શશી થરૂરના વધુ એક નિવેદનથી કોંગ્રેસમાં ડખો! કે.સી. વેણુગોપાલે આપી કડક ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shashi Tharoor Congress News: કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશી થરૂરના એક નિવેદનથી પાર્ટીની અંદર દખો થઈ ગયો છે. થરૂરે રાહુલ ગાંધીના 'છાત્રોં કી ગૂંજ' કાર્યક્રમની તુલના જંતર-મંતર પર થયેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતૃત્વ હેઠળના પ્રદર્શન સાથે કરતા સ્વીકાર્યું હતું કે, કોંગ્રેસનો આ કાર્યક્રમ યુવાનો, ખાસ કરીને Gen Z વચ્ચે એટલો પ્રભાવ ન છોડી શક્યો. હવે પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે તમામ કોંગ્રેસી નેતાઓને જાહેરમાં નિવેદન આપતી વખતે સાવચેતી રાખવાની કડક ચેતવણી આપી છે.
કેસી વેણુગોપાલે આપી કડક ચેતવણી
વેણુગોપાલે થરૂરના નિવેદન પર સીધો હુમલો કરવાનું ટાળતા કહ્યું કે, 'મેં આ ટિપ્પણી માત્ર મીડિયા રિપોર્ટ્સ દ્વારા જ જોઈ છે અને થરૂરે ખરેખર શું કહ્યું હતું તે હું સ્પષ્ટપણે સાંભળી શક્યો નથી.' જોકે, તેમણે પક્ષના નેતાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, 'એવાં નિવેદનો ન આપવાં જોઈએ જેનાથી ભાજપને કોંગ્રેસ કે રાહુલ ગાંધી પર નિશાન સાધવાની તક મળે.'
વેણુગોપાલે કહ્યું કે, 'કોંગ્રેસના નેતાઓએ પક્ષની વિચારધારા અને શિસ્તના દાયરામાં રહીને નિવેદનો આપવાં જોઈએ. જો કોઈ કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીની ટીકા કરે છે અથવા તો તેમના વિરુદ્ધ નકારાત્મક ટિપ્પણી કરે છે તો તેનાથી ભાજપને ખુશી થશે.' જોકે, તેમણે એવું પણ કહ્યું કે, 'મને નથી લાગતું કે થરૂરે જાણી જોઈને આવું નિવેદન આપ્યું હોય.'
કે.સી. વેણુગોપાલે રાહુલ ગાંધીના 'છાત્રોં કી ગૂંજ' કાર્યક્રમનો બચાવ કરતા કહ્યું કે, પ્રયાગરાજમાં આયોજિત કાર્યક્રમમાં Gen Zની ભાગીદારી રહી હતી. તેમણે આરોપ લગાવ્યો કે ઉત્તર પ્રદેશ સરકારે કાર્યક્રમમાં અવરોધ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
વેણુગોપાલે વિદ્યાર્થીઓના મુદ્દે રાહુલ ગાંધીની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, જે વિદ્યાર્થીઓ પર પ્રદર્શન દરમિયાન કથિત રીતે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી, તેમના માટે અવાજ ઉઠાવવામાં રાહુલ ગાંધી સૌથી આગળ હતા. તેમણે દાવો કર્યો કે, પોલીસ કાર્યવાહીથી પ્રભાવિત વિદ્યાર્થીને સૌથી પહેલા રાહુલ ગાંધી જ જાહેરમાં સામે લાવ્યા હતા.
આખરે શશી થરૂરે શું કહ્યું હતું?
આ સમગ્ર વિવાદ કોંગ્રેસ સાંસદ શશી થરૂરના એ નિવેદનથી શરૂ થયો હતો, જેમાં તેમણે વિપક્ષી દળોના યુવાનો સાથેના જોડાણ સામે સવાલો ઉઠાવ્યા હતા. થરૂરે કહ્યું હતું કે, 'રાજકીય પાર્ટીઓએ એ બાબતે આત્મમંથન કરવું જોઈએ કે તેઓ નવી પેઢી સાથે અસરકારક રીતે જોડાવવામાં કેમ નિષ્ફળ રહ્યા છે.'
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, 'શું રાહુલ ગાંધીનો 'છાત્રોં કી ગૂંજ' કાર્યક્રમ જંતર-મંતર પર થયેલા પ્રદર્શનની જેમ યુવાનો વચ્ચે અસર ન છોડી શક્યો?' ત્યારે થરૂરે જવાબ આપ્યો હતો કે, 'આ વાત સાચી છે અને વિપક્ષી દળોએ આના પર વિચાર કરવો જોઈએ કે તેમનાથી ક્યાં ચૂંક થઈ છે.'
થરૂરનું કહેવું હતું કે, 'રાજકીય પક્ષોએ એ યુવાનો માટે સંગઠનમાં જગ્યા બનાવવી પડશે જે વર્તમાન રાજકીય વ્યવસ્થાથી અલગ બદલાવની અપેક્ષા રાખે છે.' તેમના મતે, યુવાનોને રાજકારણમાં આવવા અને નેતૃત્વની ભૂમિકા ભજવવાનો વાસ્તવિક માર્ગ આપવો જરૂરી છે.
વિવાદ વધ્યા બાદ થરૂરની સ્પષ્ટતા
જોકે, આ નિવેદન પર વિવાદ વધ્યા બાદ શશી થરૂરે સ્પષ્ટતા કરી હતી કે, 'મારો હેતુ કોંગ્રેસ કે પાર્ટીના નેતૃત્વ પર પ્રહાર કરવાનો નહોતો. મીડિયાના એક વર્ગે મારા નિવેદનને તેના મૂળ સંદર્ભથી અલગ કરીને રજૂ કર્યું હતું.'
થરૂરે પોતાની વાતનું પુનરાવર્તન કરતા કહ્યું હતું કે, મારો મુખ્ય મુદ્દો એ હતો કે સ્થાપિત રાજકીય પાર્ટીઓએ યુવાનો માટે પોતાના દરવાજા વધુ ખોલવા જોઈએ. નવી પેઢીને માત્ર ચૂંટણીઓ દરમિયાન સમર્થન માંગવાને બદલે રાજકીય સંગઠનોમાં સક્રિય ભૂમિકા અને નેતૃત્વની તક મળવી જોઈએ.
થરૂરની ટિપ્પણી અને વેણુગોપાલની સલાહે કોંગ્રેસની અંદર યુવા મતદારો અને Gen Z સાથે જોડાવાની પાર્ટીની રણનીતિ પરની ચર્ચાને ફરી વેગ આપ્યો છે. એક તરફ પાર્ટી રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિદ્યાર્થીઓ અને યુવાનોના મુદ્દાઓને સતત ઉઠાવવાનો દાવો કરી રહી છે, તો બીજી તરફ થરૂર જેવા વરિષ્ઠ નેતા સંગઠનને એ વિચારવાની સલાહ આપી રહ્યા છે કે, આખરે યુવા વર્ગ વચ્ચે વિપક્ષની પહોંચ કેટલી અસરકારક છે.
હાલમાં વેણુગોપાલે થરૂર સામે કોઈ કાર્યવાહીનો સંકેત નથી આપ્યો, પરંતુ તેમનો સંદેશ સ્પષ્ટ છે કે, 'કોંગ્રેસના નેતાઓ જાહેર નિવેદનો આપતી વખતે પાર્ટી નેતૃત્વને નબળું પાડતી ટિપ્પણીઓથી બચે અને એવો કોઈ મોકો ન આપે જેનાથી ભાજપને રાજકીય પ્રહાર કરવાની તક મળે.'









