મહિલા વકીલોની અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદોઃ બાર.ઍસોસિએશનમાં 30 ટકા અનામત હવે ફરજિયાત

Female Lawyer Reservation: સુપ્રીમકોર્ટે એક મહત્ત્વના આદેશ મારફતે ગુજરાત રાજયમાં ગુજરાત હાઇકોર્ટ ઍડ્વૉકેટ્સ ઍસોસિએશન સહિત રાજયના તમામ બાર ઍસોસિએશનમાં કારોબારી સમિતિ(એકઝીકયુટિવ કમિટી)માં મહિલા વકીલો માટે 30 ટકા અનામત રાખવા હુકમ કર્યો છે. સાથે સાથે તમામ બાર ઍસોસિએશનમાં ખજાનચીનું મહત્ત્વનું પદ પણ મહિલા વકીલ માટે જ અનામત રાખવા પણ હુકમ કર્યો છે. સુપ્રીમકોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટિશ્વરસિંહની ખંડપીઠે ગુજરાતના વિવિધ બાર ઍસોસિએશન અને ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીઓમાં મહિલા વકીલો માટે 33 ટકા અનામત રાખવા માંગણી કરતી પિટિશનમાં આ આદેશ કર્યો હતો.
મહિલાઓને મળશે પૂરતું પ્રતિનિધિત્વ
નોંધનીય છે કે, ગુજરાત બાર કાઉન્સિલ અને બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયામાં મહિલા વકીલો માટે 33 ટકા અનામત મામલે પાછળથી વિચારણા કરવાનું જણાવી સુપ્રીમકોર્ટે આ પિટિશનનો નિકાલ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટની મહિલા વકીલ મીના જગતાપ દ્વારા સુપ્રીમકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનમાં ગુજરાત રાજ્યના વિવિધ બાર ઍસોસિએશન અને ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં મહિલાઓ માટે યોગ્ય કે પૂરતી અનામત રાખવામાં આવતી નથી. ખરેખર બંધારણમાં મહિલાને પણ સમાન અધિકાર આપવામાં આયા છે, તેમ છતાં મહિલાઓ પરત્વે ઉપેક્ષાભર્યું વલણ દાખવવામાં આવે છે. સુપ્રીમકોર્ટ સંબંધિત ચુકાદા મુજબ, 33 ટકા અનામતની જોગવાઈનો લાભ અપાતો નથી.
આ પણ વાંચોઃ આંદામાનમાં ચોમાસાનું આગમન: કેરળમાં 27મીનો વરતારો, ચોમાસુ 5 દિવસ વહેલું બેઠું
બંધારણનું ઉલ્લંઘન
વળી, વિવિધ બાર ઍસોસિએશન અને બાર કાઉન્સિલમાં મહિલાઓ માટે અનામત નહીં રાખવાથી ભારતના બંધારણની કલમ-14, 15 અને 16નો પણ ભંગ થાય છે.
ખાસ કરીને મહિલાઓ પ્રત્યેના તમામ પ્રકારના ભેદભાવ દૂર કરવાના પ્રયાસો થાય તે જરૂરી છે. બીજીબાજુ, ગુજરાત રાજયમાં મહિલા વકીલોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને તેઓ ઍડ્વૉકેટ તરીકે નોંધણી કરાવી આગળ આવી રહી છે, ત્યારે વિવિધ બાર ઍસોસિએશન અને ગુજરાત બાર કાઉન્સિલમાં જુદા-જુદા હોદાઓ પર મહિલાઓનું પ્રતિનિધિત્વ નહીંવત્ છે.
વાજબી અનામત અનિવાર્ય
સુપ્રીમ કોર્ટે સુપ્રીમકોર્ટ બાર ઍસોસિએશન, દિલ્હી, કર્ણાટક, બેંગ્લુરુ સહિતના બાર ઍસોસિએશનના કેસમાં મહિલા વકીલો માટે અનામત રાખવા અંગેના હુકમો જારી કરેલા છે. તેથી ગુજરાત રાજયના કિસ્સામાં પણ મહિલા વકીલો માટે પૂરતી, યોગ્ય અને વાજબી અનામત રાખવામાં આવે તે અનિવાર્ય છે. તમામ રજૂઆત સાંભળ્યા બાદ સુપ્રીમકોર્ટે અનામત ફરજિયાત રાખવાનો હુકમ કર્યો હતો.

