‘તમે કરો છો શું?', SIR મુદ્દે રાજકીય પક્ષોની નિષ્ક્રિયતા પર સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યો સવાલ
Bihar SIR Hearing in Supreme Court : સુપ્રીમ કોર્ટે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મામલે ચૂંટણી પંચની દલીલ સાંભળ્યા બાદ રાજકીય પક્ષોની આકરી ઝાટકણી કાઢી છે. પંચે કોર્ટમાં કહ્યું છે કે, રાજકીય પાર્ટીઓ SIR મામલે સવાલો ઉઠાવી રહી છે, પરંતુ તેઓએ હજુ સુધી ચૂંટણી પંચમાં એક પણ વાંધા અરજી નોંધાવી નથી. રાજકીય પક્ષો પાસે કુલ 1.61 લાખ બૂથ લેવલ એજન્ટો છે, આમાંથી એક બીએલએ એક દિવસમાં 10 જેટલી વાંધા અરજી દાખલ કરી શકે છે, તેમ છતાં તેઓએ અરજી કરી નથી. બીએલએને સમયની કોઈ સમસ્યા નથી. પંચે એમ પણ કહ્યું કે, એક ઓગસ્ટ બાદ 2.63 લાખ નવા મતદારોએ મતદાર યાદીમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે અરજી દાખલ કરી છે.
પક્ષોએ મતદારોની મદદ કરવા આગળ આવવું જોઈએ : કોર્ટ
ચૂંટણી પંચની દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોની નિષ્ક્રિયતા આશ્ચર્યજનક હોવાનું કહ્યું છે. કોર્ટે સવાલ ઉઠાવ્યો કે, બૂથ સ્તરના એજન્ટોની નિમણૂક કર્યા બાદ તેઓ શું કરી રહ્યા છે, લોકો અને સ્થાનીક રાજકીય કાર્યકર્તાઓ વચ્ચે આટલું અંતર કેમ છે? કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, રાજકીય પક્ષોએ મતદારોની મદદ કરવા માટે આગળ આવવું જોઈએ. ચૂંટણી પંચના વકીલ રાકેશ દ્વિવેદીએ SIR મામલે સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જૉયમાલ્યા બાગચીની બેંચ સમક્ષ અનેક દલીલો કરી છે. કોર્ટે અગાઉના સુનાવણી વખતે કહ્યું હતું કે, ચૂંટણી પંચ તે 65 લાખ લોકોની યાદી જાહેર કરે, જેમનું નામ ડ્રાફ્ટ વૉટર લિસ્ટમાં સામેલ કરાયું છે. કોર્ટે એવું પણ કહ્યું હતું કે, આખરે તેમના નામ ડ્રાફ્ટ લિસ્ટમાં સામેલ ન કરવાનું કારણ શું છે? ચૂંટણી પંચે કોર્ટમાં સોગંદનામાં કહ્યું હતું કે, ‘અમે કોર્ટના નિર્દેશોનું પાલન કરી રહ્યા છીએ અને જે 64 લોકોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ થયા નથી, તેઓના નામ બુધવારે વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી છે.
65 લાખ મતદારોની યાદી ઓનલાઈન ઉપલબ્ધ
સુનાવણી દરમિયાન, ચૂંટણી પંચે કોર્ટને જણાવ્યું હતું કે, જે 65 લાખ લોકોના નામ ડ્રાફ્ટ યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી, તે અંગેની માહિતી ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ છે. આ વિવાદે બિહારના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે, કારણ કે વિપક્ષી પક્ષોએ મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. ચૂંટણી પંચના વકીલ રાકેશ દ્વિવેદીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, જે નામો ડ્રાફ્ટ યાદીમાં શામેલ નથી, તેના કારણો પણ જાહેર કરવામાં આવ્યા છે. આ માહિતી જિલ્લા સ્તરની વેબસાઇટ્સ પર અપલોડ કરવામાં આવી છે. આ ઉપરાંત, બૂથ લેવલ એજન્ટ્સને પણ આ માહિતી આપવામાં આવી છે. પંચાયત અને બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO)ની કચેરીઓમાં પણ આ યાદીઓ પોસ્ટ કરવાના નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું છે. દ્વિવેદીએ ઉમેર્યું કે, 65 લાખ લોકો ડિજિટલ રીતે પણ આ માહિતી મેળવી શકે છે અને સુધારા માટે ફોર્મ 6 ભરીને આધાર કાર્ડ સાથે અરજી કરી શકે છે.
આ પણ વાંચો : SIRમાં આધાર કાર્ડ પણ માન્ય, મતદારોને રાહત: સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને આદેશ
વિપક્ષના વકીલોનો પક્ષ
આ સુનાવણીમાં આરજેડીના મનોજ ઝા વતી કપિલ સિબ્બલ અને સાત રાજકીય પક્ષો વતી અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા. સિબ્બલે સ્પષ્ટતા કરી કે તેઓ સાંસદ મનોજ ઝાની અરજીમાં હાજર થયા છે, કોઈ પક્ષ વતી નહીં. સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કર્યો કે શું ભાજપે પણ અરજી દાખલ કરી છે? જેના જવાબમાં સિબ્બલે કહ્યું કે, તેની અપેક્ષા નથી. રાકેશ દ્વિવેદીએ કોર્ટ સમક્ષ દલીલ કરી કે, ‘એક તરફ રાજકીય પક્ષો જોરદાર વિરોધ કરી રહ્યા છે, પણ બીજી તરફ સહકારના નામે શૂન્ય છે.’ કોર્ટે રાજકીય પક્ષોને પ્રશ્ન કર્યો કે તેમણે કેટલા BLAની નિમણૂક કરી છે? જેના જવાબમાં પંચે જણાવ્યું કે, એક લાખ 61 હજાર BLA ની નિમણૂક કરવા છતાં એક પણ લેખિત વાંધો દાખલ કરવામાં આવ્યો નથી.
દાવાઓ ગમે ત્યાંથી દાખલ કરી શકાશે
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું કે, કોઈ પણ વ્યક્તિ પોતાનું નામ ઉમેરવા માટે ગમે ત્યાંથી અરજી કરી શકે છે અને તેના માટે બિહાર આવવું ફરજિયાત નથી. આ નિર્ણયથી એવા લોકોને રાહત મળશે જેઓ હાલ બિહારની બહાર રહી રહ્યા છે અને તેમના નામ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : સંસદ ભવનની સુરક્ષામાં મોટી ચૂક, દીવાલ કૂદી ગરુડ દ્વાર સુધી પહોંચેલો યુવક પકડાયો