Get The App

15 ગામમાં મહિલાઓ માટે સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ, રાજસ્થાનની પંચાયતનું તઘલખી ફરમાન

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
15 ગામમાં મહિલાઓ માટે સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ, રાજસ્થાનની પંચાયતનું તઘલખી ફરમાન 1 - image


AI Image

Jalore ban on smartphones for women: રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં એક સામાજિક પંચાયતના નિર્ણયના કારણે વિવાદ છંછેડાઈ ગયો છે. ઝાલોરના ચૌધરી સમાજની પંચાયતે એક મોટો નિર્ણય લેતા 15 ગામોમાં તમામ યુવતીઓ માટે સ્માર્ટફોન (કેમેરાવાળા ફોન) વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ આદેશ મુજબ, કોઈ પણ મહિલા 26 જાન્યુઆરી પછી ફક્ત બેઝિક મોબાઈલ ફોનનો જ ઉપયોગ કરી શકશે.

અહીંના ગાઝીપુર ગામમાં રવિવારે સુજનરામ ચૌધરીના અધ્યક્ષસ્થાને સમાજની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે નક્કી કરાયું કે આગામી 26મી જાન્યુઆરીથી સમાજની દીકરીઓ અને પુત્રવધૂઓ સ્માર્ટફોનનો ઉપયોગ નહીં કરી શકે. આ નિયમ ઝાલોરના ગાઝીપુરા, પાવલી, કાલડા, મનોજિયાવાસ સહિત કુલ 15 ગામને લાગુ પડશે. મહિલાઓ લગ્ન પ્રસંગો, સામાજિક કાર્યક્રમો કે પડોશીના ઘરે જતી વખતે પણ સાથે મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. જો કોઈ મહિલાને વાત કરવી હોય તો તેને માત્ર બેઝિક કિ પેડ મોબાઈલ ફોન રાખવાની જ મંજૂરી મળશે. જો કે, અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ ઘરમાં અભ્યાસ માટે સ્માર્ટફોન વાપરી શકશે, પરંતુ ઘરની બહાર લઈ જઈ શકશે નહીં. 

પ્રતિબંધ મુદ્દે પંચાયતનો તર્ક 

આ નિર્ણય પાછળ પંચાયતે વિચિત્ર તર્ક આપતા કહ્યું છે કે, અનેક મહિલાઓ કામમાં વ્યસ્ત રહેવા માટે બાળકોને સ્માર્ટફોન આપી દે છે, જેના કારણે બાળકોની આંખો પર ખરાબ અસર પડી રહી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના વધતા વળગણને સામાજિક મર્યાદા માટે જોખમી ગણાવીને આ પ્રતિબંધ લદાયો છે.

વિરોધના સૂર પણ ઉઠ્યા પંચાયતના આ નિર્ણયની સોશિયલ મીડિયા અને અન્ય સામાજિક વર્તુળોમાં આકરી ટીકા થઈ રહી છે. લોકો આને વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ અને 'તુગલકી ફરમાન' ગણાવી રહ્યા છે. આધુનિક યુગમાં જ્યાં ડિજિટલ ઈન્ડિયાની વાતો થઈ રહી છે, ત્યાં આવા પછાત નિર્ણયો સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.