India

હોસ્ટેલમાં કાળ બનીને આવ્યો સાપ! છ વિદ્યાર્થીઓને ડંખ માર્યો, ત્રણના મોત

By GS Team
10 Aug 20263 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એક આશ્રમશાળાની હોસ્ટેલમાં ઝેરી સાપે 6 વિદ્યાર્થીનીઓને ડંખ મારતાં અરેરાટી વ્યાપી છે. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં 3 વિદ્યાર્થીનીઓનાં કરુણ મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય 3ની હાલત ગંભીર છે. ધોરણ 5 થી 8માં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીનીઓ એક જ રૂમમાં સૂતી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોસ્ટેલમાં કાળ બનીને આવ્યો સાપ! છ વિદ્યાર્થીઓને ડંખ માર્યો, ત્રણના મોત

Maharashtra Snake Bite News: મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એક દુ:ખદ ઘટના ઘટી છે. અહીં એક આશ્રમશાળાની હોસ્ટેલમાં ઝેરી સાપે 6 વિદ્યાર્થીનીઓને ડંખ માર્યો હતો. તમામ વિદ્યાર્થીનીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જે પૈકી 3 વિદ્યાર્થીનીઓનાં મોત નિપજ્યાં છે, જ્યારે બાકીની વિદ્યાર્થીનીઓની સારવાર ચાલી રહી છે. આ કરૂણ ઘટનાને પગલે વિદ્યાર્થીનીઓના પરિવારજનોમાં ભારે અરેરાટી સાથે શોકની લહેર ફેલાઈ ગઈ છે. સાપના હુમલાનો ભોગ બનેલી તમામ વિદ્યાર્થીનીઓ ધોરણ 5 થી 8માં અભ્યાસ કરતી હતી.

હોસ્ટેલમાં કાળ બનીને આવ્યો સાપ

મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં સાપના કહેરની આ કાળજું કંપાવી દેનારી ઘટનાથી લોકોમાં ભય ફેલાયો છે. અહીં એક ખાનગી અનુદાનિત નિવાસી આશ્રમશાળાના હોસ્ટેલમાં મોડી રાત્રે તે સમયે અફરાતફરી મચી ગઈ હતી, જ્યારે સૂતેલી 6 વિદ્યાર્થીનીઓને એક પછી એક ઝેરી સાપે ડંખ માર્યો હતો. આ તમામ વિદ્યાર્થીનીઓ એક જ રૂમમાં સૂતી હતી, જ્યાં ઘૂસી આવેલા ઝેરી સાપે વારાફરતી તમામ પર હુમલો કર્યો હતો.

છ વિદ્યાર્થીનીઓને ડંખ માર્યો, ત્રણના મોત

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના ધનોરા તાલુકાના જપતલાઈ ગામમાં કુમ્પરલિંગો કલ્ચરલ એજ્યુકેશનલ રિસર્ચ સોસાયટી દ્વારા સંચાલિત નિવાસી આશ્રમશાળાના હોસ્ટેલમાં મોડી રાત્રે લગભગ 2:30 વાગ્યે ઘટી હતી. આ સમયે તમામ વિદ્યાર્થીનીઓ ઘેરી નિંદ્રામાં હતી. સાપે ડંખ માર્યા બાદ તરત જ તમામ વિદ્યાર્થીનીઓને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન 3 વિદ્યાર્થીનીઓએ દમ તોડ્યો હતો. જ્યારે અન્ય 3 વિદ્યાર્થીનીઓની સ્થિતિ ગંભીર છે અને તેમની સારવાર ચાલુ છે.
ઝેરી સાપના ડંખથી વિદ્યાર્થીનીઓના થયેલા કરૂણ મોત બાદ આશ્રમશાળામાં અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ છે. બીજી તરફ રાત્રિના સમયે શાળા પરિસર અને હોસ્ટેલમાં રહેતી છાત્રાઓની સુરક્ષા સામે પરિવારજનો દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સાપના ડંખના કારણે જીવ ગુમાવનાર વિદ્યાર્થીનીઓ ધોરણ 6થી 8માં અભ્યાસ કરતી હતી. જેમાં દીપિકા લકડા ધોરણ 6 અને સુષ્મિતા મંડળ ધોરણ 8માં ભણતી હતી, જ્યારે ત્રીજી મૃતક વિદ્યાર્થીની અનુ કોરેટી પણ જૂનિયર વર્ગની જ વિદ્યાર્થીની હતી.

બીજી તરફ સાપના ડંખથી હાલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી અને જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળની વિદ્યાર્થીનીઓમાં દીપિકા મદાવી (ધોરણ 5), કવિતા કિરંગા (ધોરણ 6) અને સમૃદ્ધિ નૈતામ (ધોરણ 8) સામેલ છે. તેમાં સમૃદ્ધિના શરીરમાં ઝેરની અસર વધુ ઘેરી થઈ હોવાથી તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘટના પર મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું

વિદ્યાર્થીનીઓને સાપ કરડવાની ઘટના સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ગઢચિરોલી જિલ્લાના પ્રભારી મંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે જ તેમણે આશ્રમશાળામાં બનેલી આ દુ:ખદ ઘટના અંગે અધિકારીઓ પાસેથી સમગ્ર રિપોર્ટ માગ્યો છે. હાલ પોલીસ હોસ્ટેલ ખાતે પહોંચી ગઈ છે અને વિદ્યાર્થીનીઓની સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સાથે ઘટનાની સઘન તપાસ ચલાવી રહી છે.

આ ઘટનાને રાજ્યના આદિવાસી વિકાસ મંત્રી અશોક ઉઈકે પણ ગંભીરતાથી લઈ અધિકારીઓને સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવવા સૂચના આપી છે. હાલ એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે શું વિદ્યાર્થીનીઓને હોસ્પિટલ પહોંચાડવામાં કોઈ વિલંબ થયો હતો?

આ આશ્રમશાળામાં મોટી સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીનીઓ રહીને અભ્યાસ કરે છે. આવી સ્થિતિમાં શાળા પરિસર અને હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા તેમજ ઈમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક તબીબી સારવાર પૂરી પાડવાની સુવિધા અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.