હેટ સ્પીચ પર લગામ લગાવો પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાને કંઈ ન થવું જોઈએ: સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
Supreme Court on hate speech: સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી હેટ સ્પીચ (નફરતભર્યા ભાષણ) ને લઈને ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, 'હાલમાં 'અભિવ્યક્તિની સ્વતંત્રતા ' ના નામે દરેક વસ્તુને ન્યાયી ઠેરવવાની કોશિશ થઈ રહી છે. આ ખૂબ જ ખતરનાક છે, તેના પર કડક રીતે નિયંત્રણ લાવવું જરુરી છે.'
'નફરત ભર્યા ભાષણો સામે સખત કાર્યવાહી કરવી જરૂરી છે'
જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ ફ્રાંસિસ વિશ્વનાથનની બેન્ચે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પાનોલી વિરુદ્ધ વજાહત ખાન નામના વ્યક્તિ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી. બેન્ચે કહ્યું કે, 'નફરતભર્યા ભાષણો સામે કાર્યવાહી કરવી જરૂરી છે, પરંતુ એ પણ સુનિશ્ચિત કરવાની જરુરી છે કે, કોઈની પાસેથી વાણી સ્વતંત્રતાને છીનવી ન લેવાય. એટલે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાને કંઈ ન થવું જોઈએ. તેમજ લોકોએ અભિવ્યક્તિના અધિકારનું મહત્ત્વ પણ સમજવું જોઈએ. આ અધિકાર અમૂલ્ય છે.'
આ પણ વાંચો : કેરળમાં નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ... જાણો બીમારીના લક્ષણ
'લોકોએ અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂલ્યને સમજવાની જરુર'
બેન્ચે વધુમાં કહ્યું કે, 'લોકોએ અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂલ્યને સમજવાની જરુર છે. રાજ્યને દરેક વખતે વચ્ચે પડીને કાર્યવાહી કરવી પડે છે, આ પરિસ્થિતિ ન સર્જાવી જોઈએ. હેટ સ્પીચ જેવા કન્ટેન્ટ પર કેટલાક નિયંત્રણ જરુરી છે. સામાન્ય નાગરિકોને પણ આવા કન્ટેન્ટ શેર કરવા, પ્રમોટ અથવા લાઈક કરવાથી દૂર રહેવું જોઈએ.'
વજાહત ખાનને કોર્ટમાંથી મળી રાહત
વજાહત ખાનના વકીલે કોર્ટને જૂના ટ્વીટ્સ અંગે માફી માંગી હતી. વકીલે કહ્યું કે, 'મારી ફરિયાદ જ મારા માટે મુશ્કેલ બની રહી છે. તેના માટે મેં માફી માંગી લીધી છે. પરંતુ હું બસ એટલું જ કહેવા માંગીશ કે, કોર્ટ એ ખાસ જોવે કે FIR ખરેખર તે ટ્વીટ્સ સાથે જોડાયેલી છે કે નહીં.' કોર્ટે કહ્યું કે, 'દરેક વખતે નવી FIR અને જેલમાં નાખવાનો શું અર્થ છે? તેનાથી કોઈ સમાધાન નહીં મળે.'
કોર્ટની મોટી ટિપ્પણી
જસ્ટિસ નાગારત્નાએ કહ્યું કે, 'હવે જૂની પોસ્ટ ડિલીટ કરવાનો કોઈ મતલબ નથી, એકવાર જે ઈન્ટરનેટ પર જે પણ કાઈ નાખવામાં આવે છે, તે હંમેશા માટે રહે છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા એક અમુલ્ય અને મૌલિક અધિકાર છે, પરંતુ તેનો દુરુપયોગ કરવાથી કોર્ટોમાં ભીડ વધે છે.'
છેલ્લી સુનાવણીમાં શું થયું?
24 જૂનના રોજ થયેલી છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ. જી. વિશ્વનાથન અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે કેન્દ્ર સરકાર અને આસામ, દિલ્હી, હરિયાણા અને પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારોને નોટિસ ફટકારી હતી. આ નોટિસ વજાહત ખાનની અરજી પર આપવામાં આવી હતી, જેમાં તેમણે તેની સામે નોંધાયેલી તમામ FIRને એકસાથે જોડવાની માંગ કરી હતી.
આ પણ વાંચો : મુંબઈ એરપોર્ટ પર અકાસા એરલાઈન્સની ફ્લાઈટ સાથે કાર્ગો ટ્રક અથડાઈ, મોટી દુર્ઘટના ટળી
વજાહત ખાન પર શું હતો આરોપ
વજાહત ખાન પર આરોપ છે કે, તેણે સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી જે કથિત રીતે ધાર્મિક દ્વેષ અને સાંપ્રદાયિક તણાવમાં પ્રોત્સાહન કરે છે. તેની વિરુદ્ધ અનેક રાજ્યોમાં FIR નોંધાયેલી છે. 9 જૂને વજાહત ખાનની ધરપકડ કરવામાં આવી હતી. એક FIRમાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે અને બીજી FIR માં ન્યાયિક કસ્ટડીમાં છે.