Get The App

સોનમ વાંગચુક ‘ટાઈમ’ મેગેઝિનના 100 મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ ક્લાઈમેટ લીડર્સ 2025ની યાદીમાં સામેલ

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
Sonam Wangchuk

Sonam Wangchuk honoured by Time : TIME મેગેઝિન દ્વારા ‘ધ 100 મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ ક્લાઈમેટ લીડર્સ 2025’ની યાદી જાહેર કરાઇ છે. આ ક્લાઇમેટ લીડર્સમાં ભારતીય પર્યાવરણવિદ્ સોનમ વાંગચુકની પણ પસંદગી કરાઇ છે. મેગેઝિને વાંગચુકને આ યાદીમાં સ્થાન આપવા અંગે કહ્યું કે, ‘સોનમ વાંગચુક ભારતના જાણીતા એન્જિનિયર, શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર છે.’ જો કે, તેઓ છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી દેશની સુરક્ષા સામેના ખતરાના આરોપસર જેલમાં બંધ છે. આ દરમિયાન વાંગચુકના પત્નીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી સરકાર પર પ્રહાર કર્યો છે. 

વાંગચુકની પત્નીના સરકાર પર પ્રહાર

નોંધનીય છે કે, લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વિરોધ કરતી વખતે, ગયા મહિને જ સોનમ વાંગચુકની ધરપકડ કરાઈ હતી. જે પછી હવે TIME દ્વારા સન્માન અપાતા વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગમોએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકતા લખ્યું છે કે, ‘ટાઈમ મેગેઝિને દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં વાંગચુકને સામેલ કર્યા છે અને આપણી સરકાર તેમને એન્ટિ નેશનલ કહી રહી છે. તેઓ કહે છે કે, વાંગચુકથી દેશની સુરક્ષાને ખતરો છે.’


પર્યાવરણવિદ્ તરીકે વાંગચુકની કામગીરી

નોંધનીય છે કે, વાંગચુકે કૃત્રિમ ગ્લેશિયર બનાવવાની ટેકનિક શોધીને લદાખની પાણીની તંગીની મુશ્કેલીને હળવી કરી દીધી છે. આ ઉપરાંત તેઓ છેલ્લા એક દાયકાથી પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાઓ તેમજ પર્યાવરણની જાળવણી અંગે કામગીરી કરી રહ્યા હતા. તેમણે સ્થાનિક લોકો માટે ઇકો-ફ્રેન્ડલી રહેઠાણ, ઓર્ગેનિક ખેતી અને સોલાર વિલેજ જેવા પ્રોજેક્ટ્સ પર પણ કામ કર્યું. તેમણે એક યુનિવર્સિટીની સ્થાપન કરી હતી, જે યુવાનોને શિક્ષણ, સંસ્કૃતિ અને પર્યાવરણ સામેના પડકારો દૂર કરવા અંગે ટ્રેનિંગ આપે છે. 

આ પણ વાંચોઃ AIની રેસમાં એપલ પછડાયું, એપલ ઇન્ટેલિજન્સમાં અન્ય AI મોડલને પણ સપોર્ટ આપશે

ભારતીય સેના માટે સોલાર ટેન્ટ્સ પણ બનાવ્યા

લદાખ અને સિયાચિન જેવા વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડીમાં ભારતીય સૈનિકોને માઇનસ 20 થી માઇનસ 40 ડિગ્રી સુધીના તાપમાનમાં ફરજ નિભાવવી પડે છે. સોનમ વાંગચુકે વર્ષ 2020માં ભારતીય સૈનિકોને ઠંડીથી રક્ષણ આપવા માટે સોલાર હીટેડ મિલિટરી ટેન્ટ વિકસાવ્યું હતું. જે દિવસ દરમિયાન સૂર્યની ગરમી સંગ્રહ કરે છે અને રાતે માઇનસ 14 ડિગ્રી જેટલા તાપમાનમાં પણ ટેન્ટની અંદર 15 ડિગ્રી જેટલું તાપમાન જાળવે છે. 

આ પણ વાંચોઃ ‘એશિયા કપની ટ્રોફી બે દિવસમાં ભારત આવશે, નહીં તો...’ મોહસિન નકવી વિરુદ્ધ BCCIનો ‘એક્શન પ્લાન’ તૈયાર

સોનમ વાંગચુકની ધરપકડ કેમ કરાઇ?

નોંધનીય છે કે, સોનમ વાંગચુક છેલ્લા કેટલાક સમયથી લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા સહિતની માગો સાથે વિરોધ કરી રહ્યા હતા. આ મુદ્દે તેઓ 10 સપ્ટેમ્બર, 2025થી ભૂખ હડતાળ પણ શરૂ કરી હતી અને 24 સપ્ટેમ્બરે લેહ બંધનું આહ્વાન કર્યું હતું. જો કે, પછીથી આ આંદોલન હિંસક બની ગયું હતું. જે પછી પોલીસે સોનમ વાંગચુકની ધરપકડ કરી હતી. 

NSA હેઠળ કરાઇ કાર્યવાહી

ગૃહ મંત્રાલયે હિંસા માટે સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા હતા. જે પછી રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ તેમની ધરપકડ કરાઇ હતી. સરકારનો આરોપ છે કે દેખાવકારો હિંસક બન્યા અને બેકાબૂ થઈ ગયા ત્યારે સોનમ વાંગચુકે કોઈને રોક્યા નહીં અને ધરણાસ્થળથી ઉઠીને ચૂપચાપ જતા રહ્યા હતા. આ સિવાય તેમના કેટલાક નિવેદનોને પણ હિંસાનું કારણ માનવામાં આવે છે.