ફિનલેન્ડમાં 5 મેથી ગુમ હૈદરાબાદના વિદ્યાર્થીનો મૃતદેહ દરિયામાંથી મળી આવતા હડકંપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hyderabad student dead Finland: યુરોપના ફિનલેન્ડ દેશમાં ભણવા ગયેલા હૈદરાબાદના 18 વર્ષના વિદ્યાર્થી મણિદીપ રેડ્ડી ગુજ્જાનો મૃતદેહ ત્યાંની રાજધાની હેલસિંકીના દરિયામાંથી મળી આવ્યો છે. મણિદીપ ગત 5 મેથી અચાનક લાપતા થયો હતો અને આશરે બે મહિના બાદ તેનો મૃતદેહ મળ્યો હોવાની પુષ્ટિ પરિવારના વકીલે કરી છે. જોકે, આ સમગ્ર ઘટનાને શંકાસ્પદ ગણાવીને પરિવારે ફિનલેન્ડ પોલીસની તપાસ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને આ મામલે યોગ્ય ન્યાય માટે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
બે મહિના બાદ દરિયામાંથી મળ્યો મૃતદેહ
ફિનલેન્ડ સ્થિત ભારતીય દૂતાવાસે 10 જુલાઈના રોજ મણિદીપના પરિવારને સત્તાવાર માહિતી આપી હતી કે હેલસિંકીના દરિયાઈ વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો છે, જેની ઓળખ મણિદીપ રેડ્ડી તરીકે થઈ છે. આ સમાચાર સાંભળતા જ હૈદરાબાદમાં રહેતો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. પુત્ર લાપતા થયા બાદ તેના પિતા જી. મુથ્યમ રેડ્ડી અને માતા મમતા રેડ્ડીએ તેને શોધવા માટે તેલંગાણા હાઇકોર્ટના દરવાજા પણ ખખડાવ્યા હતા.
એન્જિનિયરિંગના અભ્યાસ માટે ગયો હતો વિદેશ
મણિદીપ ફિનલેન્ડની પ્રસિદ્ધ 'લાપીનરાંતા-લાહટી યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી' (LUT યુનિવર્સિટી)ના લાહટી કેમ્પસમાં બેચલર ઓફ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે યુનિવર્સિટી નજીકના રિતાનીમેનકાટુ વિસ્તારમાં રહેતો હતો. તે વર્ષ 2025માં જ ઉચ્ચ અભ્યાસ માટે ફિનલેન્ડ ગયો હતો. તેની માતાના જણાવ્યા અનુસાર, 5 મેના રોજ મણિદીપે ફોન કરીને માત્ર 5000 રૂપિયા માંગ્યા હતા, જે તેમણે તરત જ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ આ વાતચીતના થોડા જ કલાકોમાં તે અચાનક ગાયબ થઈ ગયો હતો.
સીસીટીવી ફૂટેજ અને પોલીસની પ્રાથમિક તપાસ
ફિનિશ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લાપતા થયાના દિવસે મણિદીપે આશરે 2500 રૂપિયા ખર્ચીને લાહટીથી 100 કિલોમીટર દૂર આવેલા હેલસિંકી શહેરની બસ પકડી હતી. હેલસિંકી પહોંચ્યા બાદ તે ત્યાંની એક જાણીતી રેસ્ટોરન્ટમાં જમતો અને એક શોપિંગ મોલમાં ફરતો સીસીટીવી ફૂટેજમાં કેદ થયો હતો. ફૂટેજમાં તે છેલ્લીવાર શોપિંગ સેન્ટરના રસ્તા પર ચાલતો દેખાયો હતો, ત્યારબાદ તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો અને તેનો કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો.
પરિવારે ઉઠાવ્યા ગંભીર સવાલો, તપાસની માંગ
આ ઘટના બાદ મણિદીપનો પરિવાર અને તેમના વકીલ કે.એલ.બી. કુમાર આ મામલાને સામાન્ય માનવાનો ઈનકાર કરી રહ્યા છે. પરિવાર સવાલ ઉઠાવી રહ્યો છે કે મણિદીપ અચાનક લાહટી છોડીને હેલસિંકી કેમ ગયો? શું તેની પર કોઈ દબાણ હતું કે તેની કોઈની સાથે દુશ્મની હતી? વકીલે આક્ષેપ કર્યો છે કે બે મહિના સુધી લાશ ક્યાં હતી અને તપાસ એજન્સીઓએ સમયસર પગલાં કેમ ન લીધા? પરિવારે ભારત સરકારને અપીલ કરી છે કે તેમને તાત્કાલિક ફિનલેન્ડ જવા, મૃતદેહની ઓળખ કરવા અને અંતિમ સંસ્કારની પ્રક્રિયામાં રાજદ્વારી મદદ પૂરી પાડવામાં આવે, તેમજ આ સમગ્ર ઘટનાની ઊંડી અને પારદર્શક તપાસ કરાવવામાં આવે.









