VIDEO: સ્પાઈસ જેટના 4 ક્રૂ મેમ્બર પર આર્મી ઓફિસરનો એક્સ્ટ્રા ફી મુદ્દે જીવલેણ હુમલો
Passenger Attacks on SpiceJet Staff Members: શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઇટ નંબર SG-386 ના બોર્ડિંગ ગેટ પર એક મુસાફરે સ્પાઈસ જેટના કર્મચારીઓ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, 26 જુલાઈ 2025ના દિવસે બનેલી આ ઘટનામાં એરલાઇન્સના ચાર કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલો એક સૈન્ય અધિકારીએ કર્યો હતો, જે ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
આ મામલે સ્પાઈસ જેટના પ્રવક્તાએ કહ્યું કે, '26 જુલાઈ 2025ના દિવસે, શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઇટ નંબર SG-386ના બોર્ડિંગ ગેટ પર એક મુસાફરે સ્પાઈસ જેટના ચાર કર્મચારીઓ પર ગંભીર હુમલો કર્યો હતો. અમારા કર્મચારીઓને લાતો અને મુક્કા મારવામાં આવ્યા હતા, જેના કારણે કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું હતું અને એક કર્મચારીને જડબામાં ગંભીર ઇજાઓ થઈ હતી.'
ઘાયલ કર્મચારીઓને હોસ્પિટલમાં લઈ જવાયા
એરલાઇન્સે જણાવ્યું હતું કે, સ્પાઈસ જેટનો એક કર્મચારી બેભાન થઈ ગયો હતો, પરંતુ મુસાફરે બેભાન કર્મચારીને પણ લાતો, મુક્કા મારવાનું ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન, બીજો કર્મચારી તેના બેભાન સાથીદારને મદદ કરવા માટે નીચે ઝૂક્યો, ત્યારે આ શખસે તેને જડબા પર જોરથી લાત મારી, જેના કારણે તેના નાક અને મોંમાંથી લોહી નીકળવા લાગ્યું. ઈજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મુસાફર જબરદસ્તી એરોબ્રિજમાં ઘૂસી ગયો
સ્પાઈસ જેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એક મુસાફર જે એક વરિષ્ઠ સૈન્ય અધિકારી હતો, જે કુલ 16 કિલો વજનના બે કેબિન સામાન લઈને જતો હતો, જે સામાન 7 કિલોની મર્યાદા કરતાં બમણાથી વધુ હતો. જ્યારે તેને વધારાના સામાન વિશે નમ્રતાપૂર્વક જાણ કરવામાં આવી અને લાગુ ફી ચૂકવવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેણે ઇનકાર કર્યો અને બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના બળજબરીથી એરોબ્રિજમાં ઘૂસી ગયો. તે ઉડ્ડયન સુરક્ષા પ્રોટોકોલનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું.
નોંધનીય છે કે, આ સૈન્ય અધિકારીની ઓળખ લેફ્ટનન્ટ કર્નલ રીતેશ કુમાર સિંઘ તરીકે થઈ છે. હાલ તે ગુલમર્ગની હાઈ ઓલ્ટિટ્યુડ વૉરફેર સ્કૂલમાં ફરજ બજાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં 4 દિવસથી ગુમ 4 ભારતીયોના મૃતદેહ મળ્યાં, ભયંકર કાર અકસ્માત સર્જાયાની આશંકા
પોલીસ ફરિયાદ કરાઈ દાખલ
ત્યારબાદ CISFનો એક અધિકારીએ તેને ગેટ પર પાછો લઈ ગયો. ગેટ પર, મુસાફરનું વર્તન વધુ આક્રમક થઈ ગયું અને તેણે સ્પાઈસ જેટના ચાર ગ્રાઉન્ડ સ્ટાફના સભ્યો પર હુમલો કર્યો. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એરલાઇને નાગરિક ઉડ્ડયન નિયમો અનુસાર આ મુસાફરને નો-ફ્લાઇ લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
સ્પાઈસ જેટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને પોતાના કર્મચારી પર થયેલા હુમલાની જાણ કરી છે અને મુસાફર સામે યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. એરલાઇને એરપોર્ટ અધિકારીઓ પાસેથી ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવીને પોલીસને સોંપી દીધા છે.