નેશનલ હાઇવે પર વારંવાર અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટરને રૂ. 50 લાખ સુધીનો દંડ, કેન્દ્ર સરકારનો આકરો નિર્ણય

National Highway New Rules : દેશના નેશનલ હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનાઓને અંકુશમાં લાવવા માટે કેન્દ્ર સરકારે એક નવો નિયમ લાગુ કર્યો છે. જે મુજબ, દેશના કોઇ પણ નેશનલ હાઇવે પર એક જ સ્થળે એકથી વધુ વખત અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટરને દંડ થશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, ‘હવે નેશનલ હાઇવે પર કોઇ એક જ સ્થળ પર એકથી વધુ વખત અકસ્માત થશે તો તે કોન્ટ્રાક્ટરની જવાબદારી ગણાશે અને આ મુદ્દે તેમની સામે આકરા પગલાં પણ લેવામાં આવી શકે છે.’
50 લાખ સુધીનો દંડ થશે
ઉમાશંકરે નવા નિયમની માહિતી આપતા કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે, હવે નેશનલ હાઇવે પર કોઇ એક જ સ્થળ પર (અગાઉ અકસ્માત થયું હોય તેવા સ્થળના 500 મીટરના અંતરમાં) એકથી વધુ વખત અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટરને 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને તેના પછી પણ જો ફરી અકસ્માત થાય તો 50 લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. કોન્ટ્રાક્ટરોને માર્ગ નિર્માણ અને જાળવણીમાં વધુ જવાબદાર બનાવવા અને અકસ્માતોમાં ઘટાડો કરી શકાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચોઃ VIDEO : જયપુરમાં ડમ્પરે 50થી વધુ લોકોને કચડ્યાં, અનેક ગાડીઓને ટક્કર મારી! 19ના મોત
કયા સંજોગોમાં થશે દંડ?
સરકારે જણાવ્યું કે, ‘આ કાર્યવાહી જે નેશનલ હાઇવે ‘બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર’ (BOT) મોડલ પર બનેલા હશે તેના કોન્ટ્રાક્ટર પર કરવામાં આવશે.’ તમને જણાવી દઇએ કે, ભારતમાં નેશનલ હાઇવેના બાંધકામમાં ‘બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર’ (BOT) મોડલ એક એવો માળખો છે, જેમાં સરકાર ખાનગી કંપનીઓની મદદથી હાઇવેનું બાંધકામ કરાવે છે અને પછી જાળવણીની જવાબદારી પણ તે કંપનીને સોંપવામાં આવે છે. ‘બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર’ મોડલમાં કંપનીને 15થી 20 વર્ષ માટે રસ્તાની જાળવણીની જવાબદારી સોંપવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન જો હાઇવે પર કોઇ એક સ્થળ પર એકથી વધુ વખત અકસ્માત થાય તેવા સંજોગોમાં કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ટ્રકમાં ઘૂસી ગઈ ટેમ્પો ટ્રાવેલર, 15 લોકોના મોત: જોધપુરમાં ગમખ્વાર અકસ્માત
અકસ્માત પીડિતો માટે યોજના શરૂ કરાશે
ઉમાશંકરે અકસ્માત પીડિતોની મદદ માટેની યોજના અંગે વાત કરતા કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવારની યોજના શરૂ કરવા જઇ રહી છે. આ યોજના હેઠળ માર્ગ અકસ્માતના કિસ્સામાં ઈજાગ્રસ્તને રૂ. 1.5 લાખ સુધીની સારવાર મફત આપવામાં આવશે.’ આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા શક્યતા વ્યક્ત કરાઇ છે કે, આ યોજના શરૂ થતાં માર્ગ અકસ્માતના કિસ્સામાં મૃત્યુદર ઘટશે.

