For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કર્ણાટક-તેલંગાણામાં કોંગ્રેસના વિજયના 'શિલ્પી' ક્યાં ખોવાઈ ગયા, 2014માં મોદી માટે બનાવી હતી વ્યૂહરચના

Updated: Apr 18th, 2024

કર્ણાટક-તેલંગાણામાં કોંગ્રેસના વિજયના 'શિલ્પી' ક્યાં ખોવાઈ ગયા, 2014માં મોદી માટે બનાવી હતી વ્યૂહરચના

Sunil Kanugolu: તેલંગાણમાં જીત પછી સુનિલ કાનુગોલુ ખોવાઈ ગયા હોય એવું લાગે છે પણ વાસ્તવમાં કાનુગોલુ અત્યારે તેલંગાણામાં કોંગ્રેસને તમામ 17 લોકસભા બેઠકો જીતાડવાની સ્ટ્રેટેજી પર કામ કરી રહ્યા છે. કાનુગોલુને કોંગ્રેસ 15 બેઠકો જીતશે તેનો તો પૂરો વિશ્વાસ છે. 

કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસની જીત  માટે પડદા પાછળ રહીને કામ કરનારા સુનિલ કાનુગોલુ  એક તરફ કે. ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતી (બીઆરએસ)ના નેતાઓ સાથે વાટાઘાટો કરી કરીને તેમને કોંગ્રેસમાં લાવી રહ્યા છે તો બીજી તરફ ઉત્તર તેલંગાણામાં કોંગ્રેેસ તમામ બેઠકો જીતે એ માટે મથી રહ્યા છે. કોંગ્રેસ દક્ષિણ તેલંગાણામાં મજબૂત હોવાથી સુનિલ કાનુગોલુને ઉત્તર તેલંગાણા પર વધારે ફોકસ કરવા કહેવાયું છે.  

સુનિલ કાનુગોલુની ટીમ કોગ્રેસ માટે વ્યૂહરચના ઘડે છે 

સુનિલ કાનુગોલુની ટીમ કોગ્રેસના વોર રૂમમાં કામ કરે છે પણ પ્રસિધ્ધિથી દૂર રહેતા હોવાથી સુનીલ કાનુગોલુની નોંધ નથી લેવાતી. આ પહેલા એવી વાતો આવેલી કે સુનિલ કાનુગોલુને મહારાષ્ટ્ર અને હરિયાણામાં કોંગ્રેસની વ્યૂહરચના ઘડવા મોકલી દેવાયા છે. 

એ પછી કાનુગોલુને આસામ મોકલી દેવાયા હોવાની વાતો પણ આવી હતી પણ વાસ્તવમાં કાનુગોલુ તેલંગાણામાં જ છે. કોંગ્રેસ માટે તેમણે કરેલા સર્વેના આધારે જ કોંગ્રેસે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. તેલંગાણામાં ચોથા તબક્કામાં 13 મેએ તમામ 17 લોકસભા બેઠકો પર મતદાન થશે. 

કર્ણાટકના બેલ્લારીના પ્રખ્યાત કાનુગોલુ પરિવારના સુનિલ કાનુગોલું ચેન્નાઈમાં ઉછર્યા છે. કાનુગોલુએ યુ.એસ.માં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું અને વૈશ્વિક મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ મેકકિન્સીમાં જોડાયા હતા. ભારતમાં પાછા ફર્યા પછી પ્રખ્યાત ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સાથે જોડાયા હતા.

એસોસિયેશન ઑફ બિલિયન માઇન્ડ્સની રચના 

સુનિલે સૌથી પહેલાં ગુજરાતમાં ભાજપ માટે ચૂંટણી વ્યૂહરચના બનાવવાની કામગીરી કરી હતી. નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીની તૈયારી કરતા હતા ત્યારે સુનિલ તેમના માટે કામ કરતા હતા. મોદીની તરફેણમાં લહેર ઉભી કરવા તેમણે  એસોસિયેશન ઑફ બિલિયન માઇન્ડ્સ બનાવડાવ્યું હતું.

