‘રાજકારણ પરિવારોની મિલકત નથી’ થરૂરે અનેક નેતાના નામ સાથે વંશવાદ પર સાધ્યું નિશાન

Shashi Tharoor On Nepotism Politics : કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશિ થરૂરે ભારતીય લોકશાહીમાં વંશવાદની રાજનીતિ પર આકરા પ્રહાર કર્યો છે. થરૂરે પોતાના લેખ "ઈન્ડિયન પોલિટિક્સ અને ફેમિલી બિઝનેસ"માં વંશવાદને દેશના લોકતંત્ર માટે ગંભીર ખતરો ગણાવ્યો છે.
ભારતે વંશના બદલે યોગ્યતાને પસંદ કરવી જોઈએ : થરૂર
શશિ થરૂરે લખ્યું છે કે, ‘લોકશાહીનું સાચું વચન 'જનતાની સરકાર, જનતા દ્વારા, જનતા માટે' ત્યારે જ પૂરું થઈ શકે છે, જ્યારે ભારતીય રાજકારણ પરિવારોની મિલકત બનવાનું બંધ થાય. હવે સમય આવી ગયો છે કે ભારતે વંશના બદલે યોગ્યતાને પસંદ કરવી જોઈએ.’
‘વંશવાદ સમગ્ર રાજકીય તંત્રમાં ફેલાયેલો છે’
તેમણે કહ્યું કે, ‘આ સમસ્યા માત્ર કોંગ્રેસ પક્ષ પૂરતી સીમિત નથી, પરંતુ તે સમગ્ર રાજકીય તંત્રમાં ફેલાયેલી છે. જ્યારે રાજકીય નેતૃત્વ યોગ્યતા અથવા પ્રજા સાથેના જોડાણના બદલે માત્ર વંશવાદના આધારે નક્કી થાય છે, ત્યારે શાસનની ગુણવત્તા પર સીધો ખરાબ અસર પડે છે. જ્યારે કોઈ ઉમેદવારની સૌથી મોટી ઓળખ તેનું ઉપનામ હોય છે, ત્યારે ટેલેન્ટની કમી ઊભી થાય છે અને લોકશાહી નબળી પડે છે.’
થરૂરે આ નેતાઓના આપ્યા ઉદાહરણ
તેમણે અનેક પક્ષોના ઉદાહરણો આપીને કહ્યું કે, ‘ઓડિશામાં બીજુ પટનાયક પછી તેમના પુત્ર નવીન પટનાયકે કમાન સંભાળી, મહારાષ્ટ્રમાં બાળ ઠાકરેથી ઉદ્ધવ ઠાકરે અને પછી તેમના પુત્ર આદિત્ય સુધી વંશવાદ શરૂ થયો, ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહ યાદવથી અખિલેશ યાદવ, બિહારમાં રામવિલાસ પાસવાનથી ચિરાગ પાસવાન અને પંજાબમાં પ્રકાશ સિંહ બાદલથી સુખબીર બાદલે કમાન સંભાળી. જમ્મુ-કાશ્મીરમાં પણ અબ્દુલ્લા અને મુફ્તી પરિવારોએ પણ લાંબા સમય સુધી દબદબો જમાવ્યો.’
ભારત જેવા દેશમાં વંશવાદથી આશ્ચર્ય : થરૂર
થરૂરે કહ્યું કે, ‘આ પ્રવૃત્તિ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાં જોવા મળે છે. પાકિસ્તાનમાં ભુટ્ટો અને શરીફ પરિવાર, બાંગ્લાદેશમાં શેખ અને ઝિયા પરિવાર અને શ્રીલંકામાં ડારનાયકે અને રાજપક્ષે પરિવાર પણ આ જ પ્રવૃત્તિ ધરાવે છે. જોકે ભારત જેવો મોટો લોકતંત્ર દેશ જ્યારે આ વંશવાદને અપનાવે છે, ત્યારે આશ્ચર્યજનક લાગે છે. પરિવાર એક બ્રાન્ડની જેમ કામ કરે છે, જેના કારણે લોકો આવા ઉમેદવારો ઓળખવામાં અને વિશ્વાસ મુકી દે છે, અને આવા ઉમેદવારોને મત આપી દે છે.’
મતદારોને શિક્ષિત અને જાગૃત કરવા જરૂરી
શશિ થરૂરે સલાહ આપી છે કે, ‘રાજકીય પક્ષોમાં સુધારા કરવો જોઈએ, જેમ કે કાર્યકાળની મર્યાદા નક્કી કરવી અને પક્ષની સાચી ચૂંટણીઓ યોજવી જોઈએ. મતદારોને શિક્ષિત અને જાગૃત પણ કરવા જોઈએ, જેથી તેઓ કોઈનું ઉપનામ જોઈને નહીં, પરંતુ ઉમેદવારની યોગ્યતા અને કાબિલિયત જોઈને જ પોતાનો મત આપે.’

