Get The App

‘એશિયા કપની ટ્રોફી બે દિવસમાં ભારત આવશે, નહીં તો...’ મોહસિન નકવી વિરુદ્ધ BCCIનો ‘એક્શન પ્લાન’ તૈયાર

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
‘એશિયા કપની ટ્રોફી બે દિવસમાં ભારત આવશે, નહીં તો...’ મોહસિન નકવી વિરુદ્ધ BCCIનો ‘એક્શન પ્લાન’ તૈયાર 1 - image


Asia Cup 2025 Trophy Controversy : એશિયા કપની ટ્રોફીને લઈને હજુ પણ ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આ અંગે મહત્ત્વનું અપડેટ સામે આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને આશા છે કે, ટ્રોફી બે દિવસમાં મુંબઈ હેડક્વાર્ટર ખાતે પહોંચી જશે. જો વિવાદ યથાવત્ રહેશે તો ભારતીય બોર્ડ ચાર નવેમ્બરના રોજ આઈસીસી સમક્ષ મુદ્દો ઉઠાવશે. 

જીતને એક મહિને વીતી ગયો

વાસ્તવમાં એશિયા કપની ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવીને ટ્રોફી જીતી હતી, જોકે આ દરમિયાન ભારતીય ટીમે પાકિસ્તાનના ગૃહમંત્રી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ICC) તેમજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નક્વી (Mohsin Naqvi) પાસેથી ટ્રોફી લેવાનો ઈન્કાર કરી દીધો હતો. આ ઉપરાંત પહલગામ હુમલાના કારણે બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા સંબંધોના કારણે એશિયા કપની મેચો દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાને હાથ મિલાવવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ ભારતીય ટીમે પણ ત્રણ મેચોમાં પાકિસ્તાનના ખેલાડીઓને હાથ મિલાવ્યા ન હતા. નક્વીએ પહેલા જ કહ્યું હતું કે, ટ્રોફી તો હું જ ભારતને આપીશ. જીતને એક મહિનો વીતી ગયા પછી પણ બીસીસીઆઈને હજી સુધી ટ્રોફીના સત્તાવાર હસ્તાંતરણની રાહ જોવી પડી છે.

BCCIના સંયુક્ત સચિવે એશિયા કપની ટ્રોફી પર આપ્યું અપડેટ

બીસીસીઆઈના સંયુક્ત સચિવ દેવજીત સૈકિયા (Devajit Saikia)એ પીટીઆઈને કહ્યું છે કે, ‘હા, અમને થોડી નિરાશા છે કે એક મહિનો વીતી ગયો હોવા છતાં અમને ટ્રોફી અપાઈ નથી. અમે લગભગ 10 દિવસ પહેલા એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષને આ અંગે પત્ર પણ લખ્યો હતો, પરંતુ તેમના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. તેઓ હજી પણ ટ્રોફી પોતાની પાસે રાખી રહ્યા છે, પરંતુ અમને આશા છે કે આગામી એક-બે દિવસમાં ટ્રોફી BCCIની મુંબઈ ઓફિસ પહોંચી જશે. જો ટ્રોફી ટૂંક સમયમાં નહીં સોંપાય તો BCCI આ મામલો ચોથી નવેમ્બરથી દુબઈમાં શરૂ થઈ રહેલી ICCની ત્રિમાસિક બેઠકમાં ઉઠાવશે.’

આ પણ વાંચો : Ind vs Aus T20: ઓસ્ટ્રેલિયાએ ભારતને ચાર વિકેટે હરાવ્યું, 126 રનનું લક્ષ્ય કર્યું સહેલાઈથી ચેઝ

ટ્રોફી ચોર નક્વીની હજુ પણ નૌટંકી

દુબઈમાં ટ્રોફી આપવાના કાર્યક્રમ દરમિયાન એક કલાકથી વધુનો વિલંબ થયો હતો. પાછળથી કોઈપણ સ્પષ્ટતા કર્યા વગર ટ્રોફીને મેદાનમાંથી લઈ જવાઈ હતી, જેના કારણે ભારતીય ટીમે ટ્રોફી વિના જ ઐતિહાસિક જીતની ઉજવણી કરી હતી, જે ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું હતું. બીજી તરફ BCCI એ સત્તાવાર રીતે ટ્રોફી પાછી આપવાની માંગ કરી છે, પરંતુ રિપોર્ટ મુજબ ટ્રોફી ન આપવાની કરતૂત કરનારા નકવી હજુ પણ નૌટંકી કહી રહ્યા છે કે, ભારતીય ખેલાડીઓ આગામી કાર્યક્રમ દરમિયાન વ્યક્તિગત રીતે ટ્રોફી આવીને લઈ લે.

ટ્રોફીના મુદ્દાને ઉકેલવા બીસીસીઆઈ સંપૂર્ણ તૈયાર : સૈકિયા

સૈકિયાએ કહ્યું છે કે, ‘ટ્રોફીના મુદ્દાને કેવી રીતે ઉકેલવામાં આવે, તે ઉકેલવા માટે બીસીસીઆઈ તરફથી અમે સંપૂર્ણ તૈયાર છીએ. હું દેશવાસીઓને આશ્વાસન આપું છું કે, ટ્રોફી ભારત જરૂર આવશે, માત્ર સમય નક્કી નથી. એક દિવસ તે જરૂર આવશે. આપણે પાકિસ્તાન વિરુદ્ધની તમામ મેચો જીતી છે અને ચેમ્પિયન બન્યા છીએ. બધુ જ રેકોર્ડ પર છે, માત્ર ટ્રોફી ગાયબ છે. મને આશા છે કે, વિવેકપૂર્ણ નિર્ણય લેવાશે.’

આ પણ વાંચો : ભારતની મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો, ઓસ્ટ્રેલિયાને હરાવીને પહોંચી વર્લ્ડકપ ફાઇનલમાં

Tags :