VIDEO : 33 બાળકો સહિત 50ના મોત... સુદાનના અનેક શહેરોમાં હુમલા, શાળા પર ડ્રોન હુમલા

Sudan Paramilitary Forces Attack On Kindergarten : સુદાનમાં અર્ધલશ્કરી દળો રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) અને બળવો કરનાર સુદાનિસ આર્મ્ડ ફોર્સિસ (SAF) વચ્ચે ચાલી રહેલા ગૃહયુદ્ધમાં રોજબરોજ અનેક લોકોના મોત થઈ રહ્યા છે. તાજેતરની ઘટનાની વાત કરીએ તો આરએસએફે નાના બાળકોની શાળા પર ડ્રોનથી હુમલો કર્યા બાદ ઘટનાસ્થળે મદદ માટે પહોંચેલી પેરામેડિકલ ટીમ પર પણ હુમલો કર્યો છે. આ ઘટનામાં 33 માસૂમ બાળકો સહિત 50 લોકોએ જીવ ગુમાવ્યો છે. એટલું જ નહીં SAFએ બોર્ડર પર હુમલા કરનાર અનેક ટ્રકોમાં ભયાનક આગ લાગી ગઈ છે.
મદદે પહોંચેલી પેરામેડિકલ ટીમ પર પણ હુમલો
મીડિયા રિપોર્ટ મુજબ, સુદાનમાં RSFએ દક્ષિણ-મધ્ય સુદાનના દક્ષિણ કોર્દોફાન રાજ્યના કલોગી શહેરમાં એક કિંડરગાર્ટન એટલે કે નાના બાળકોની શાળા પર ડ્રોનથી હુમલો કર્યો છે. આ હુમલામાં 50 લોકોના મોત થયા છે. ડૉક્ટરોના એક જૂથે શુક્રવારે મોડી રાત્રે સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, અર્ધલશ્કરી દળોએ ઘટનાસ્થળે પહોંચી પેરામેડિકલ ટીમ પર પણ હુમલો કર્યો છે. ડ્રોન હુમલો થયા બાદ આખા વિસ્તારમાં સંદેશાવ્યવહાર વ્યવસ્થા સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે. ઘટનામાં કેટલા લોકોના મોત થયા, તેની ચોક્કસ માહિતી સામે આવી નથી, પરંતુ મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
SAFએ બોર્ડર પર કર્યા હુમલા ભયાનક વિસ્ફોટ
આ ઉપરાંત સુદાન અને ચાડની સરહદ પર આવેલા અદ્રેઈ બોર્ડર ક્રોસિંગ પર SAFએ ડ્રોન અને હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં પાર્ક કરેલા અનેક ટ્રકોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેના કારણે ભારે વિસ્ફોટ અને આગ લાગી હતી. આ બોર્ડર ક્રોસિંગ લાંબા સમયથી RSF માટે પુરવઠાનો મુખ્ય માર્ગ રહ્યું છે. આજના હુમલાને કારણે આ માર્ગ પર સળગી ગયેલા કાટમાળનો ઢગલો થઈ ગયો છે અને સમગ્ર પુરવઠા માર્ગ ખોરવાઈ ગયો છે.
માસૂમ બાળકોના મોત થતાં યુનિસેફ ભડક્યું
બાળકોના અધિકાર માટે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંગઠન યુનિસેફે હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી છે. સુદાન સ્થિત યુનિસેફના પ્રતિનિધિ શેલ્ડન યેટે કહ્યું કે, ‘શાળામાં બાળકોની હત્યા કરવી તે બાળકોના અધિકારોના ભયાનક ઉલ્લંઘન છે. યુદ્ધમાં ક્યારેય બાળકોનો ભોગ ન લેવો જોઈએ. તેમણે અપીલ કરી છે કે, આવા હુમલો અટકાવવા જોઈએ, જરૂરીયાત મંદોને તાત્કાલિક માનવીય સહાય પહોંચાડવી જોઈએ.
અલ-ફાશેર શહેર પર RSFનો કબજો
કોર્દોફાનમાં છેલ્લા ઘણા સમયથી થઈ રહેલા હુમલામાં અનેક નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. અગાઉ સુદાન દેશના પશ્ચિમી પ્રદેશ દારફુર સુધી જ યુદ્ધ સીમિત હતું, જોકે હવે આ યુદ્ધ આગળ વધીને કોર્દોફાન સુધી પહોંચી ગયું છે. RSFએ આખા અલ-ફાશેર શહેર પર કબજો કરી લીધો છે.
ગત અઠવાડિયે 48ના મોત થયા હતા
પહેલી ડિસેમ્બરના રોજ સુદાની સેનાએ દક્ષિણ કોર્દોફાનના કાઉડામાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં 48 લોકોના મોત થયા હતા. વાસ્તવમાં સુદાનમાં સત્તા હાંસલ કરવા માટે SAF અને RSF વર્ષ 2023થી ગૃહયુદ્ધ કરી રહી છે. ચિંતાજનક વાત એ છે કે, અલ-ફાશેર પર કબજો કરનાર RSF નાગરિકોની હત્યા, મહિલાઓ પર અત્યારચાર અને દુષ્કર્મ સહિત અનેક ગંભીર ગુનાઓ આચરી રહ્યા છે.
આ પણ વાંચો : ખાલિસ્તાની આતંકીઓ વિરુદ્ધ બ્રિટનની મોટી કાર્યવાહી, સંપત્તિઓ જપ્ત અને કંપનીઓ બૅન
ગૃહયુદ્ધમાં 40,000 સૈનિકો મોત
વિશ્વ આરોગ્ય સંગઠનના રિપોર્ટ મુજબ યુદ્ધમાં અત્યાર સુધીમાં 40,000થી વધુ સૈનિકોના મોત થયા છે, જ્યારે 1.2 કરોડ લોકો પોતાના ઘર છોડવા મજબૂર થયા છે. જ્યારે હજારો લોકો પોતાના જીવ બચાવવા માટે ઘરો છોડીને ક્યાંક ભાગી ગયા છે. હજુ પણ અનેક લોકો શહેરમાં ફસાયા હોવાની પણ આશંકા છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ આંકડો તેનાથી પણ વધુ હોઈ શકે છે.

