વારાણસીમાં સપાનો દબદબો, ગોરખપુરમાં માંડ જીત્યા: UP MLC ચૂંટણીમાં ભાજપનું ટેન્શન વધ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UP MLC Election Results 2026 : ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની 11 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને સમાજવાદી પાર્ટી (SP) વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે. બુધવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 6 અને સપાએ 5 બેઠક જીતી હતી. શિક્ષક મતવિસ્તારની તમામ 6 બેઠકો અને સ્નાતક મતવિસ્તારની 5માંથી 4 બેઠકોનાં પરિણામ જાહેર થયાં હતાં. વારાણસી સ્નાતક મતવિસ્તારમાં સપાના ઉમેદવાર આશુતોષ સિંહાએ નિર્ણાયક સરસાઈ મેળવી હતી. શિક્ષક મતવિસ્તારની 6 બેઠકોમાંથી ભાજપે 4 અને સપાએ 2 બેઠક જીતી હતી. જ્યારે સ્નાતક મતવિસ્તારમાં ભાજપને 2 અને સપાને 3 બેઠક મળી હતી. વર્ષ 2020ની ચૂંટણીની સરખામણીએ ભાજપે પોતાની અગાઉ જીતેલી 6 બેઠકોમાંથી 5 જાળવી રાખી હતી, એક બેઠક ગુમાવી હતી અને એક નવી બેઠક મેળવી હતી. બીજી તરફ, સપાએ અગાઉની 3 બેઠકો જાળવી રાખવાની સાથે 2 નવી બેઠકો જીતી હતી.
ગોરખપુર-ફૈઝાબાદમાં ધ્રુવ ત્રિપાઠીની માત્ર 307 મતથી જીત
ગોરખપુર-ફૈઝાબાદ શિક્ષક મતવિસ્તારમાં ધ્રુવ ત્રિપાઠીએ અપક્ષ ઉમેદવાર રાજીવ યાદવને માત્ર 307 મતથી હરાવ્યા હતા. ત્રિપાઠીને 16,790 મત મળ્યા હતા અને બીજા ક્રમના મતની ગણતરી બાદ પરિણામ નક્કી થયું હતું. આ તેમની સતત ચોથી જીત હતી. અગાઉની ત્રણેય ચૂંટણીમાં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા. જોકે, આ વખતે તેઓ ભાજપમાં જોડાયા બાદ ચૂંટણી લડ્યા હતા. આગ્રા-અલીગઢ શિક્ષક મતવિસ્તારમાં સપાના આકાશ અગ્રવાલે ભાજપના હરિ કિશોર તિવારીને 4,263 મતથી હરાવ્યા હતા. સપાનાં કાંતિ સિંહે ભાજપના અવિનાશ કુમાર સિંહને 17,225 મતથી હરાવી અગાઉની હારનો બદલો લીધો હતો. કાંતિ સિંહને 56,905 મત મળ્યા હતા, જ્યારે અવિનાશ સિંહને 39,778 મત મળ્યા હતા.
વારાણસીમાં સપાની મજબૂત સ્થિતિ
વારાણસી સ્નાતક મતવિસ્તારમાં સપાના આશુતોષ સિંહાએ ભાજપના કેદારનાથ સિંહ સામે 7,195 મતની સરસાઈ મેળવી હતી. ચોથા તબક્કાની ગણતરી બાદ આશુતોષ સિંહાને 22,599 પ્રેફરન્શિયલ મત મળ્યા હતા, જ્યારે કેદારનાથ સિંહને 15,404 મત મળ્યા હતા. મીરઠ સ્નાતક મતવિસ્તારમાં ભાજપના દિનેશ કુમાર ગોયલ સપાના પરમેન્દ્ર સિંહ સામે આશરે 13,000 મતથી જીત્યા હતા. આગ્રા સ્નાતક બેઠક પર ભાજપના મનવેન્દ્ર પ્રતાપ સિંહે સપાના શશાંક યાદવને 8,856 મતથી હરાવ્યા હતા. અલાહાબાદ-ઝાંસી સ્નાતક બેઠક પર સપાના માનસિંહ યાદવે ભાજપના અશોક કુમાર રાઠૌરને 27,663 મતથી હરાવી બેઠક જાળવી રાખી હતી.
શિક્ષક મતવિસ્તારમાં ભાજપ અને સપાની જીત
લખનઉ શિક્ષક બેઠક પર ભાજપના ઉમેશ દ્વિવેદીએ સપાના સુશીલ કુમારને 4,808 મતથી હરાવ્યા હતા. વારાણસી શિક્ષક બેઠક પર સપાના લાલ બિહારી યાદવે ભાજપના પ્રમોદ મિશ્રાને 4,898 મતથી હરાવી બેઠક જાળવી રાખી હતી. ભાજપે મીરઠ અને બરેલી-મુરાદાબાદ શિક્ષક બેઠકો પણ જાળવી રાખી હતી. મીરઠમાં શ્રીચંદ શર્માએ સપાના નીતિન તોમરને 13,241 મતથી હરાવ્યા હતા, જ્યારે બરેલી-મુરાદાબાદમાં હરિ સિંહ ધિલ્લોને સપાના દાનિશ અખ્તરને 17,676 મતથી હરાવ્યા હતા.




