સોનિયા-રાહુલ ગાંધીએ રૂ.2000 કરોડની સંપત્તિ હડપવાનું ષડયંત્ર રચ્યું હતું, નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણીમાં EDનો દાવો
National Herald Case : દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં દાવો કરાયો છે કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ લગભગ 2000 કરોડ રૂપિયાની સંપત્તિ હડપવાનું ષડયંત્ર રચ્યું હતું. ઈડી તરફથી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ વી. રાજૂએ દાવો કર્યો કે, કોંગ્રેસ પાર્ટી ઍસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ(AJL)ની લગભગ 2000 કરોડ રૂપિયાની સંપત્તિ હડપવા માંગતી હતી.
સોનિયા અને રાહુલ ગાંધીને રૂ.142 કરોડની કમાણી કરી
ઈડીના વકીલે દલીલ કરી કે, કોંગ્રેસ પાસેથી લીધેલા 90 કરોડ રૂપિયાના દેવાની ભરપાઈ કરવા માટે 2,000 કરોડ રૂપિયાની સંપત્તિ હડપ કરવા માટે, યંગ ઇન્ડિયન બનાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો 76% હિસ્સો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ કહેવાથી એજેએલને જાહેરાતના નાણાં પણ અપાયા હતા અને તે બનાવટી કંપનીથી જે આવક થઈ, તે ગુનાની કમાણી હતી. 21 મેની સુનાવણી વખતે ઈડીએ કહ્યું હતું કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ મની લોન્ડ્રી દ્વારા 142 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી છે.
સોનિયા આરોપી નંબર-1, રાહુલ નંબર-2
ઈડીએ મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળની ફરિયાદમાં સોનિયાગાંધીને આરોપી નંબર-1 અને રાહુલ ગાંધીને આરોપી નંબર-2 દર્શાવ્યા છે. આ ઉપરાંત અન્ય પાંચ લોકોને પણ કેસમાં આરોપી બનાવ્યા છે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી કેસમાં મુખ્ય આરોપી છે. સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગ આ હાઇપ્રોફાઇલ કેસની સુનાવણી કરી રહ્યા છે. એજેએલ નેશનલ હેરાલ્ડ સમાચાર પત્ર પ્રકાશિત કરતું હતું, તેની સ્થાપના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ કરી હતી.
નેશનલ હેરાલ્ડ, એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ અને યંગ ઈન્ડિયનનો મામલો યંગ ઈન્ડિયાના માલિકો અને મોટાભાગના શેર ધારકો (સોનિયા અને રાહુલ) દ્વારા એજેએલની 2000 કરોડ રૂપિયાની સંપત્તિ ગેરકાયદેસર રીતે હાંસલ કરવા માટે રચવામાં આવેલ ષડયંત્ર સાથે સંકળાયેલો છે.
શું છે નેશનલ હેરાલ્ડ કેસ?
નેશનલ હેરાલ્ડ અખબારની સ્થાપના 1938માં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવી હતી. તે સ્વતંત્રતા સંગ્રામનું પ્રતીક હતું, તે ઍસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ એટલે કે AJL દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. 2008માં નાણાકીય કટોકટી પછી આ અખબાર બંધ થઈ ગયું હતું અને અહીંથી આ વિવાદ શરુ થયો હતો. 2010માં યંગ ઇન્ડિયા પ્રાયવેટ લિમિટેડ (YIL) નામની એક કંપનીની રચના કરવામાં આવી, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો 38-38% હિસ્સો છે. આ કેસમાં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2012માં આરોપ મૂક્યો હતો કે YIL એ AJLની 2000 કરોડ રૂપિયાથી વધુની મિલકતો માત્ર 50 લાખ રૂપિયામાં હસ્તગત કરી હતી. તેમની વિરુદ્ધ છેતરપિંડી અને મની લોન્ડરિંગનો કેસ કરવાની માગ કરી હતી.