For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાંચ વર્ષમાં છ લાખ લોકોએ ભારતની નાગરિકતા જતી કરી

Updated: Nov 30th, 2021

Article Content Image

1.33 કરોડ ભારતીયો વિદેશમાં રહે છે : લોકસભામાં સરકારે આંકડા આપ્યા

પાંચ વર્ષમાં પાક.ના 7782 સહિત 10 હજારથી વધુ લોકોએ ભારતીય નાગરિક્તા માટે અરજી કરી, 4 હજારને માન્યતા

સીએએનો અમલ ગયા વર્ષથી લાગુ કરાયો, એનઆરસીના અમલનું હાલ કોઇ આયોજન નથી : કેન્દ્ર

નવી દિલ્હી : લોકસભામાં સરકારે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં છ લાખ ભારતીયોએ ભારતીય નાગરિક્તા છોડી હતી. રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે પ્રાપ્ત આંકડા અનુસાર આશરે 1.33 કરોડ ભારતીયો વિદેશમાં રહે છે. જે રીતે પાંચ વર્ષમાં છ લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી હતી તેવી જ રીતે પાંચ વર્ષમાં 10 હજારથી વધુ લોકોએ ભારતીય નાગરિક્તા માટે અરજી પણ કરી હતી. 

જે 10645 લોકોએ ભારતીય નાગરિક્તા માટે અરજી કરી હતી તેમાંથી 4177 લોકોની નાગરિક્તા માટેની માગણીને માન્ય રાખવામાં આવી છે અને તેમને ભારતીય નાગરિક્તા આપવામાં આવી છે.

જે 10645 લોકોએ ભારતીય નાગરિક્તા માટે અરજી કરી હતી તેમાંથી 227 અમેરિકા, 7782 પાકિસ્તાન, 795 અફઘાનિસ્તાન અને 184 બાંગ્લાદેશથી છે. જે ચાર હજારથી વધુ લોકોને ભારતીય નાગરિક્તા આપવામાં આવી છે તેમાંથી 1106ને 2016મા, 817ને 2017માં, 628ને 2018માં, 987ને 2019માં, 639ને 2020માં નાગરિક્તા આપવામાં આવી હતી. 

સરકારે સાથે એમ પણ જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં છ લાખથી વધુ ભારતીયોએ નાગરિક્તા જતી કરી છે. જેમાં 1,33,049 લોકોએ 2017માં, 134561એ 2018માં, 144017એ 2019માં, 85248એ 2020માં અને સપ્ટેમ્બર 2021 સુધીમાં 111287 લોકોએ ભારતીય નાગરિક્તા જતી કરી હતી.

કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે હાલ રાષ્ટ્રીય સ્તરે એનઆરસી એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સને લાગુ કરવાનું આયોજન નથી. જોકે નાગરિક્તા સુધારા કાયદાનો અમલ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં કરી દેવાયો હતો અને જે લોકો આ કાયદા અંતર્ગત લાયકાત ધરાવતા હોય તેઓ ભારતીય નાગરિક્તા માટે અરજી કરી શકે છે.

Gujarat