Photos: અયોધ્યાના શ્રીરામ મંદિરની ધ્વજાના પ્રથમ દર્શન, સોનાથી મઢેલો છે ધ્વજદંડ

Ayodhya Ram Mandir: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર સ્થાપિત થનારા ધર્મ ધ્વજાની પ્રથમ તસવીર સામે આવી છે. કેસરિયા રંગના આ પવિત્ર ધ્વજની સ્થાપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવશે. ખાસ વાત એ છે કે શિખર પર લગાવવામાં આવેલો ધ્વજ દંડ અને ધ્વજા બંને અમદાવાદમાં બનાવવામાં આવ્યા છે.

ધર્મ ધ્વજની ખાસિયતો
રામ મંદિરના શિખર પર શોભવા જઈ રહેલા ધ્વજનું નામ ‘ધર્મ ધ્વજ’ છે. તેના ઉપર સૂર્યની આકૃતિ હોવાથી તે 'સૂર્ય ધ્વજ' તરીકે પણ ઓળખાઈ રહ્યો છે. આ ધ્વજ હવામાનના પ્રતિકૂળ પરિબળો જેવા કે તીવ્ર તાપ, ભારે વરસાદ અને 60 કિ.મી. પ્રતિ કલાક જેટલી તીવ્ર ગતિના પવનો સામે ટકી રહે એટલો મજબૂત છે.
- ધર્મ ધ્વજની લંબાઈ- 22 ફૂટ
- પહોળાઈ- 11 ફૂટ
- વજન- 2.5 કિલો
- રંગ- કેસરી
- ધ્વજ પર અંકિત પ્રતીકો- ચક્ર, સૂર્ય, ૐ, કોવિદાર વૃક્ષ
- મટીરિયલ- નાયલોન અને રેશમના મિશ્રણથી બનેલું પોલિમર ફેબ્રિક
- આયુષ્ય- ત્રણ વર્ષ (દર ત્રણ વર્ષે નવા ધ્વજનું આરોહણ કરાશે)

21 કિલોગ્રામ સોનાથી મઢેલો છે ધ્વજદંડ
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના 161 ફૂટ ઊંચા ધ્વજદંડને હવે સોનાથી મઢવામાં આવ્યો છે. આ કામ માટે આશરે 21 કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી મંદિરના શિખરને એક નવો દેખાવ મળ્યો હતો. આ મહત્ત્વપૂર્ણ અને જટિલ કાર્ય પૂર્ણ કરવા માટે મુંબઈના કારીગરોને ખાસ બોલાવવામાં આવ્યા હતા.

નાગર શૈલીના શિખર પર સ્થાપના
આ ધર્મ ધ્વજ પરંપરાગત ઉત્તર ભારતીય નાગર શૈલીમાં નિર્મિત મંદિરના 'શિખર' પર લહેરાવવામાં આવશે. આ પવિત્ર ભગવો ધ્વજ રામ રાજ્યના આદર્શોને પ્રતિબિંબિત કરતાં ગરિમા, એકતા અને સાંસ્કૃતિક નિરંતરતાનો સંદેશ આપશે.
અયોધ્યા રામ મંદિરમાં ધ્વજારોહણના મૂહુર્ત અને પૂજાની ટાઇમલાઇન
- ધર્મ ધ્વજા રોહણ શુભ દિવસ: માગશર સુદ પાંચમ, મંગળવાર
- 11.36થી 11.47 વાગ્યે ગર્ભગૃહમાં યજમાન પ્રવેશ અને ઉપાસના
- 11.47થી 11.58 વાગ્યે અષ્ટોત્તરપૂજન અને ધ્વજસ્તંભ સ્થિરીકરણ
- 11.58થી 12.07 વાગ્યે પ્રાથમિક પૂજા, આમલસાર તથા યંત્ર સ્થાપના
- 12.8થી 12.16 વાગ્યે મંત્રોચ્ચાર સહિત શિખરે ધર્મ ધ્વજારોહણ
- 12.16થી 12.20 વાગ્યે ઉત્તિષ્ઠત જાગ્રત નાદતઃ ધ્વજા ફરકાવાશે
- 12.21થી 12.31 વાગ્યે અભિષેક, યજ્ઞ વિધાન, પુષ્પવર્ષા, ગન્ધવિલેપનમ્
- 12.32થી 1 વાગ્યા સુધી વિગ્રહ સ્થાને મહા આરતી તથા મંગલ ઘોષ
- ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ થશે.

ધ્વજા ચડાવવાનો સંપૂર્ણ કાર્યક્રમ
આજે બપોરે 12 વાગ્યે વડાપ્રધાન મોદી શ્રી રામ મંદિરમાં ભગવા રંગની ધ્વજા ચડાવશે. સાથે સાથે મંદિરમાં ભગવાન શ્રી રામની પૂજા-અર્ચના પણ કરશે. કાર્યક્રમ સવારે 10 વાગ્યે શરુ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા ઍરપોર્ટથી હેલિકોપ્ટરથી સાકેત વિશ્વવિદ્યાલય પહોંચશે. ત્યાં રોડ શો કરી મંદિર સુધી પહોંચશે. મંદિરમાં આજે સામાન્ય શ્રદ્ધાળુઓને એન્ટ્રી આપવામાં આવશે નહીં. જે તે મહેમાનને QR કોડની મદદથી જ એન્ટ્રી મળશે.

