For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સોનિયા ગાંધીનું રાજીનામું, ગેહલોત બનશે નવા કોંગ્રેસ પ્રમુખ : રિપોર્ટ

Updated: Aug 6th, 2022

Article Content Image

- રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે

નવી દિલ્હી, તા. 06 ઓગષ્ટ 2022, શનિવાર

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મીડિયા રિપોર્ટ દ્વારા આ જાણકારી સામે આવી રહી છે કે, સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. 

વર્ષ 2019માં લોકસભા ચૂંટણી હાર્યા બાદ તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની જવાબદારી લેતા અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધુ હતું. ત્યારબાદ ફરીથી સોનિયા ગાંધીને વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સતત કોંગ્રેસની અંદર જ રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવાની માગ ઉઠી રહી હતી પરંતુ રાહુલે જવાબદારી લેવાથી સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. 

રાહુલ ગાંધી હજુ પણ કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. સંગઠન ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. સપ્ટેમ્બર/ઓક્ટોબરમાં નવા અધ્યક્ષની પસંદગી કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે પરંતુ રાહુલે અત્યાર સુધી સ્પષ્ટ જવાબ નથી આપ્યો. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં અધીર રંજન ચૌધરીના સવાલ પર રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ સંભાળવાની સંભાવના પર વિચાર કરવા કહ્યું હતું.

એટલા માટે જ પાર્ટી અશોક ગહેલોતના નામ પર પણ વિચાર કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં પાર્ટી મામલે તેમની સક્રિયતા વધી છે. જોકે, અશોક ગહેલોત રાજસ્થાનનું CM પદ છોડવા નથી માગતા. પરંતુ પાર્ટીમાં મંથન ચાલું છે અને રાહુલ ગાંધીને મનાવવાની પ્રયત્ન કરવામાં આવશે. પરંતુ જો રાહુલ ગાંધી ઈનકાર કરી દે તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતને અધ્યક્ષ બનાવવાની સંભાવના પર મંથન થઈ રહ્યું છે. 

તમને જણાવી દઈએ કે, આ મહિને 20 ઓગષ્ટના રોજ કોંગ્રેસ સંગઠનમાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ રહી છે. આ સંબંધે કોંગ્રેસની ચૂંટણી સમિતિના વડા મધુસૂદન મિસ્ત્રી બુધવારે દિલ્હી આવી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના મીડિયા વિભાગ દ્વારા આ મામલે સવાલ પૂછવા પર કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો. જ્યારે રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ છોડ્યું ત્યારે તેમણે પાર્ટી માટે ગાંધી પરિવારના ના હોય એવા અધ્યક્ષની નિમણૂક માટે સમર્થન આપ્યું હતું. ત્યારબાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ વાસનિકનું નામ અધ્યક્ષ પદ માટે સામે આવ્યું હતું. પરંતુ બાકી ઘણા નેતાઓએ સોનિયા ગાંધીને વિનંતી કરીને તેમને વચગાળાના અધ્યક્ષ બનવા માટે રાજી કર્યા હતા. 


Gujarat