'માત્ર આધાર કાર્ડ જ નાગરિકતાનો પૂરાવો નથી', SIR પર સુનાવણી દરમિયાન SCની ટિપ્પણી
Bihar SIR: સુપ્રીમ કોર્ટે સોમવારે સ્પષ્ટ કરી દીધું કે માત્ર આધાર કાર્ડને નાગરિકતાનો પૂરાવો માનવો શક્ય નથી. કોર્ટે આ ટિપ્પણી બિહારમાં મતદાર યાદીના વિશેષ ગહન પરીક્ષણ (SIR) દરમિયાન સામે આવેલા વિવાદ પર સુનાવણી કરતા આપી.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે કહ્યું કે, આધાર કાર્ડ માત્ર ઓળખ પત્ર છે, નાગરિકતાનો પૂરાવો નથી. ચૂંટણી પંચ પાસે મતદાર યાદીમાં નામ જોડવા માટે આધારની સાથો સાથ અન્ય પૂરાવાઓ પણ માગી શકાય છે. કોર્ટે કહ્યું કે, આધારનો દરજ્જો કાયદો અને પૂર્વ નિર્ણયથી આગળ ન વધારી શકાય. આધાર અધિનિયમ હેઠળ 'આધાર નંબર નાગરિકતા કે રહેઠાણનો પૂરાવો નથી.' વર્ષ 2018 પુટ્ટાસ્વામી કેસના નિર્ણય અનુસાર, 'આધાર નંબરથી ન તો નાગરિકતા સાબિત થાય છે, ન તો રહેઠાણનો અધિકાર મળે છે.'
રાજકીય પક્ષોની દલીલ અને સુપ્રીમ કોર્ટનો સવાલ
કેસની સુનાવણીમાં આરજેડીના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, ચૂંટણી પંચ 65 લાખ નામ હટાવ્યા બાદ પણ આધારને માત્ર ઓળખ પત્ર માનીને નવા નામ નથી જોડી રહ્યુ. જેના પર કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આપણે આધાર કાર્ડનો દરજ્જો વધારીને નાગરિકતા પ્રમાણ પત્ર ન બનાવી શકીએ. અન્ય પક્ષોએ પણ માગ ઉઠાવી કે આધાર કાર્ડને સીધો નાગરિકતાનો પૂરાવો માનવામાં આવે, પરંતુ બેન્ચે સવાલ કર્યો કે, 'આધાર પર આટલો ભાર કેમ? અમે એવો કોઈ આદેશ નહીં આપીએ કે આધાર નાગરિકતાનું અંતિમ પ્રમાણ છે.'
ચૂંટણી પંચ અને કેન્દ્રની દલીલ
ચૂંટણી પંચ વતી વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ કહ્યું, 'બિહારના કેટલાક જિલ્લાઓમાં આધાર કવરેજ 140% છે. આનો અર્થ એ થયો કે મોટા પાયે નકલી ઓળખ કાર્ડ બનાવવામાં આવ્યા છે.' કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું કે કેટલાક રાજ્યોમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યા લોકોએ ગેરકાયદેસર રીતે આધાર કાર્ડ બનાવ્યા છે.
સુપ્રીમ કોર્ટની રાજકીય પક્ષોને સલાહ
સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને કહ્યું, 'તમારા બૂથ લેવલ એજન્ટો અને કાર્યકરોને સક્રિય કરો.' જેમના નામ ગેરકાયદેસર રીતે દૂર કરવામાં આવ્યા છે તેમને બૂથ લેવલ અધિકારીઓ સમક્ષ દાવા દાખલ કરવામાં મદદ કરવી જોઈએ.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીના માતાને અપશબ્દો કહેવા બદલ 4 સપ્ટેમ્બરે NDAનું બિહાર બંધનું એલાન