SIRમાં આધાર કાર્ડ પણ માન્ય, મતદારોને રાહત: સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને આદેશ
Bihar SIR Supreme Court: બિહારના મતદારોને મોટી રાહત આપતાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મહત્ત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું છે કે, મતદાર યાદીમાં સુધારા માટે 11 દસ્તાવેજોમાં આધાર કાર્ડને પણ સામેલ કરો. તેમજ બિહારમાં મતદારોની યાદીમાંથી બહાર થયેલા મતદારોની અપીલ સ્વીકારવા અને સહાયતા પ્રદાન કરો.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરતાં ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે, ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવેલા લોકોની અરજી ઓનલાઇન સ્વીકારવાની રહેશે. તેઓ ડૉક્યુમેન્ટ્સને ભૌતિક સ્વરૂપે રજૂ કરવા દબાણ કરી શકશે નહીં.
આગામી સુનાવણી 15 સપ્ટેમ્બરે થશે
સુપ્રીમ કોર્ટે બિહારના ચૂંટણી અધિકારીને કોર્ટના કામકાજમાં રાજકીય પક્ષોને પક્ષકાર બનાવવા તેમજ દાવાઓની સ્થિતિમાં રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, બિહારમાં મતદારોની યાદીના વિશેષ નિરીક્ષણ (SIR) હેઠળ દૂર કરવામાં આવેલા મતદારોના નામ રાજકીય પક્ષો સમક્ષ રજૂ ન કરવા આશ્ચર્યજનક છે. અમે બિહારમાં SIR દરમિયાન મતદારોની યાદીમાંથી દૂર કરવામાં આવેલા લોકોને ઓનલાઇન અપીલ કરવા મંજૂરી આપીશું. જેમની પાસે આધાર કાર્ડ કે અન્ય કોઈ માન્ય દસ્તાવેજ છે તો તેમના નામ પુનઃ યાદીમાં દાખલ કરવા પડશે. ઉલ્લેખનીય છે કે, આ મામલે આગામી સુનાવણી 15 સપ્ટેમ્બરના રોજ થશે.
મતદાર તરીકે દાવા અરજીમાં કરવી પડશે મદદ
સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો અને તેમના રાજ્યના બૂથ સ્તરના એજન્ટ્સને નિર્દેશ કર્યો છે કે, તેઓએ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવેલા લોકોને મતદાર તરીકે દાવો કરવા માટે જરૂરી તમામ મદદ કરવાની રહેશે. તેમની દાવા અરજી માટે ફોર્મ ભરવા સલાહ આપવી પડશે. બિહારના 12 રાજકીય પક્ષોને કે જે સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર ન થયા હોય તેમને SIR કેસમાં સામેલ થવા આદેશ આપ્યો છે. વધુમાં, બેન્ચે સ્પષ્ટ કર્યું કે દાવા માટે ફોર્મ ECI દ્વારા મૂળ રૂપે સૂચિબદ્ધ 11 દસ્તાવેજોમાંથી કોઈપણ સાથે અથવા આધાર કાર્ડ સાથે સબમિટ કરી શકાય છે. BLA દ્વારા સબમિટ કરાયેલા વાંધાઓ માટે બૂથ લેવલ ઑફિસર્સ (BLOs) સ્વીકૃતિ રસીદો જારી કરી રહ્યા ન હોવાની ચિંતા વ્યક્ત થયા પછી, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, જ્યાં પણ ફિઝિકલી ફોર્મ સબમિટ કરવામાં આવ્યા હોય ત્યાં BLOs રસીદ આપવાની રહેશે.