2014ની લોકસભા ચૂંટણીમાં કાનુગોલુ ભાજપ માટે કામ કરેલું

2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની રણનીતિ ઘડનારી ટીમમાં પી.કે.ની સાથે એસ. કે. પણ હતા. એ પછી કાનુગોલુ લાંબો સમય સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા. ગુજરાત ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં તેમણે ભાજપ માટે કામ કરેલું. 

2017માં યોજાયેલી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી મળી એ વખતે વ્યૂહરચનાની જવાબદારી કાનુગોલુના માથે હતી. 2018ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સુનિલે ભાજપ માટે કામ કરેલું પણ સુનિલ 2019ની લોકસભા ચૂંટણીમાં ડીએમકેના એમ.કે સ્ટાલિન સાથે જોડાયા હતા.

સ્ટાલિન માટે 'નમાક્કુ નામ' અભિયાન ચલાવ્યું

સ્ટાલિન માટે 'નમાક્કુ નામ' અભિયાન ચલાવ્યું તેને જોરદાર સફળતા મળી હતી. તમિલમાં 'નમાક્કુ નામ'નો અર્થ થાય છે, અમે તમારા માટે હંમેશાં હાજર છીએ. આ અભિયાનના જોરે ડીએમકે  જોડાણે લોકસભાની 39માંથી 38 બેઠકો જીતીને છાકો પાડી દીધો હતો.  

સ્ટાલિને વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોરને  જવાબદારી સોંપી પછી સુનિલે અલગ થયા. 2022માં પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં લાવવાના પ્રયત્નો સફળ ના છતાં કોંગ્રેસ સુનિલને લઈ આવી.  ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા સુનિલને કોંગ્રેસમાં વ્યૂહરચના વિભાગના વડા બનાવાયા હતા. 

સુનિલે વતન કર્ણાટકથી કામ શરૂ કર્યું. આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસની હાલત ખરાબ હતી તેથી કાનુગોલુએ સૌથી પહેલાં તો સિધ્ધારમૈયા અને ડી.કે. શિવકુમારને એક કર્યા. એ પછી રાહુલ ગાંધીની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રાનું આયોજન કર્યું. 

આ યાત્રાના કારણે કર્ણાટકમાં કોંગ્રેસ તરફી જુવાળ ઉભો થયો પછી ભાજપના ભ્રષ્ટાચારને હાઈલાઈટ કરવા પેસીએમ અભિયાન શરૂ કરાવ્યું. આ અભિયાન માસ્ટરસ્ટ્રોક સાબિત થયો અને કર્ણાટકમાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી સાથે જીતી પછી સુનિલે ગયા વરસે તેલંગાણમાં એ જ ઈતિહાસ દોહરાવીને કોંગ્રેસને સત્તા આપાવી.

આ લોકસભામાં કોંગ્રેસના સુપડા સાફ થવાની ધારણા: સર્વે

લોકસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાના મતદાનના બે દિવસ જ બાકી છે ત્યાં  એક અનોખો સર્વે બહાર આવ્યો. કર્ણાટક રાજ્ય ઉપર થયેલા આ રાજકીય સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, અહીંયા ભાજપ અને તેના ગણબંધનના પક્ષો મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યા છે. તેની સામે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનના ડાંડિયા ડુલ થઈ જાય તેવું લાગી રહ્યું છે. 

એક મીડિયા જૂથના સર્વે પ્રમાણે કર્ણાટકમાં વર્તમાન લોકસભા ચૂંટણીમાં એનડીએને 28માંથી 25 બેઠકો મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે. બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનને માત્ર 3 બેઠકથી સંતોષ માનવો પડે તેવી સ્થિતિ જણાઈ રહી છે. અન્ય એક સર્વેમાં જણાવાયું હતું કે, કર્ણાટકમાં ભાજપને પોતાને 22 બેઠકો મળે તેમ દેખાઈ રહ્યું છે. 

આ ઉપરાંત તેની સાથે જોડાણ કરનાર જેડીએસને પણ બે બેઠક મળતી દેખાઈ રહી છે. આ સંજોગોમાં એનડીએ પાસે 24 બેઠકો આવશે. બીજી તરફ કોંગ્રેસ અને ગઠબંધન પાસે માત્ર 4 બેઠકો આવે તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2019માં ભાજપે અહીંયા 25 બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો.

Article Content Image

Gujarat