સિદ્ધારમૈયા જ પાંચ વર્ષ સુધી રહેશે મુખ્યમંત્રી, ડી.કે.શિવકુમારના નિરાશાજનક નિવેદનથી થઈ ગયું ફાઈનલ
Karnataka CM Siddaramaiah Row : છેલ્લા કેટલાક દિવસથી કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની ચાલી રહેલી ચર્ચાઓ પર બુધવારે (2 જુલાઈ) પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. સિદ્ધારમૈયા જ પાંચ વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી રહેશે, તે મુખ્યમંત્રીની રેસમાં સામેલ નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારના નિરાશાજનક નિવેદનથી ફાઈનલ થઈ ગયું છે. સિદ્ધારમૈયાએ દાવો કર્યો છે કે, ‘હું જ પાંચ વર્ષ સુધી કર્ણાટકના મુખ્યમંત્રી પદ પર યથાવત્ રહીશ, તેમાં કોઈપણ અટકળો અને અફવાઓ અચડણો ઉભી કરી શકશે નહીં.’ સિદ્ધારમૈયાના આ નિવેદન બાદ ડી.કે.શિવકુમારે જાહેરમાં પ્રતિક્રિયા આપી છે.
મારી પાસે અન્ય કોઈ રસ્તો નથી : ડી.કે.શિવકુમાર
નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે (D.K.Shivakumar) મીડિયાના સવાલોનો જવાબ આપતા કહ્યું કે, ‘મારી પાસે અન્ય કોઈ રસ્તો નથી. મારી પાસે શું વિકલ્પ છે? મારે તેમની સાથે ઉભું રહેવાનું છે અને તેમને સાથ આપવાનો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે મારો કોઈ સવાજ ઉઠતો નથી. મેં મારા પક્ષમાં બોલવા કોઈને કહ્યું નથી. જ્યારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે, તો આવી કોઈ વાતનો સવાલ જ ઉઠતો નથી. સિદ્ધારમૈયા પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહે, તે પર મને કોઈ વાંધો નથી. પાર્ટી હાઈકમાન્ડ જે પણ કહેશે અને જે નિર્ણય કરશે, તેનું પાલન કરવામાં આવશે. હું હાલ કોઈપણ ચર્ચા કરવા માંગતો નથી. લાખો કાર્યકર્તાઓ પાર્ટીનું સમર્થન કરી રહ્યા છે.’
સિદ્ધારમૈયાએ શું કહ્યું હતું?
સિદ્ધારમૈયાએ બુધવારે (2 જુલાઈ)એ કહ્યું હતું કે, ‘હું જ મુખ્યમંત્રી રહેવાનો છું. તમને કોઈ આશંકા છે?’ તેમણે ભાજપ અને જેડીએસ મુખ્યમંત્રી બદલવાની અફવા ફેલાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ પહેલા કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય એચ.એ.ઈકબાલ હુસેને દાવો કર્યો હતો કે, ‘કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારને આગામી બે-ત્રણ મહિનામાં રાજ્યના મુખ્યમંત્રી બનવાની તક મળી શકે છે.’ આ નિવેદન બાદ સિદ્ધારૈયાને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અટકળો શરુ થઈ ગઈ હતી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે સિદ્ધારમૈયા અને શિવકુમારના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, કર્ણાટકમાં કોઈપણ નેતૃત્વ પરિવર્તન થવાનું નથી.
ડી.કે.શિવકુમાર જ બનશે મુખ્યમંત્રી, ફરી બોલ્યા હુસૈન
બીજીતરફ કોંગ્રેસના ધારાસભ્ય ઈકબાલ હુસૈન ફરી કહ્યું કે, ‘તેમાં કોઈ શંકા જ નથી, 200 ટકા, બે મહિનામાં ડી.કે.શિવકુમાર જ મુખ્યમંત્રી બનશે. જો પાર્ટી ટકી રહેવા માંગતી હોય, જો આપણે 2028 માં કોંગ્રેસને સત્તામાં જોવા માંગતી હોય, તો આપણને પરિવર્તનની જરૂર છે. આપણને સારા વહીવટની જરૂર છે. આ યોગ્ય સમય છે. શિવકુમારે પાર્ટીમાં અદ્ભુત યોગદાન આપ્યું છે. 2028માં કોંગ્રેસ સત્તામાં આવે તે માટે તેમને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. આ મોટાભાગના ધારાસભ્યોનો અભિપ્રાય છે. આપણે આપણા ભવિષ્ય અને આપણી પાર્ટી વિશે પણ વિચારવું પડશે. ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાનો આ યોગ્ય સમય છે."
#WATCH | Bengaluru, Karnataka | Congress MLA Iqbal Hussain says, "Undoubtedly, 200%, he (DK Shivakumar) will be the CM (of Karnataka) within two months... If the party wants to survive, if we want to see Congress in power in 2028, we need a change. We need a good administration.… pic.twitter.com/rJ6PJB8RdN
— ANI (@ANI) July 2, 2025
ખડગેએ સીએમ બદલવાની અટકળોને રદીયો આપ્યો
કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની અટકળોનું રાજકારણ શરૂ થયા બાદ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ મેદાનમાં આવવું પડ્યું હતું. સીએમ બદલવાનો પ્રશ્ન પૂછવામાં આવતા ખડગેએ અટકળોને રદીયો આપી દીધો હતો. ખડગેએ સીધો જવાબ આપવાના બદલે કહ્યું હતું કે, તેનો નિર્ણય હાઈકમાન્ડ કરશે. હાઈકમાન્ડ શું વિચારી રહ્યા છે, તે કોઈ વિચારી ન શકે. તેમને નિર્ણય લેવાનો અધિકાર છે.