આખરે ટ્રમ્પના મનની ઈચ્છા પૂરી થઇ! અમેરિકન પ્રમુખને ફિફાએ શાંતિના પુરસ્કારથી સન્માનિત કર્યા

| (IMAGE - IANS) |
Donald Trump Receives FIFA Peace Prize: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર તો નથી મળ્યો, પરંતુ તેમને ફૂટબોલની વૈશ્વિક સંસ્થા ફિફા(FIFA) દ્વારા શરૂ કરાયેલો પ્રથમ 'ફિફા શાંતિ પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર રમતગમત સિવાય વૈશ્વિક શાંતિમાં યોગદાન આપવા બદલ આપવામાં આવે છે અને ટ્રમ્પ તેના સૌપ્રથમ વિજેતા બન્યા છે.
ફિફાએ આ સન્માન કેમ આપ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પનું નોબેલ શાંતિ પુરસ્કાર પ્રત્યેનું આકર્ષણ જાણીતું છે અને ફિફાના આ નવા પુરસ્કારની શરૂઆત ટ્રમ્પને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. ફિફાના વર્તમાન અધ્યક્ષ જિયાની ઇન્ફેન્ટિનો ટ્રમ્પના નજીકના માનવામાં આવે છે. જિયાનીએ ભૂતકાળમાં જાહેરમાં કહ્યું છે કે ગાઝા સંઘર્ષમાં યુદ્ધવિરામ કરાવવા બદલ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જ જોઈએ.
ફિફાના આગામી વિશ્વકપ માટેના એક કાર્યક્રમમાં જિયાની ઇન્ફેન્ટિનોએ અમેરિકન પ્રમુખનું સ્વાગત કર્યું અને તેમને આ પુરસ્કાર આપવાની જાહેરાત કરી. જિયાનીએ ટ્રમ્પને સંબોધતા કહ્યું, 'આ તમારા માટે એક સુંદર મેડલ છે, જેને તમે જ્યાં ઇચ્છો ત્યાં પહેરી શકો છો. ટ્રમ્પે તાત્કાલિક આ મેડલ પોતાના ગળામાં પહેરી લીધુ હતું.
આ સાથે, ટ્રમ્પને એક પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું, જેમાં તેમને 'દુનિયામાં શાંતિ અને એકતા વધારવામાં યોગદાન' આપનાર ગણાવવામાં આવ્યા છે. તેમજ જિયાનીએ ટ્રમ્પને એક સોનાની ટ્રોફી પણ ભેટ આપી, જેના પર તેમનું નામ લખેલું હતું, અને કહ્યું, 'તમે તમારા પ્રયત્નો અને સિદ્ધિઓ માટે આ શાંતિ પુરસ્કારને લાયક છો.'
ટ્રમ્પની પ્રતિક્રિયા
ફિફા શાંતિ પુરસ્કાર મેળવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ ઉત્સાહિત દેખાયા. તેમણે કહ્યું કે, 'આ મારા જીવનના સૌથી મોટા સન્માનોમાંથી એક છે.' ટ્રમ્પે પોતાના પરિવાર, ખાસ કરીને પત્ની મેલાનિયાનો આભાર માન્યો. આ ઉપરાંત, તેમણે આગામી વિશ્વકપના યજમાન દેશો કેનેડા અને મેક્સિકોના નેતાઓની પ્રશંસા કરી અને કહ્યું કે આ સન્માન ત્રણેય દેશો માટે શ્રેષ્ઠ છે.

