વડાપ્રધાન મોદીના માતાને અપશબ્દો કહેવા બદલ 4 સપ્ટેમ્બરે NDAનું બિહાર બંધનું એલાન
Bihar Bandh: PM નરેન્દ્ર મોદીના માતા વિરુદ્ધ ગતમહિને વિપક્ષની રેલીમાં કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી બદલ એનડીએ દ્વારા ચાર સપ્ટેમ્બરે બિહાર બંધનું એલાન કરવામાં આવ્યું છે. ચાર સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી બિહાર બંધ રાખવાની જાહેરાત કરી છે.
એનડીએ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદન વિરુદ્ધ પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. NDAએ આ મામલે વડાપ્રધાન મોદીએ આજે મંગળવારે બિહાર રાજ્ય જીવિકા નીધિ સાખ સહકારી સંઘ લિમિટેડનું વર્ચ્યુઅલી ઉદ્ધાટન કરતાં સ્વર્ગવાસી માતા વિરુદ્ધ અપશબ્દો બોલવા બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું.
આ પણ વાંચોઃ ગુજરાત નજીક અરબ સાગરમાં વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, યુદ્ધાભ્યાસ માટે NOTAM જાહેર
દેશની તમામ માતા-બહેનનું અપમાન
ગત મહિને વિપક્ષના ગઠબંધન આરજેડી-કોંગ્રેસની રેલીમાં વડાપ્રધાન મોદીના માતા વિરુદ્ધ અપશબ્દો બોલવા પર આજે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, બિહારમાં આરજેડી-કોંગ્રેસ મંચ પરથી મારા માતા વિરુદ્ધ જે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરાયો છે. તે માત્ર મારી માતા માટે જ નહીં, પણ ભારતની તમામ માતા અને બહેનો માટે અપમાનજનક છે. હું જાણુ છું કે, આ સાંભળ્યા બાદ તમે સૌ દુઃખી થયા છો. હું માફ કરી દઈશ પણ આ ભારતની ધરતી માફ નહીં કરે.
આરજેડી-કોંગ્રેસે માફી માગવી જોઈએ
બિહારમાં વીડિયો કોન્ફરન્સ મારફત 20 લાખ મહિલાઓને સંબોધતાં પીએમ મોદીએ કહ્યું કે, મારા સ્વર્ગવાસી માતા હીરાબહેન મોદીએ મને અને મારા ભાઈ-બહેનોને ગરીબીમાંથી બહાર લાવવા અથાગ મહેનત કરી. તેઓ બીમારીમાં પણ કામ કરતાં રહ્યા. તેઓ અમારા માટે કપડાં ખરીદવા પાઈ પાઈ જોડતા હતા. આપણા દેશની કરોડો માતાઓ પોતાના બાળકો માટે આ મહેનત કરે છે. તે દેવી-દેવતાનું સ્વરૂપ છે. જ્યારે વિપક્ષના ગઠબંધન RJD-કોંગ્રેસના મોટા નેતાઓ માતાને ગાળો આપે છે. મારા સ્વર્ગવાસી માતાને ગાળો આપી. આ માનસિકતા મહિલાઓનું શોષણ અને અત્યાચાર દર્શાવે છે. આ મહિલા વિરોધી માનસિકતાને સત્તા મળી તો માતા, બહેનોને તકલીફ વેઠવી પડશે. મોદી તો માફ કરી દેશે પણ ભારતની ધરતી એ માતાનું અપમાન ક્યારેય સાંખી લેશે નહીં. RJD અને કોંગ્રેસે છઠી મૈયા પાસે માફી માંગવી જોઈએ.