RSSના 100 વર્ષ... દિલ્હીમાં યોજાસે ત્રણ દિવસનો કાર્યક્રમ, મોહન ભાગવત પણ થશે સામેલ
RSS 100 Years : રાષ્ટ્ર સ્વયંસેવક સંઘના 100 વર્ષ પુરા થવાની ઉજવણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. શતાબ્દી મહોત્સવને ધ્યાને રાખીને ‘100 વર્ષની સંઘ યાત્રા - નવી ક્ષિતિજ’ કાર્યક્રમનું પણ આયોજનની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકર કહ્યું છે કે, દિલ્હીમાં 26થી 28 ઓગસ્ટ ત્રણ દિવસનો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવત પણ સામેલ થશે.
100થી વધુ સેમિનાર યોજાશે
શેડ્યૂલ મુજબ દિલ્હીમાં સાંજે 5.30 કલાકે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. આરએસએસના 100 વર્ષ પૂરા થવા નિમિત્તે સંઘ દ્વારા દેશના વિવિધ જિલ્લાઓમાં 100થી વધુ સેમિનારનું આયોજન પણ કરવામાં આવશે. દિલ્હી ઉપરાંત દેશના મુખ્ય ચાર શહેરોમાં પણ કાર્યક્રમ યોજવામાં આવશે. દિલ્હી બાદ બેંગલુરુમાં નવેમ્બરમાં, ત્યારબાદ કોલકતા અને પછી ફેબ્રુઆરી-2026માં મુંબઈમાં કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમ દરમિયાન સંઘના 100 વર્ષના કાર્યની માહિતી પણ આપવામાં આવશે.
1925માં 27 સપ્ટેમ્બરે RSSની સ્થાપના કરાઈ હતી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ ભારતનું એક અગ્રણી હિન્દુ રાષ્ટ્રવાદી સ્વૈચ્છિક સંગઠન છે. તે વિશ્વના સૌથી મોટા સ્વયંસેવક સંગઠનોમાંનું એક છે. RSSની સ્થાપના 27 સપ્ટેમ્બર, 1925ના રોજ વિજયા દશમીના દિવસે ડૉ. કેશવ બલિરામ હેડગેવાર દ્વારા નાગપુરમાં કરવામાં આવી હતી. સંઘનું સર્વોચ્ચ પદ સરસંઘચાલકનું હોય છે. વર્તમાન સરસંઘચાલક મોહન ભાગવત છે, જેમણે 2009થી આ જવાબદારી સંભાળી છે.