For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશમાં આર્મીના જવાનોને નવો કોમ્બેટ યુનિફોર્મ મળ્યો

ભારતીય સૈન્યે ૭૪મો સેના દિવસ ઊજવ્યો

સૈન્યના નવા યુનિફોર્મની તસવીરોને ફિલ્ટર લગાવી શ્રીલંકાના લિટ્ટે જેવો દર્શાવાતા વિવાદ સર્જાયો

Updated: Jan 15th, 2022

દેશમાં આર્મીના જવાનોને નવો કોમ્બેટ યુનિફોર્મ મળ્યો
નવી દિલ્હી, તા. ૧૫
દેશમાં ૭૪મા સેના દિવસ પ્રસંગે પહેલી વખત ભારતીય સૈન્યને નવો કોમ્બેટ યુનિફોર્મ મળ્યો છે. રાજધાની દિલ્હીના કેન્ટમાં સેના દિવસની વાર્ષિક પરેડમાં પેરાશૂટ રેજિમેન્ટના કમાન્ડોએ નવો યુનિફોર્મ પહેરીને માર્ચ પોસ્ટ કરી હતી.
કેન્ટ સ્થિત કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડમાં ભૂમી દળના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવાણેને સલામી આપવા માટે પેરા-એસએફ (સ્પેશિયલ ફોર્સ)ના કમાન્ડોની ટીમ નવા યુનિફોર્મ સાથે સામે આવી હતી. યુદ્ધના મેદાન અને ફિલ્ડ પોસ્ટિંગ દરમિયાન હવે જવાનો આ નવો યુનિફોર્મ પહેરશે. ભારતીય સૈન્યના નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (એનએફઆઈટી)ની મદદથી આ ડિજિટલ યુનિફોર્મ તૈયાર કરાયો છે.
દેશના રણ, જંગલ અને પર્વત જેવી અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ મલ્ટી ટેરેન પેટર્નનો યુનિફોર્મ તૈયાર કરાયો છે. અંદાજે એક-દોઢ વર્ષ પહેલાં ભૂમી દળે નવા કોમ્બેટ યુનિફોર્મ પર એક સ્ટડી ગુ્રપની રચના કરી હતી. આ ગુ્રપે એક વર્ષમાં અનેક દેશોના સૈન્યના યુનિફોર્મ અંગે અભ્યાસ કરીને નવો કોમ્બેટ યુનિફોર્મ તૈયાર કર્યો છે. આ સૈન્યનો કોમ્બેટ યુનિફોર્મ છે. અન્ય ઓફિસ યુનિફોર્મ અને સેરેમોનિયલ વગેરે યુનિફોર્મ પહેલાંની જેમ જ રહેશે. નવો યુનિફોર્મ અમેરિકન સૈન્યના કોમ્બેટ યુનિફોર્મની જેમ તૈયાર કરાયો છે. નવા યુનિફોર્મનું ફેબ્રિક પહેલાંના યુનિફોર્મ કરતાં લાઈટ હોવા છતાં વધુ મજબૂત છે. જવાનોએ આ જેકેટ જેવા યુનિફોર્મના ગોળ ગળાની કોમ્બેટ ટી-શર્ટ પણ પહેરવી પડશે. આ સિવાય કેપ પણ નવી ડિઝાઈન કરાઈ છે.
સૈન્યના નવા યુનિફોર્મ અંગે વિવાદ પણ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર સૈન્યના નવા કોમ્બેટ યુનિફોર્મ અંગે ખોટી તસવીરો ફેલાવાઈ રહી છે અને નવો યુનિફોર્મ શ્રીલંકાના આતંકી સંગઠન તામિલ વ્યાઘ્રો (લિટ્ટે) જેવો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જોકે, સરકારે આ અંગે ખુલાસો કર્યો કે, નવો યુનિફોર્મ કેમુફ્લાઝ પેટર્ન પર બનાવાયો છે, પરંતુ ફિલ્ટર લગાવીને તેની છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

Gujarat