સંસદ ભવનની સુરક્ષામાં મોટી ચૂક, દીવાલ કૂદી ગરુડ દ્વાર સુધી પહોંચેલો યુવક પકડાયો
Indian Parliament Security Breach: ભારતના સંસદ ગૃહમાં સુરક્ષામાં મોટી ચૂક છે. એક અજાણ્યો શખસ દિવાલ કૂદી સંસદ ભવનમાં ઘુસી ગયો હતો. આટલું જ નહીં તે છેક ગરૂડ ભવન સુધી પહોંચી ગયો હતો. આ ઘટના આજે સવારે લગભગ સાડા છ વાગ્યે બની હતી. રેલભવન તરફથી વૃક્ષ પર ચડી તેણે સંસદ ભવનની દિવાલ કુદાવી હતી. સુરક્ષા કર્મીઓની નજર પડતાં જ તેને તુરંત જ ઝડપી લીધો હતો.
સુરક્ષા કર્મીઓએ ગરૂડ ભવન તરફ જતાં એક શખસને જોતાં તુરંત તેને અટકાવ્યો હતો. તેની અટકાયત કરી સંસદ ભવનમાં ઘૂસવા પાછળનું કારણ જાણવા પૂછપરછ હાથ ધરાઈ છે. આરોપીની ઓળખ હજુ સુધી થઈ નથી.
2023માં સ્મોક કેનનો હુમલો
2023માં પણ સંસદ ભવનની સુરક્ષામાં ચૂક થઈ હતી. 13 ડિસેમ્બર, 2023ના રોજ સંસદ ભવનમાં છ લોકો ઘૂસી ગયા હતા. જેમાં સાગર શર્મા અને મનોરંજન નામના યુવકે લોકસભાની મુલાકાતીઓની ગેલેરીમાં પહોંચી પોતાના જૂતામાં છુપાયેલા ડબ્બામાંથી પીળો ધુમાડો છોડ્યો હતો. અન્ય બે યુવક અમોલ શિંદે અને નીલમ આઝાદ સૂત્રોચ્ચાર કરતાં અને રંગીન ધુમાડો છોડતા સંસદમાંથી બહાર નીકળ્યા હતાં. આ લોકોને મૈસુરના ભાજપના સાંસદ પ્રતાપ સિંહાના નામે પાસ આપવામાં આવ્યા હતા. લલિત જ્હાં અને મહેશ કુમાવત આ ઘટનાના મુખ્ય સૂત્રધાર હતા.
દિલ્હી પોલીસે તમામ પાંચ લોકોની ધરપકડ કરી હતી. લલિત જ્હાં ફરાર થયો હતો. છ આરોપી વિરૂદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સંસદની સુરક્ષામાં ભંગ માટે કોની ભૂલ જવાબદાર હતી અને આરોપીઓ લોકસભાની અંદર પહોંચ્યા તે જાણવા માટે આ મામલાની તપાસ કરવા માટે CRPF જનરલ ડિરેક્ટર અનિશ દયાલ સિંહના નેતૃત્વમાં એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. લોકસભા સચિવાલયના 8 સુરક્ષા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સંસદમાં સાંસદોના અંગત સહાયકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
2001માં થયો હતો આતંકી હુમલો
દેશના સંસદ ગૃહમાં અગાઉ 2001માં આતંકી હુમલો પણ થયો હતો. 13 ડિસેમ્બર, 2001ના રોજ જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદી સંસદમાં ઘૂસ્યા હતા અને હુમલો કર્યો હતો. સંસદમાં ઘૂસવા માટે તેમણે ગૃહ મંત્રાલયની નકલી કારનો ઉપયોગ કર્યો હતો. તેઓ હથિયારોથી સજ્જ હતા. આ આતંકી હુમલામાં નવ લોકોના મોત થયા હતા. દિલ્હી પોલીસ અને સેનાએ પાંચેય આતંકીના ઢીમ ઢાળી દીધા હતા. આ હુમલામાં દિલ્હી પોલીસના પાંચ કર્મચારીઓ, એક સીઆરપીએફ જવાન અને બે સંસદના સિકયોરિટી ગાર્ડ તેમજ એક માળી મોતને ભેટ્યા હતાં. હવે સંસદ ભવનમાં આઈડી કાર્ડના આધારે જ પ્રવેશ મળે છે.