Get The App

ભારતીય સેનાએ જે હથિયારથી પાકિસ્તાનની કમર તોડી હતી તે હથિયારો ખરીદવા માટે મોટો ઑર્ડર અપાયો

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
ભારતીય સેનાએ જે હથિયારથી પાકિસ્તાનની કમર તોડી હતી તે હથિયારો ખરીદવા માટે મોટો ઑર્ડર અપાયો 1 - image


Brahmos Supersonic Missiles : ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર વખતે બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ કરી પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે, ભારતીય વાયુસેના અને નૌકાદળ બ્રહ્મોસ મિસાઇલ ખરીદવા માટે મોટો ઑર્ડર આપવાની તૈયારીમાં છે. ઓપરેશન સિંદૂરમાં બ્રહ્મોસ મિસાઇલે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી અને પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

બ્રહ્મોસ મિસાઇલ ખરીદવા બેઠક યોજાશે

ટોચના સંરક્ષણ નિષ્ણાતે સમાચાર એજન્સી એએનઆઇને કહ્યું કે, ‘બ્રહ્મોસ મિસાઇલની ખરીદી કરવા અને મંજૂરી માટે ટૂંક સમયમાં સંરક્ષણ મંત્રાલયની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે. આ મિસાઇલની ખરીદી ભારતીય વાયુસેનાના જહાજો અને નૌકાદળના ફાઇટર જેટ માટે કરવામાં આવશે. વાયુસેના વીર-ક્લાસ યુદ્ધમાં, જ્યારે નૌકાદળ SU-30 MKI ફાઇટર જેટમાં મિસાઇલ તહેનાત કરશે.

બ્રહ્મોસ વિશ્વની સૌથી ઘાતક અને ઝડપી મિસાઇલ

બ્રહ્મોસ મિસાઇલ એ ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી એક અત્યાધુનિક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે, જેને વિશ્વની સૌથી ઘાતક અને ઝડપી મિસાઇલમાંની એક ગણવામાં આવે છે. 'બ્રહ્મોસ' નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કવા નદીના નામોને જોડીને બનાવવામાં આવ્યું છે. આ મિસાઇલનું નિર્માણ ભારતની DRDO (સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન) અને રશિયાની NPOM(એનપીઓ માશિનોસ્ટ્રોયેનિયા)ના સંયુક્ત સાહસ દ્વારા કરવામાં આવ્યું છે.

બ્રહ્મોસ મિસાઇલની ગતિ પ્રતિ કલાક 3,400 કિમી

આ મિસાઇલ અવાજની ગતિ કરતાં લગભગ 2.8થી 3 ગણી (લગભગ 3,400 કિલોમીટર પ્રતિ કલાક) ઝડપે ઉડે છે, તેની સુપરસોનિક ગતિને કારણે દુશ્મન માટે તેને રોકવી લગભગ અશક્ય બની જાય છે. બ્રહ્મોસની મૂળ રેન્જ 290 કિલોમીટર હતી. જોકે, ભારત મિસાઇલ ટૅક્નોલૉજી કંટ્રોલ રેજિમ(MTCR)નું સભ્ય બન્યા બાદ, તેની રેન્જ વધારીને 450 કિલોમીટર અને પછી 800 કિલોમીટર સુધી કરવામાં આવી છે.

આ પણ વાંચો : પહલગામ હુમલાનું નવું સત્ય, ભારતને હુમલાખોરો વિરુદ્ધ પહેલીવાર મળ્યા નક્કર પુરાવા

કોઈપણ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરવાની ક્ષમતા

બ્રહ્મોસને કોઈપણ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે, જે તેને અત્યંત બહુમુખી બનાવે છે. તેને મોબાઇલ લોન્ચર પરથી, યુદ્ધ જહાજો, સબમરીન પરથી, સુખોઈ-30MKI જેવા ફાઇટર જેટ વિમાનો પરથી લોન્ચ કરી શકાય છે. આ મિસાઇલ ‘ફાયર એન્ડ ફોરગેટ’ના સિદ્ધાંત પર કાર્ય કરે છે, એટલે કે લોન્ચ થયા બાદ તેને કોઈ માર્ગદર્શનની જરૂર પડતી નથી અને તે તેના લક્ષ્યને ચોક્કસપણે નષ્ટ કરે છે.

બ્રહ્મોસનું નવ વર્ઝન બનાવવાની તૈયારી

બ્રહ્મોસ નેક્સ્ટ જનરેશન વધુ નાનું, હળવું અને સ્ટીલ્થી વર્ઝન છે, જેનો ઉપયોગ નાના યુદ્ધ વિમાનો અને સબમરીનમાંથી પણ કરી શકાય છે. તેના પરીક્ષણો 2025ના અંતમાં શરુ થવાની સંભાવના છે. ભારત અને રશિયા બ્રહ્મોસનું હાઇપરસોનિક વર્ઝન વિકસાવી રહ્યા છે, જે અવાજની ગતિથી 7થી 8 ગણી (લગભગ 11,000 કિલોમીટર પ્રતિ કલાક) વધુ ઝડપે ઉડાન ભરશે. આ ટૅક્નોલૉજી યુદ્ધની રણનીતિમાં ક્રાંતિ લાવશે. બ્રહ્મોસ મિસાઇલે ભારતીય સશસ્ત્ર દળોની તાકાતમાં નોંધપાત્ર વધારો કર્યો છે અને ભારતની સંરક્ષણ ક્ષમતાનું એક અભિન્ન અંગ બની ગઈ છે.

આ પણ વાંચો : ભારત-અમેરિકા તણાવ: વિદેશ મંત્રાલય બાદ સેનાએ પણ ટ્રમ્પને બતાવ્યો અરીસો, સોશિયલ મીડિયા પોસ્ટ વાઈરલ

Tags :