VIDEO : મણિપુર જેવી જ ભયાનકતા હવે બંગાળમાં ! સગીરા પર રેપ-મર્ડર બાદ ભારે આક્રોશ, ટોળાએ વાહનો સળગાવાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bengal Minor Girl Rape Murder Case : પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગના જિલ્લાના બરૂઈપુર વિસ્તારમાં એક 12 વર્ષની સગીરાનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા ભારે તણાવ ફેલાયો છે. પરિજનો અને સ્થાનિક લોકોએ સગીરા પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરાઈ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ થયા છે.
રોષે ભરાયેલા ટોળાએ શંકાસ્પદને ફટકાર્યો
રવિવારે સવારે જ્યારે તળાવમાંથી સગીરાનો મૃતદેહ બહાર કઢાયો ત્યારે સ્થાનિક લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ એક શંકાસ્પદ આરોપીને પકડીને જાહેરમાં ક્રૂરતાપૂર્વક ફટકાર્યો હતો. આ સિવાય ગુસ્સે ભરાયેલા લોકોએ સ્થળ પર પહોંચેલી પોલીસની ગાડીમાં ભારે તોડફોડ કરી હતી અને રસ્તા પર ટાયરો સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિસ્થિતિ વણસતા વિસ્તારમાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરાયો છે.
ભાજપ કાર્યકર્તાની અટકાયત અને SITની રચના
આ મામલામાં પોલીસે શાંતનુ મંડલ નામના અન્ય એક આરોપીની અટકાયત કરી છે, જે સ્થાનિક ભાજપ કાર્યકર્તા હોવાનું કહેવાય છે. ઘટનાની ગંભીરતાને જોતા બંગાળ સરકારે આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. આ ટીમ સમગ્ર ઘટનાક્રમ અને પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે. સગીરા શનિવારે સાંજે 4:30 વાગ્યે ઘરેથી સામાન લેવા નીકળી હતી અને ત્યારબાદ ગુમ થઈ ગઈ હતી.
અભિષેક બેનર્જીએ ભાજપ પર સાધ્યું નિશાન
આ ઘટનાને લઈને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના નેતા અભિષેક બેનર્જીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું કે, 'બીજેપી ફક્ત મહિલાઓની સુરક્ષામાં નિષ્ફળ નથી રહી, પરંતુ તેણે એવું વાતાવરણ બનાવી દીધું છે જ્યાં જઘન્ય ગુનાઓના આરોપીઓ પોતાને રાજકીય સંરક્ષણ મેળવેલા સમજવા લાગ્યા છે.' તેમણે વધુમાં ઉમેર્યું કે, 'જ્યારે ન્યાય ચયનાત્મક થઈ જાય અને આક્રોશ રાજકીય ચશ્માથી નક્કી થવા લાગે, ત્યારે માત્ર પીડિતા જ નહીં પરંતુ આખો સમાજ તેની કિંમત ચૂકવે છે. આ અત્યંત શરમજનક સ્થિતિ છે.'
અગાઉ મણિપુરમાં પણ બની હતી આવી ઘટના
બંગાળની આ ઘટનાએ દેશને ફરી એકવાર હચમચાવી દીધો છે. અગાઉ મણિપુરમાં પણ આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જ્યાં કુકી સમુદાયની બે મહિલાઓનો બે મહિના જૂનો વીડિયો 19 જુલાઈ-2023ના રોજ ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો. આ ઘટના 4 મેના રોજ ઘટી હતી. એ વીડિયો સામે આવ્યા બાદ જે રીતે દેશભરમાં ભારે આક્રોશ ફેલાયો હતો, તેવો જ રોષ અત્યારે બંગાળની આ ઘટનાને લઈને જોવા મળી રહ્યો છે.









