Ajit Pawar Plane Crash News : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન થયા બાદ તેમના પત્ની રાજ્યના નાયબ મુખ્યમંત્રી બની શકે છે. છગન ભુજબળ, ધનંજય મુંડે અનેસુનીલ તટકરેએ સુનેત્રા સાથે મુલાકાત કરી છે. રિપોર્ટ મુજબ સુનેત્રાને નાયબ મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મૂકાયો છે. સુનેત્રા પવાર દિવંગત પતિ અજિત પવારની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
પ્રફુલ્લ પટેલ NCPના અધ્યક્ષ બનશે !
મીડિયા અહેવાલો મુજબ, પ્રફુલ્લ પટેલ એનસીપીના અધ્યક્ષ બની શકે છે. તેઓ આ માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત NCP(SP)ના વિલય અંગે પણ ચર્ચા થઈ શકે છે.
આ પણ વાંચો : ચાંદીની કિંમતમાં રેકોર્ડ વધારો, ખરીદતાં પહેલા જાણી લો તેજી પાછળના આ 10 કારણો
‘વહિની’ને મંત્રીમંડળમાં સામેલ કરવાની ઇચ્છા
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને NCPના વડા અજિત પવારનું નિધન થયા બાદ પાર્ટીના ભવિષ્ય અંગે પ્રશ્ન કરવામાં આવતા NCP નેતા નરહરિ જિરવાલે કહ્યું કે, લોકો ‘વહિની’ને મંત્રીમંડળમાં સામેલ કરવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. મરાઠી રાજકારણમાં વહિની શબ્દનો અર્થ ભાભી થાય છે. અજિત પવારના પત્ની સુનેત્રા પવારને કાર્યકરો અને નેતાઓ આદરપૂર્વક 'વહિની' કહીને સંબોધે છે. રાજ્યના સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) મુખ્ય પાર્ટી છે. આમાં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના પણ સામેલ છે. અત્રે એ યાદ રહે કે, સુનેત્રા પવાર વર્તમાન સમયમાં રાજ્યસભા સાંસદ છે.
બુધવારે પ્લેન ક્રેશ થયું હતું, અજિત સહિત પાંચના નિધન
ઉલ્લેખનીય છે કે, બુધવારે (28 જાન્યુઆરી) અજિત પવારનું વિમાન બારામતીમાં ક્રેશ થયું હતું. આ કરુણ દુર્ઘટનામાં અજિત સહિત પાંચ લોકોના મોત થયા હતા. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) હાલ આ અકસ્માતની ફોરેન્સિક તપાસ કરી રહી છે. અહેવાલો મુજબ, ખરાબ વિઝિબિલિટીને કારણે પાયલોટને મુશ્કેલી પડી હતી. પોલીસ દ્વારા અજિત પવારના મૃતદેહની ઓળખ તેમની કાંડા ઘડિયાળ અને વિમાનમાં તેમની બેસવાની ખાસ સ્થિતિ પરથી કરવામાં આવી હતી. આ ઘટનામાં પાયલોટ સુમિત કપૂર, કો-પાયલોટ શાંભવી પાઠક સહિત સ્ટાફના સભ્યોએ પણ જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચો : LPGથી લઈને પાન-મસાલા અને સિગારેટ સુધી... 1 ફેબ્રુઆરીથી થશે 5 મોટા ફેરફાર


