અમેરિકામાં 4 દિવસથી ગુમ 4 ભારતીયોના મૃતદેહ મળ્યાં, ભયંકર કાર અકસ્માત સર્જાયાની આશંકા
Indian Origin 4 People Died In USA Car Accident: અમેરિકાના પેન્સિલવેનિયામાં ગુમ ભારતીય મૂળના ચાર વરિષ્ઠ નાગરિક ભયાનક કાર અકસ્માતનો ભોગ બન્યા હોવાની માર્શલ કાઉન્ટી શેરિફ માઈકે પુષ્ટિ કરી છે. ગઈકાલે શનિવારે મોડી રાત્રે માઈકે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભારતીય મૂળના ગુમ થયેલા ચાર વરિષ્ઠ નાગરિક ડો. કિશોર દીવાન, આશા દીવાન, શૈલેષ દીવાન અને ગીતા દીવાન ભયાનક કાર અકસ્માતમાં માર્યા ગયા છે.
તેમની આછા લીલા રંગની ટોયોટા કાર્મી બે ઓગસ્ટના રોજ રાત્રે સાડા નવ વાગ્યે વેસ્ટ વર્જિનિયાના માર્શલ કાઉન્ટીમાં આવેલા બિગ વ્હિલિંગ ક્રીક રોડ પરથી મળી આવી હતી.
ચાર દિવસથી ગુમ હતાં
સૂત્રો અનુસાર, ન્યૂયોર્કના રહેવાસી આ ચાર જણ છેલ્લે 29 જુલાઈના રોજ બર્ગર કિંગ આઉટલેટ પર જોવા મળ્યા હતાં. જ્યાં તેઓએ ક્રેડિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ત્યારબાદ તેઓ માર્શલ કાઉન્ટીમાં આવેલા ઈસ્કોનના ધાર્મિક સ્થળ પેલેસ ઓફ ગોલ્ડ તરફ જવા નીકળ્યા હતાં. તેઓ મંગળવારની રાત્રે ત્યાં પહોંચી જવાના હતાં. પરંતુ તેઓ પેલેસ ઓફ ગોલ્ડ પહોંચ્યા જ ન હતાં.
આ પણ વાંચોઃ ભારત સાથે ઝઘડો કરી ટ્રમ્પે કરી મોટી ભૂલ...', કેનેડાના દિગ્ગજ બિઝનેસમેનની ચેતવણી
ફોન બંધ આવતા ગઈ શંકા
સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર , ચારેય જણના ફોન 29 જુલાઈથી બંધ આવતાં તેઓ ગુમ થયા હોવાની શંકા થઈ હતી. તેમનું લાસ્ટ સિગ્નલ માઉન્ડ્સવિલેમાં જોવા મળ્યું હતું. તેમના ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાતાં માર્શલ કાઉન્ટીની પોલીસે તપાસ હાથ ધરી હતી. જેના માટે હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા હતાં.
અકસ્માતનું કારણ જાણી શકાયુ નથી
માર્શલ કાઉન્ટીના શેરિફ માઈક ડોઘર્ટી'સ ઓફિસે નિવેદન જાહેર કર્યું હતું કે, બિગ વ્હિલિંગ ક્રીક રોડ પરથી રાત્રે 9.30 વાગ્યે તેમની કાર મળી આવી હતી. જેમાં ચારેય જણના મૃતદેહો હતાં. કારની સ્થિતિ જોતાં અકસ્માત લાગી રહ્યો હતો. જો કે, હજી અકસ્માતનું કારણ જાણી શકાયુ નથી. વધુ તપાસ હાથ ધરી અંતિમ રિપોર્ટ જાહેર કરાશે.