વજની લંબાઈ: 22 ફૂટ
- પહોળાઈ: 11 ફૂટ
- વજન: 2.5 કિલો
- રંગ: કેસરી
- ધ્વજ પર અંકિત પ્રતીકો: ચક્ર, સૂર્ય, ૐ, કોવિદાર વૃક્ષ
- મટીરિયલ: નાયલોન અને રેશમના મિશ્રણથી બનેલું પોલિમર ફેબ્રિક
- આયુષ્ય: ત્રણ વર્ષ (દર ત્રણ વર્ષે નવા ધ્વજનું આરોહણ કરાશે)
રામમંદિરનો ધ્વજદંડ અમદાવાદમાં બનાવાયો છે
આ ધ્વજ જે થાંભલા પર લહેરાશે તે સ્ટીલનો બનેલો છે. તેનું વજન સાડા પાંચ ટન (5500 કિલોગ્રામ) જેટલું છે. 44 ફૂટ ઊંચો આ થાંભલો અમદાવાદના કારીગરોએ તૈયાર કર્યો છે. થાંભલાની ઊંચાઈને ધ્યાનમાં લેતા ધ્વજ જમીનથી લગભગ 205 ફૂટની ઊંચાઈએ ફરકશે.
અયોધ્યા રામ મંદિર માટે આ ચીજવસ્તુ પણ અમદાવાદની
- મુખ્ય મંદિર તથા આસપાસના 6 મંદિરના ધ્વજ દંડ
- મંદિર ઉપર લાગતાં કડા
- મંદિરના દરવાજાના હાર્ડવેર
- મંદિર માટેની દાનપેટી
- ભગવાનના આભૂષણ મૂકવા માટે બ્રાસનું કબાટ

