Get The App

AIની રેસમાં એપલ પછડાયું, એપલ ઇન્ટેલિજન્સમાં અન્ય AI મોડલને પણ સપોર્ટ આપશે

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
AIની રેસમાં એપલ પછડાયું, એપલ ઇન્ટેલિજન્સમાં અન્ય AI મોડલને પણ સપોર્ટ આપશે 1 - image


Apple Partnership with Google: એપલ AIની રેસમાં ખૂબ જ પાછળ છે. સેમસંગ અને ગૂગલ જેવી કંપનીઓ AIની રેસમાં ખૂબ જ આગળ નીકળી ગઈ છે. ગેલેક્સી અને પિક્સેલ મોડલમાં AIને લગતાં ઘણાં ફીચર્સ છે જે આઇફોનમાં દૂર-દૂર સુધી નથી. આ તમામની વચ્ચે એપલના CEO ટિમ કૂકે કહ્યું કે તેઓ બહુ જલદી એપલ ઇન્ટેલિજન્સમાં અન્ય AI મોડલને સપોર્ટ આપશે. એપલ ઘણાં સમયથી તેના વોઇસ આસિસ્ટન્ટ સિરીને અપગ્રેડ કરવાની કોશિશ કરી રહ્યું છે. સિરીને આવતાં વર્ષે લોન્ચ કરવામાં આવે એવું બની શકે છે. અત્યારે એપલ દ્વારા સિરીમાં ચેટજીપીટીનો સપોર્ટ આપ્યો છે, પરંતુ હવે બહુ જલદી અન્ય AI મોડલ પણ જોવા મળશે.

એપલ ઇન્ટેલિજન્સમાં અન્ય AI મોડલની જરૂર કેમ પડી?

એપલ દ્વારા પોતાનું એપલ ઇન્ટેલિજન્સ લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે એમાં જોઈએ એવા ખાસ ફીચર્સ નથી. એપલ દ્વારા AIના ખૂબ જ સામાન્ય ફીચર્સ આપી દેવામાં આવ્યાં છે. અન્ય AI મોડલ દ્વારા હવે તેમનું ચેટબોટ યુઝર્સ સાથે વાતચીત પણ કરી શકે છે. જોકે એપલ તેના સિરીને એટલું સક્ષમ હજી સુધી નથી બનાવી શક્યું. આ માટે તેઓ ખૂબ જ કામ કરી રહ્યાં છે અને સિરીના નવા વર્ઝનને આવતાં વર્ષે લોન્ચ કરશે એવા એંધાણ છે. જોકે AIના ફીચર્સ વધુ ન આપી શકતાં હવે એમાં નવા AI મોડલનો સમાવેશ કરવામાં આવશે.

ચેટજીપીટી બાદ હવે ગૂગલનું જેમિનીને સપોર્ટ આપવામાં આવશે

એપલના સોફ્ટવેરના વાઇસ પ્રેસિડન્ટ ક્રેગ ફેડેરિઘીએ ગયા વર્ષે કહ્યું હતું કે એપલ હવે તેમની ઓપરેટિંગ સિસ્ટમમાં નવા AI મોડલનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે. એમાં ગૂગલ જેમિનીનો પણ સમાવેશ થશે. આ વાતની ટિમ કૂકે પણ પુષ્ટિ આપી છે. ટિમ કૂકે કહ્યું છે કે એપલ દ્વારા સિરીમાં ખૂબ જ સારી પ્રગતિ કરવામાં આવી રહી છે. ટિમ કૂકના જણાવ્યા અનુસાર તેમનો AIને લઈને જે ઉદ્દેશ છે એમાં જો જરૂર પડે તો તેઓ અન્ય AI મોડલ સાથે પાર્ટનરશિપ કરીને પણ તેમના યુઝર્સને નવા ફીચર્સ રજૂ કરશે.

આ પણ વાંચો : ગૂગલનો મોટો દાવો, આઇફોન કરતાં વધુ સારી રીતે સ્કેમને રોકી શકે છે એન્ડ્રોઇડ

રેવેન્યુમાં વધારો

એપલ દ્વારા હાલમાં જ તેમના ચોથા ક્વાર્ટરના બિઝનેસ વિશે જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા થોડા મહિનામાં તેમણે 102.5 બિલિયન અમેરિકન ડોલરનું રેવેન્યુ જનરેટ કર્યું છે. ગયા વર્ષના આ મહિનાની સરખામણીએ એમાં 8 ટકાનો વધારો છે. એપલે બિઝનેસમાં તો વધારો કર્યો છે, પરંતુ હજી સુધી તેઓ AIમાં આગળ નથી વધી શક્યા. તેઓ સિરીના નવા વર્ઝન દ્વારા ઘણાં AI ફીચર્સને લોન્ચ કરશે એવી આશા રાખવામાં આવી રહી છે.

Tags :